<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જનકલ્‍યાણ ટ્રસ્‍ટે સેવા ક્ષેત્રે પાર કર્યુ વધુ એક માઇલસ્‍ટોન : ૭૦૦ ચક્ષુદાન સમાજને અર્પણ

૩૨ સ્‍કીન ડોનેશન : ૬૦ દેહદાન : હવે વિદ્યાર્થીઓ માટેની બુક બેંકનો પણ પ્રારંભ

રાજકોટ તા. ૧૯ : છેલ્લા ૭ વર્ષથી ચક્ષુદાન, સ્‍કિન દાન, દેહદાન જેવી સમાજસેવી પ્રવૃત્તિ ચલાવતા જનકલ્‍યાણ ટ્રસ્‍ટે સેવાકીય સફરમાં ૭૦૦ ચક્ષુદાનનો આંકડો પાર કરી વધુ એક માઇસ્‍ટોન પાર કરી બતાવ્‍યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ સંસ્‍થા વિવિધ પ્રકારના પ્રયત્‍નો કરી સમાજમાં જાગૃતિ લાવવાના કાર્યો કરે છે. ૨૦૧૭થી રાજકોટમાં યોજાતા લોકમેળામાં સ્‍ટોલ રાખી અંગદાન, ચક્ષુદાન, સ્‍કીનદાન, દેહદાનનો પ્રચાર પ્રસાર કરવા સાથે સંકલ્‍પપત્રો ભરવાનું કામ કરે છે. સાંજે જુદા જુદા ફાયર સ્‍ટેશનો, જાહેર રસ્‍તાઓ, મંદિરો જેવી જગ્‍યાએ પ્‍લે કાર્ડ, બેનરો લઇ કાર્યકરો ઉભા રહે છે અને લોકોમાં ચક્ષુદાન, સ્‍કિન દાન, દેહદાન માટે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરે છે.

એજ રીતે વહેલી સવારે વોકીંગ ઝોનમાં પણ આ સંસ્‍થાના કાર્યકરોની ટીમ માહીતી સભર પેમ્‍ફલેટ વિતરણ કરી જાગૃતિના પ્રયાસો કરતી રહે છે. એટલુ જ નહીં સ્‍મશાનમાં પણ જનજાગૃતિ કેમ્‍પ યોજે છે.

આ પ્રયાસોની સફળતારૂપે અત્‍યાર સુધીમાં ૭૦૧ ચક્ષુદાન સમાજને અર્પણ કરેલ છે. સાથે ૩૨ સ્‍કીન ડોનેશન, ૬૦ દેહદાન કરાવેલ છે.

સંસ્‍થા ઉનાળામાં જરૂરતમંદ લોકોને નિઃશુલ્‍ક છાશ વિતરણની સેવા પણ ચલાવે છે. આ વર્ષે પણ છાશ વિતરણ શરૂ કરાયુ છે. જેનો દરરોજ સવારે આશરે ૨૫૦૦ થી વધુ લોકો લાભ લઇ રહ્યા છે. ઉનાળામાં જરૂરતમંદોને સ્‍લીપર ચંપલ વિતરણ અને શિયાળામાં ગરમ ધાબળા વિતરણની સેવા પણ ચલાવવામાં આવે છે. જન્‍માષ્‍ટમી દિવાળી જેવા તહેવારોમાં મીઠાઇ ફરસાણનું વિતરણ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને પણ મદદરૂપ બનવા આવતીકાલથી એટલે કે ૨૦ મે થી પાઠય પુસ્‍તક બેંક યોજના શરૂ કરવામાં આવનાર છે.દાતાઓને પ્રોત્‍સાહન મળે એ હેતુથી  દર વર્ષે ચક્ષુદાતા, દેહદાતા વગેરેના પરિવારજનોનું સન્‍માન કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ સમાજના દાતાઓના આર્થિક સહયોગથી કરવામાં આવે છે. વિશેષ માહીતી માટે જનકલ્‍યાણ ટ્રસ્‍ટના કાર્યાલય, ૧૦ કાંતિ પ્રકાશ, પુનમ ફર્નીચર પાસે, ઢેબર રોડ, રાજકોટ ખાતે સાંજે પ થી ૮ દરમિયાન રૂબરૂ અથવા મો.૯૪૨૭૫ ૦૬૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ચેરમેન ઉમેશભાઇ મહેતા, ખજાનચી કનુભાઇ પરમાર, કાર્લાલય મંત્રી પ્રદિપભાઇ પંડયા તેમજ સાથે જનાર્દનભાઇ આચાર્ય, નૈષધભાઇ વોરા, રામશીભાઇ વરૂ (એ.એસ.આઇ.), અતુલભાઇ શાહ, મેહુલભાઇ રાવલ, સંજયભાઇ ગાંગાણી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:20 PM IST)