તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
રૈયાધારમાં મિત્રની મશ્કરી કરી રહેલા પ્રશાંતને ત્રણ શખ્સે ઘુસ્તાવી છરી ઝીંકી
તું કેમ લાલાની મસ્તી કરે છે? કહી રવિ, પ્રફુલ અને અજાણ્યો શખ્સ તૂટી પડયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૯: રૈયાધારમાં મિત્ર પાસે ઉભા રહી મજાક મશ્કરી કરી રહેલા યુવાનને અન્ય ત્રણ શખ્સોએ તું કેમ આની મશ્કરી કરે છે? કહી ગાળો દઇ ઢીકાપાટુ મારી છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ શ્રમદીપ કોમ્પલેક્ષ ૪૦૧ દર્શન પાર્ક મેઇન રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં પ્રશાંત વિનોદરાય સીમેજીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રૈયાધારના રવિ જાદવ, પ્રફુલ ઉર્ફ ઘાંઘી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
પ્રશાંત સીમેજીયાએ જણાવ્યું હતું કેહું રવિવારે સવારે મારા શેઠને મુકીને ઘરે જતો હતો ત્યારે રૈયાધાર મેઇન રોડ સન સીટી પાછળ મચ્છી માર્કેટવાળા ચોકમાં મારો મિત્ર લાલો પારઘી ઉભો હોઇ જેથી મેં તેની પાસે મારુ બાઇક ઉભુ રાખ્યું હતું અને તેની સાથે મજાક મશ્કરી કરતો હતો. આ વખતે તેની સાથે .ભેલા એક શખ્સે તું લાલાની મસ્તી કેમ કરે છે? તેમ કહી મારી સાથે બોલાચાલી કરી હતી. એ દરમિયાન તેની સાથે રહેલા રવિ જાદવ અને પ્રફુલ ઉર્ફ ઘાંઘો નામના શખ્સોએ પણ મને ગાળો દેતાં મેં તેને ગાળો દેવાની ના પાડતાં બંનેએ ઢીકાપાટુ માર્યા હતાં. એ પછી અજાણ્યાએ પણ મને માર માર્યો હતો.
એ દરમિયાન રવિએ પેન્ટના નેફામાંથી છરી કાઢી મને જમણા પડખે મારી દીધી હતી. તેમજ ખભા અને શરીરે તેમજ પેટના ભાગે પણ ઇજા પહોંચાડતાં હું બાઇક લઇને નીકળી ગયો હતો અને હોસ્પિટલે પહોંચી સારવાર માટે દાખલ થયો હતો. મારા મિત્ર સાથે હું મશ્કરી કરતો હતો ત્યારે ત્યાં ઉભેલા શખ્સોએ વચ્ચે પડી ગાળો દઇ હુમલો કર્યો હતો. તેમ વધુમાં પ્રશાંતે કહેતાં યુનિવર્સિટીના એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:26 PM IST)










