તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 21st May 2025
રાજકોટમાં કોરોનાનો એકેય કેસ નથીઃ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ તૈયાર રખાયો
તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સિનીયર તબિબ ડો. મહેન્દ્ર ચાવડાએ તમામ તૈયારીઓ કરી રાખી

રાજકોટઃ અચાનક જ દેશમાં કોરાનાએ ફરી દેખા દીધી છે. મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા છે. ગુજરાતમાં પણ આ કેસ આવવાની શક્યતા નકારી શકાતી નથી. આને પગલે દેશભરમાં સરકારી આરોગ્ય તંત્રો સતર્ક થઇ ગયા છે. રાજકોટમાં આજ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. જો કે પીડીયુ સિવિલ હોસ્પિટલ તંત્રવાહકો એલર્ટ થઇ ગયા છે. જો કેસ આવે તો દર્દીને દાખલ કરી સારવાર કરવા માટે આઇસોલેટેટ વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વોર્ડમાં જરૂરી તમામ સાધન સામગ્રી પીપીઇ કીટ, વેન્ટીલેટર, દવાઓ ઇન્જેક્શનનો જથ્થો તૈયાર રખાયો છે.
તબિબી અધિક્ષક ડો. મોનાલીમાકડીયા અને મિડીયા કો-ઓર્ડિનેટર સિનીયર ડો. મહેન્દ્ર સી. ચાવડાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં કોઇ પણ કેસ સામે આવ્યો નથી. રાજકોટમાં પણ કોરોનાનો એકેય કેસ નથી. જો કે કેસ જાહેર થાય તો તેને દાખલ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આઇસોલેટડ વોર્ડની સુવિધા ઉભી કરી લેવામાં આવી છે. અગાઉની જેમ જ સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આ વોર્ડ તૈયાર જ રખાયો છે. જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન, પીપીઇ કિટ, પુરતા બેડની સુવિધા છે. લોકોએ ડરવા, ગભરાવાની જરાય જરૂર નથી. તકેદારી રાખવી જરૂરી છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો જોવા મળ્યાં છે. મુંબઈના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં એંસી કેસ નોંધાયા. જે પૈકી ત્રેપન કેસ મુંબઈમાં નોંધાયા છે. આ વચ્ચે ગુજરાત, રાજકોટનું આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયું છે.
(2:38 PM IST)










