<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ઇશ્વરીયા નજીક નદીમાં ન્‍હાવા પડેલા વિજયભાઇ પરેશાનું મિત્ર સાગરની નજર સામે ડુબી જતાં મોત

મિત્રએ બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૧: પડધરી તાબેના ઇશ્વરીયા ગામના યુવાનનું  ઇશ્વરીયાથી યુનિવર્સિટી રોડ તરફ આવેલી નદીમાં ન્‍હાવા પડતાં ડુબી જવાથી મોત થયું છે. આ યુવાન અને તેનો મિત્ર ન્‍હાવા માટે ગયા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરીના ઇશ્વરીયા ગામમાં રહેતાં વિજયભાઇ બાબુભાઇ પરેશા (ઉ.વ.૩૯) અને તેના મિત્ર સાગરભાઇ ઇશ્વરીયાથી યુનિવર્સિટી રોડ તરફ જતાં પૂલ પાસે નદીમાં ન્‍હાવા પડયા ત્‍યારે વિજયભાઇ ઉંડા પાણીમાં ડૂબી જતાં મિત્ર સાગરભાઇએ તેને બહાર કાઢી લીધા હતાં.   બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર વિજયભાઇ ફેન્‍સીંગ દિવાલ બાંધવાનું કામ કરતા હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

રૂખડીયાપરાના ભૂપતભાઇનું બેભાન હાલતમાં મોત

જ્‍યારે રૂખડીયાપરા જુની વાયરલેસ ઓફિસ પાસે રહેતાં ભૂપતભાઇ કડવાભાઇ સાકરીયા (ઉ.વ.૫૫) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભુપતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બિમારીને કારણે મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:59 PM IST)