તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 21st May 2025
આજીડેમ ચોકડી રામવન નજીક ‘હિટ એન્ડ રન': પાંચ બહેનના એક જ ભાઇ સંજયનું મોત
બાવીસ વર્ષનો યુવાન કામે જવા નીકળ્યો અને એક્ટીવા સહિત ટ્રકની ઠોકરે ચડી ગયોઃ સારવારમાં દમ તોડયોઃ જાદવ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: શહેરમાં વધુ એક વખત જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. આજીડેમ ચોકડી રામવન નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મંછાનગરના બાવીસ વર્ષના યુવાનનું મોત થયું છે. કરૂણતા એ છે કે આ યુવાન પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો. જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક મંછાનગર-૫માં રહેતો સંજયભાઇ ભુરાભાઇ જાદવ (ઉ.વ.૨૨) નામનો યુવાન બપોરે ડેમ ચોકડીથી રામવન જવાના રસ્તે એક્ટીવા હંકારીને જતો હતો ત્યારે ત્યારે મુરલીધર બ્રીજ અને રામવન વચ્ચેના રસ્તે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સંજયભાઇ ટુવ્હીલર સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં સગા સ્વજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. જો કે સંજયભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ કારખાનામાં કામ કરતો હતો. તે પાંચ બહેનનો એકનો એક મોટો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. કામે જવા નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(4:23 PM IST)










