<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ડો. યાજ્ઞિક રોડ પર ચાર સ્‍કોર્પિયો પુરઝડપે હંકારી સ્‍ટંટ કરનારાઓને એ-ડિવીઝન પોલીસે દબોચ્‍યા

રામનાથપરાના આકીબ, ફરહાદ, સાહિલ, થોરાળાના શેનીફે એક મહિના પહેલા લગ્નમાંથી જતી વખતે વિડીયો બનાવ્‍યો હતોઃ હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયાની ફરિયાદ પરથી કાર્યવાહી

 

રાજકોટ તા. ૧૯: સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હોઇ જેમાં ડો. યાજ્ઞિક રોડ પર પુરપાટ ઝડપે ચાર સ્‍કોર્પિયો કાર સર્પાકાર નીકળતી અને સાથે બેક ગ્રાઉન્‍ડમાં વેબ સિરીઝનો એક ડાયલોગ બોલાતો સંભળાતો હતો. વાયરલ વિડીયોને આધારે એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર સ્‍કોર્પિયોને શોધી કાઢી તેના ચાલકો સામે કાર્યવાહી કરી છે. આ વિડીયો એક મહિના પહેલાનો હતો.

આ બારામાં એ-ડિવીઝન ડી. સ્‍ટાફના સાગરભાઇ દામજીભાઇ માવદીયાની ફરિયાદ પરથી રામનાથપરા હુશેની ચોક કુંભારવાડા મેઇન રોડ પર રહેતાં આકીબ યાસીનભાઇ જલવાણી (ઉ.વ.૨૫), હાથીખાના શેરી નં. ૬ ઇન્‍ડિયા બેકરી પાસે રહેતાં ફરહાદ મહેબુબભાઇ સુમરા (ઉ.વ.૨૪), રામનાથપરા હુશેની ચોક ફાતીમાબાઇવાળી શેરીમાં રહેતાં સાહીલ અયુબભાઇ ટોયા (ઉ.વ.૩૦) અને થોરાળા પોલીસ સ્‍ટેશન સામે મનહર સોસાયટી-૬માં શક્‍તિ સ્‍ટીલ ફર્નિચર સામે રહેતાં શેનીફ રફીકભાઇ સૈયદ (ઉ.વ.૧૯) સામે બીએનએસની કલમ ૨૮૧, ૩ (૫), ૧૨૫, એમવીએક્‍ટની કલમ ૧૮૪, ૧૭૭ મુજબ ઇરાદો પાર પાડવા પોતાની અલગ અલગ સ્‍કોર્પિયો જાહેર માર્ગ પર બેફીકરાઇથી પુરઝડપે માણસની જિંદગી જોખમાય તે રીતે સ્‍ટંટ કરતાં ચલાવીને નીકળવાનો ગુનો નોંધ્‍યો છે.

હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયાએ જણાવ્‍યું હતું કે એક વિડીયો વાયરલ થયો હતો તેની ખરાઇ કરવા તપાસ શરૂ કરી હતી. જેમાં જીજે૩૬એફ-૦૦૫૨ નંબરની કારના માલિકની તપાસ કરતાં તે આકીબ જલવાણીની હતી. તેન. શોધી પુછતાછ કરતાં પોતાની સાથે અન્‍ય ત્રણ સ્‍કોર્પિયો જીજે૦૩એનપી-૦૯૦૨, જીજે૩૭એબી-૧૬૧૬ તથા જીજે૦૩એનપી-૦૧૨૪માં પોતાના મિત્રો ફરહાદ, સાહીલ અને શેનીફ હતાં. આથી પોલીસે આ ત્રણેયને પણ શોધી કાઢયા હતાં અને ચારેય સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

ચારેયએ પુછતાછમાં કહ્યું હતું કે ૨૪/૪ના રોજ ડો. યાજ્ઞિક રોડ પર લગ્નમાંથી જતી વખતે રાતે અઢી વાગ્‍યે ચારેયએ સ્‍ટંટ કરી કાર હંકારી હતી. ચારેયને આ ગુનો દાખલ કરી નોટીસ અપાઇ હતી. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, બી. વી. ગોહિલ, સાગરભાઇ માવદીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)

(3:40 PM IST)