તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
રાજકોટના શુકલ પીપળીયાના સરપંચ કાનજીભાઇ ચારોલાનું વાડીએ પાણીના ટાંકામાં ડુબી જતાં મોત
પરિવારના બાળકો ન્હાતા હોઇ એક બાળક ડુબતું હોઇ બચાવવાના પ્રયાસમાં જીવ ગુમાવતાં અરેરાટી : બેભાન હાલતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારજનોમાં અને ગ્રામજનોકમાં શોકની કાલીમા : ઘટનાના આગલા દિવસે જ સરંપચ કાનજીભાઇનું કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયત એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું

રાજકોટ તા. ૨૧: પરલોકનું તેડુ ક્યારે અને કેવી રીતે આવી જાય તેની માણસને ખબર હોતી નથી. એક કરૂણ ઘટનામાં રાજકોટના કુવાડવા તાબેના શુકલપીપળીયા ગામે સરપંચનું વાડીએ પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત થયું છે. વાડીએ પરિવારના બાળકો ટાંકામાં ન્હાતાં હોઇ એક બાળક ડુબવા માંડતા તેને બચાવવા જતાં સરપંચ પોતે પણ અંદર પડી ગયા હતાં અને પાણી પીવાઇ જતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં અને ગ્રામજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ સાત હનુમાન પાસે શુકલ પીપળીયા ગામે રહેતાં કાનજીભાઇ મગનભાઇ ચારોલા (ઉ.વ.૬૦) ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે વાડીએ હતાં ત્યારે વાડીમાં બનાવાયેલા મોટા પાણીના ટાંકામાં સરપંચના પરિવારના સગાના બાળકો ન્હાવા માટે પડયા હતાં. ગરમીથી બચવા બાળકો પાણીમાં કુદી છબછબીયા કરી રહ્યા હતાં ત્યારે એક બાળક અંદર ડુબવા માંડતા સરપંચ કાનજીભાઇનું ધ્યાન પડતાં તેમણે દોટ મુકી હતી અને બાળકને બચાવવાનો પ્રયાસ કરતાં પોતે પણ ટાંકામાં પડી જતાં ડુબી ગયા હતાં.
પાણી પીવાઇ જતાં તેઓ બેભાન થઇ ગયા હતાં. વાડીએ બીજા લોકો પણ હાજર હોઇ તુરત જ તેમને બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મોત નિપજતાં પરિવારમાં, ગ્રામજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર સરપંચ કાનજીભાઇ ચારોલા પાંચ ભાઇ અને પાંચ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. કાનજીભાઇ ગામમાં પોતાની સારી કામગીરીને કારણે અને સારા સ્વભાવને કારણે ખુબ નામના, ચાહના ધરાવતાં હતાં. આ ઘટના બની તેના આગલા દિવસે જ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ કાનજીભાઇનું કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. (૧૪.૫)
(2:47 PM IST)










