<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

પીજીવીસીએલ દ્વારા રાગદ્વેષપુર્વક વાલ્‍મિકી વિસ્‍તારોમાં ચેકીંગ કરી કનડગત કરવામાં આવતી હોવાની ઉર્જામંત્રીને રજુઆત : ઉપવાસ-ધરણાની ચીમકી

 

રાજકોટ : પીજીવીસીએલના એન્‍જીનીયરો દલિત વિરોધી માનસીકતા ધરાવતા હોય તેમ વીજ ચેકીંગના નામે દલિત વિસ્‍તારોને ટાર્ગેટ કરી હેરાન પરેશાન કરતા હોવાની અખિલ ભારતીય શ્રમિક સંઘના પ્રમુખ દશરથભાઇ પુરબીયાની આગેવાની હેઠળ ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને સંબોધીને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. રજુઆતમાં જણાવેલ છે કે શહેરમાં વાલ્‍મિકી સમાજનો જયાં વસવાટ છે તેવા તોપખાના, વાલ્‍મિકીવાડી, સ્‍લમ કવાર્ટર તથા પરસાણાનગર જેવા વિસ્‍તારમાં પીજીવીસીએલના એન્‍જીનીયર એમ. વાય સૈફી તથા જુનિયર એન્‍જીનીયર દ્વારા વીજ મીટરોનું ચેકીંગ હાથ ધરાયુ હતુ. સવારના સમયે વાલ્‍મિકી સમાજના સફાઇ કર્મચારીઓ કે પરિવારના વડીલો હાજર ન હોય તેવા સમયે ચેકીંગ હાથ ધરી ઘરે હાજર અભણ કે અજ્ઞાન લોકો પાસે કોરા પેપરોમાં સહી કરાવી આધાર કાર્ડના ફોટા અને સતા બહાર વિડીયો રેકોર્ડીંગ કરી મસમોટા વીજબીલ ફટકારી દેવામાં આવ્‍યા છે. કોરા કાગળોમાં સહી લઇ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ અપાય છે. વાલ્‍મિકી લોકોના વિસ્‍તારની બાજુમાં જ ઉજળીયાત વર્ગના વિસ્‍તારો છે. ત્‍યાં ચેકીંગ કરવામાં આવતુ નથી. જેથી જ્ઞાતિવાદ ચલાવી માત્ર નાના વર્ગના અભણ લોકોને જ પ્‍લાનીંગથી હેરાન કરવામાં આવતા હોવાનું અમારૂ માનવુ છે. આ બાબતે ત્‍વરીત ધોરણે તપાસ હાથ ધરાવી કસુરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માંગણી કરવામાં આવી છે. જો સમયસર યોગ્‍ય પગલા ન ભરાય તો ગુજરાતમાં દરેક જિલ્લા સ્‍તરે અચોકકસ મુદતના ઉપવાસ અને ધરણા આંદોલન ચલાવવા પણ આવેદનપત્રના અંતમાં ચિમકી ઉચ્‍ચારવામાં આવી હોવાનું અખિલ ભારતીય શ્રમિક સંઘના પ્રમુખ દશરથ જયંતિભાઇ પુરબીયાની યાદીમાં જણાવાયુ છે. નાયબ કલેકટર અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરને આવેદનપત્ર અપાયુ તે સમયની તસ્‍વીરો નજરે પડે છે.

(4:10 PM IST)