<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

હું રફીક, આ મારો વિસ્‍તાર છે પોલીસે અહિ તપાસમાં આવવું જ નહિ...કોન્‍સ્‍ટેબલનો કાંઠલો પકડી ઝપાઝપી કરી ધમકી

ભગવતીપરામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સોની તપાસ માટે ગયેલા બી-ડિવીઝનના કોન્‍સ્‍ટેલબ સાથે લુખ્‍ખાગીરી આજે તો જવા દીધો હવે પછી આવીશ તો જીવતો નહિ રહે તેવી ધમકી આપી ભાગી ગયોઃ કોન્‍સ. મનોજભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ, ધમકીનો ગુનો નોંધી રફિક પઠાણને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૯: શહેરમાં અવાર-નવાર લુખ્‍ખાગીરીની ઘટનાઓ બને છે. અમુક તત્‍વો તો પોલીસની સામે પણ થઇ જાય છે. આવા વધુ એક બનાવમાં ભગવતીપરામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સોની તપાસ કરવા ગયેલા બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલને એક શખ્‍સે  આ મારો વિસ્‍તાર છે, અહિ પોલીસને આવવાની જ મનાઇ છે તો પણ કેમ આવે છે? આજે તો તને જીવતો નથી જવા દેવો તેમ કહી ગાળો દઇ કાંઠલો પકડી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં અને હવે પછી અહિ આવીશ તો જીવતો નહિ રહે તેમ કહી ધમકી આપી ભાગી જતાં આ શખ્‍સ સામે કાર્યવાહી થઇ છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કોન્‍સ. અજયભાઇ વિઠ્ઠલભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી ભગવતીપરાના રફિક પઠાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કોન્‍સ. અજયભાઇ ચોૈહાણે જણાવ્‍યું હતું કે હું રાતે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં ચેકીંગમાં હતાં ત્‍યારે મારા કાકાનો દિકરો રાહુલ મને મળ્‍યો હતો. જે ચાલીને ઘરે જતો હોઇ મારે એ તરફ જ બે ત્રણ શખ્‍સના એમ.સી.આર. કાર્ડ ચેક કરવાના હોઇ જેથી મેં તેને કહેલુ કે મારી સાથે બેસી જા હું કાર્ડ ચેક કરી લઉ પછી તને ઘરે મુકી જઇશ. આ પછી હું મારા કાકાના દિકરાને બેસાડીને ભગવતીપરા-૧૪માં ભરડીયા પાસે રહેતાં સલિમ ઉર્ફ સલુબાપુ હનીફશા શાહમદારને ત્‍યાં એમ.સી.આર. (ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સોની તપાસ) ચેક કરવા ગયો હતો અને તેના ઘરનું સરનામુ શોધતો હતો.

આ દરમિયાન ભગવતીપરા મોડર્ન સ્‍કૂલ સામેના ભાગે વિનોબા ભાવે આવાસ યોજના ક્‍વાર્ટર બાજુથી ભગવતીપરા તરફના રસ્‍તાનું કામ ચાલુ હોઇ જેથી મેં મારુ બાઇક પાછુ વાળતાં પાછળ એક્‍ટીવા પર એક શખ્‍સ અને એક બાળકી હતાં. આ શખ્‍સે મને ‘તમે કોણ છો? અહિ કેમ આવ્‍યા છો?' તેમ પુછતાં મેં કહેલુ કે હું બી-ડિવીઝન પોલીસ સ્‍ેશનમા કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવુ છું અને અહિ ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સોને તપાસવા માટે આવ્‍યો છું. આથી આ શખ્‍સે મારુ નામ રફીક છે અને તમે પોલીસ હોય તો શું થઇ ગયું? આ વિસ્‍તાર મારો છે, અહિ પોલીસને આવવાની મનાઇ છે, છતાંય તે અહિ આવવાની હિમત કેમ કરી? મારા વિસ્‍તારમાં ચેક કરવા આવવું નહિ, નહિતર તને સબક શીખડાવવો પડશે તેમ કહી ગાળો દીધી હતી.

મેં તેને ગાળ દેવાની ના પાડતાં રફીકે તું પોલીસવાળો છો તો તને બહુ ચરબી આવી ગઇ છે, આજે તો તને જીવતો જવા દેવો નથી તેમ કહી મારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી કાંઠલો પકડી લેતાં મારી સાથે કાકાનો દિકરો રાહુલ હોઇ તેણે મને છોડાવ્‍યો હતો. આ પછી મેં પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં રફીક તેનું વાહન લઇ જતો રહ્યોહ તો અને જતાં જતાં પણ ધમકી દીધી હતી કે આજે તો જવા દીધો છે, હવે પછી આ વિસ્‍તારમાં આવીશ તો જીવતો જવા નહિ દઉ તેમ કહેતો ગયો હતો. મેં કન્‍ટ્રોલ રૂમમાં ફોન કર્યો હોઇ કોન્‍સ. વિશાલભાઇ, હોમગાર્ડ અશ્વીનભાઇ સહિતના આવી ગયા હતાં. અમે બાદમાં સાથે મળી રફીક નામના શખ્‍સની શોધખોળ કરી હતી. તેનું નામ રફીક પઠાણ હોવાનું અને ભગવતીપરામાં જ રહેતો હોવાની વિગતો અમને મળી હતી. મેં તેને મારી પોલીસ તરીકેની ઓળખ આપી હોવા છતાં તેણે ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ ધમકી આપી હોઇ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અજયભાઇએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(4:28 PM IST)