<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

‘ટીપી જનરલ બોર્ડ' : ઘંટેશ્વર-મોટામવામાં નવી સ્‍કીમ સહિતની ૧૧ દરખાસ્‍તો

વોર્ડ નં. ૪-પમાં ૩ માર્ગને નવા નામકરણ થશે

રાજકોટ, તા. ૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસિક સામાન્‍ય સભા આગામી તા.૨૦ના મંગળવારે બોલાવવા મેયર નયનાબેન પેઢડીયાની સૂચનાથી સેક્રેટરીએ એજન્‍ડા બહાર પાડયો છે. બોર્ડના એજન્‍ડા પર કુલ ૧૧ દરખાસ્‍તો રહેલી છે. જેમાં સાત દરખાસ્‍તો તો ટીપી સ્‍કીમને લગતી છે. આ રીતે આગામી બોર્ડ ટીપી સ્‍કીમને લગતું બોર્ડ બની રહેશે તેવી પૂરી ધારણા છે.

ઘંટેશ્વર અને મોટા મવાની બે નવી ટીપી સ્‍કીમ બનાવવા તથા અન્‍ય સ્‍કીમમાં દરખાસ્‍તોને પરામર્શ આપવાની કાર્યવાહી આ બોર્ડમાં થશે. ચૂંટણી વર્ષમાં આવેલી અર્ધો ડઝનથી વધુ ટીપી સ્‍કીમની દરખાસ્‍તો અંગે વિપક્ષના સભ્‍યો શું માહિતી લે છે તે પણ મહત્‍વનું બની રહેશે.

આ રીતે જનરલ બોર્ડમાં રજૂ થનારી ૧૧ પૈકી ૭ દરખાસ્‍ત ટાઉન પ્‍લાનીંગ સ્‍કીમને લગતી હોય આ બોર્ડમાં ચર્ચા કરતા ટીપીની દરખાસ્‍તો મહત્‍વપૂર્ણ બનશે. લાંબા સમય બાદ મનપાને ઇન્‍ચાર્જ છતાં સરકારે હાલ પૂરતા કાયમી ટીપીઓ ફાળવ્‍યા છે. તે સાથે ટીપી સ્‍કીમને લગતી કામગીરીમાં તો ગતિ આવી છે તે નકકી છે.

આ ઉપરાંત  શહેરના વોર્ડ નં.૪માં જુના મોરબી રોડ પર ૫૦ ફુટ રોડ, ડી માર્ટથી આર.કે.ડ્રીમલેન્‍ડ સુધીના માર્ગને વાઘજીભાઇ તળશીભાઇ લુણારીયા નામકરણ કરવા બોર્ડમાં દરખાસ્‍ત મૂકવામાં આવી છે. કુવાડવા રોડથી જુના મોરબી રોડ વચ્‍ચેના ૫૦ ફુટ રોડને પ્રભા ચોક નામ આપવા પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો છે.

વોર્ડ નં.૫માં વોર્ડ ઓફિસવાળા ચોક, બ્રહ્માણીયા પરા મેઇન રોડ પાસેના માર્ગને શ્રી રંગીલા હનુમાનજી ચોક નામકરણ આપવા પણ દરખાસ્‍ત રજૂ થઇ છે. હાલ ચાલી રહેલી વેરા વળતર સાથે વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ યોજનાની દરખાસ્‍તને પણ મંજૂરી આપવા નિર્ણય કરાશે.

(4:26 PM IST)