તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
ભગવતીપરાના સફાઇ કામદાર કાળુભાઇ વ્યાજખોરીમાં ફસાતાં ચિઠ્ઠી લખી ઝેર પીધું
બિપીને બેઇમાની કરી ડબલ રૂપિયા માંગ્યા, એ મારે એના કરતાં મરી જવું સારું : ૩૦ હજાર ૧૦ ટકે લઇ છ મહિના સુધી ૩-૩ હજાર વ્યાજ ભર્યુઃ પછી બિપીને કહ્યું-હવે તારે ૨૦ ટકા દેવા પડશેઃ પેનલ્ટી ચડાવી ૩,૮૨,૦૦૦ની ઉઘરાણી ચાલુ કરી ધમકી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: ભગવતીપરા અયોધ્યા પાર્ક- ૨માં રહેતાં કાળુભાઇ જેરામભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) નામના સફાઇ કામદારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વ્યાજખોરીમાં ફસાઇ જતાં સ્યુસાઇડ નોટ લખીને આ પગલુ ભર્યુ હતું.
કાળુભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા છે અને સંતાનમાં એક દિકરી તથા ત્રણ દિકરા છે. તે વોર્ડ-૩માં સફાઇ કામ કરે છે. તેણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે પોલીસ ખાતાને વિનંતી કે મેં બિપીન મઠીયા પાસેથી એક વર્ષ પહેલા ૩૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. રેગ્યુલર મહિને ૩ હજાર લેખે વ્યાજ આપતો હતો. છ મહિના પછી બિપીને કીધુ કે આપણે ૨૦ ટકાની વાત થઇ હતી. હવે તમારે દર મહિને ૬ હજાર દેવા પડશે. પરંતુ હું ૩ હજાર જ દેતો હતો. તે કહેતા કે બાકીના ૩-૩ હજાર ચડતાં જાય છે, દર મહિને પેનલ્ટી ચડતી જાય છે. હાલના દિવમસાં તેણે પેનલ્ટી લગાડીને રૂા. ૩,૮૨,૦૦૦ કરી નાખ્યા છે અને ફોન કરીને તેમજ મને તેની ઓફિસે બોલાવીને ધમકાવી વ્યાજ માંગે છે.
મને ૨૨/૫ના દિવસે ગમે તેમ કરીને પૈસા આપી દેવા નહિતર ઘર પડાવી લેવાની કે મારી નાંખવાની ધમકી અપાઇ હતી. પોલીસને વિનંતી કે આ બિપીનના હાથે મરવું એના કરતાં હું જ મારી જાતે ઝેરી દવા પી મરી જાઉ છું. હું ઝેરી દવા પીને જીવન ટુકાવુ છું. બિપીન મઠીયાના કારણે જ આત્મહત્યા કરુ છું. મારે સંતાનમાં એક દિકરી છે અને ત્રણ દિકાર છે. હું મ્યુનિસિપાલટીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરુ છું ગરીબ માણસ છું. મારા ચારેય સંતાન ભણે છે. દિકરી બાર પાસ થઇ છે અને કોલેજમાં એડમીશન લેવાનું છે. બિપીન મઠીયાએ મારી સાથે બેઇમાની કરી ડબલ રૂપિયાની માંગણી કરી હતી. મારે ખોટા પૈસા કેમ આપવા? ક્યાંથી લાવવા? માટે હું આપઘાત કરુ છું. લી. કાળુભાઇ જેરામભાઇ વાઘેલા. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
(4:26 PM IST)










