<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રૈયા રોડના દ્વારકેશ પાર્કમાં વિજકરંટ લાગતાં કારખાનેદારના ૨૦ વર્ષના પુત્ર દિપક કાકુનું મોત

હાલમાં જ બારમુ ધોરણ પાસ કરી કોલેજમાં પ્રવેશ લીધો હતોઃ એલઇડી ઉતારતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૧: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્કમાં વિજકરંટથી વીસ વર્ષના યુવાનનું મોત થયું છે. હાલમાં જ ધોરણ બાર પાસ કરીને આ યુવાને કોલેજમાં એડમીશન લીધુ હતું. ઘરે એલઇડી લાઇટ ઉતારતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ દ્વારકેશ પાર્ક શેરી નં. ૬માં રહેતો દિપક ચેતનભાઇ કાકુ (ઉ.વ.૨૦) નામનો યુવાન રાતે ઘરે સવા બારેક વાગ્‍યે એલઇડી લાઇટ કાઢવા જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો હતો. તેને સારવાર માટે તુરત જ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર દિપક બે ભાઇમાં નાનો હતો અને હાલમાં જ બારમુ ધોરણ પાસ કર્યા પછી હવે કોલેજમાં પ્રવેશ લેવાનો હતો. તેના પિતા ચેતનભાઇ કારખાનેદાર છે. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(3:08 PM IST)