News of Friday, 23rd May 2025
સરધારમાં પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ સાવલીયાની ત્રિકમ ઝીંકી ક્રુર હત્યાઃ રાજસ્થાની મજૂર ગૂમ
બાવન વર્ષિય ખેડૂત ઓર્ગેનિક ખેતીમાં ખુબ રસ ધરાવતાં: રાત્રે વાડીએ જ સુઇ રહેતાં: મજૂર સાથે કોઇ વાતે માથાકુટ થતાં હત્યા થયાનું તારણઃ ગામમાં-પરિવારમાં અરેરાટીઃ આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યોઃ છાતીમાં ઝીંકાયેલો એક જ ઘા જીવલેણ નીવડયોઃ ખાટલામાં લાશ મળી ત્યારે ત્રિકમ છાતીમાં જ ખૂંપેલુ હતું: ખુબ જ ધર્મ પારાયણ, સામાજીક ક્ષેત્રે અગ્રેસર હતાં: હત્યાનો ભોગ બનનાર ત્રણ ભાઇ, બે બહેનમાં મોટા હતાં: બે પુત્રોમાંથી એક ઇમિટેશનના વ્યવસાયી

ક્રુરતા: સરધારના પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ મોહનભાઇ સાવલીયાની તેમની વાડીમાં ખાટલા પર હત્યા કરવામાં આવી હતી. સવારે લોહીલુહાણ મૃતદેહ મળ્યો ત્યારે અરેરાટી વ્યાપી ગઇ હતી. છાતીમાં ઝીંકાયેલો ત્રિકમનો એક જ ઘા જીવલેણ નીવડયો હતો. હત્યા બાદ રાજસ્થાની મજૂર ગૂમ હોઇ તેની શોધખોળ થઇ રહી છે. જે રીતે મૃતદેહ વાડીમાં મળ્યો હતો તે દ્રશ્ય જોઇ શકાય છે. (ફોટોઃ વિજય વસાણી)


હત્યાનો ભોગ બનનાર સરધારના પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ સાવલીયાનો નિષ્પ્રાણ દેહ રાજકોટ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઇ પાણ તેમજ બીજા આગેવાનો, ગ્રામજનો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા હતાં. તે દ્રશ્યો અને કાર્યવાહી કરી રહેલી પોલીસ જોઇ શકાય છે (ફોટોઃ વિજય વસાણી, અભી બગથરીયા)
રાજકોટ તા. ૨૩: રાજકોટ પંથકમાં હત્યાની વધુ એક ઘટના બની છે. સરધાર ગામના પુર્વ ઉપ સરપંચની તેમની જ વાડીમાં ક્રુર હત્યા થઇ જતાં સમગ્ર પંથમકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ વાડીમાં કામ કરતો રાજસ્થાની મજૂર ગાયબ હોઇ તેના તરફ શંકા ઉપજતાં શોધખોળ રહી છે. પુર્વ ઉપ સરપંચની લાશ તેમની વાડીમાં ખાટલા પર પડેલી હતી. ત્રિકમ તેમની છાતીમાં ખૂંપેલુ હતું. સવારે મિત્ર વાડીએ આટો મારવા આવતાં ઘટનાની જાણ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ સરધાર ગામમાં હાઇસ્કૂલ પાસે રહેતાં હરેશભાઇ મોહનભાઇ સાવલીયા (ઉ.વ.૫૨)ની તેમની વાડીમાં હત્યા થઇ ગયાની જાણ થતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ રવિભાઇ વાંક, હારૂનભાઇ ચાનીયા, રાઇટર લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર હરેશભાઇ સાવલીયા સરધારના પુર્વ ઉપ સરપંચ હતાં. તેમણે છએક મહિના પહેલા વાડીમાં મજૂરી માટે રાજસ્થાની મજૂરને રાખ્યો હતો. હત્યાની ઘટના બાદ આ મજૂર ગાયબ હોઇ તેના તરફ શંકા ઉભી થતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હરેશભાઇ સાવલીયા દરરોજ વાડીએ સુવા જતાં હતાં. ગત સાંજે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતાં. આજે સવારે તેમના મિત્ર કોઇ કામ માટે વાડીએ આટો મારવા આવ્યા ત્યારે ખાટલામાં હરેશભાઇની લોહીલુહાણ લાશ જોઇ હતપ્રભ થઇ ગયા હતાં. હરેશભાઇની છાતીમાં ત્રિકમ ખૂંપેલુ હતું. તેમણે તેમના પરિવારજનો અને પોલીસને તેમજ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબિબે હરેશભાઇને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઇ પાણ તેમજ ગામના આગેવાનો, ગ્રામજનો, સગા સંબંધી મિત્રો વાડીએ દોડી ગયા હતાં. ગામમાં ઘટનાની જાણ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હત્યાનો ભોગ બનનાર હરેશભાઇ સાવલીયા ખુબ જ સરળ સ્વભાવના અને ધર્મપારાયણી હતાં. તેઓ ઓર્ગેનિક ખેતીમાં ખુબ રસ ધરાવતાં હતાં. લગભગ દરેક પ્રકારના ફળો તેમણે વાડીમાં ઉગાડયા હતાં. મોટા ખાતેદાર તરીકે ઓળખાતા હરેશભાઇ વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ સુધી ગામના ઉપ સરપંચ પદે હતાં. તેમણે ગામના વિકાસ માટે પણ ખુબ સારા કાર્યો કર્યા હતાં. તેમની હત્યાથી ગામમાં અને આસપાસના ગામોમાં પણ ગમગીની વ્યાપી ગઇ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાતાં ચેતનભાઇ પાણ તેમજ બીજા આગેવાનો, ગ્રામજનો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં અહિ પહોંચ્યા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હરેશભાઇએ વાડીમાં કામ માટે રાજસ્થાની મજૂરને છએક મહિના પહેલા રાખ્યો હતો. ઘટના બાદ આ મજૂર ગાયબ છે. રાતના બાર સુધી હરેશભાઇ જાગતાં હોવાનું અને ઘટના એ પછી બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં આજીડેમ પીઆઇ અશોકસિંહ બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા અને ટીમ ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચ અને એલસીબીનો સ્ટાફ પણ તપાસમાં સામેલ થયો છે. (૧૪.૬)
હરેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં: બે દિકરામાં એક પ્રાઇવેટ નોકરી કરે છે, બીજો ઇમિટેશનનું કામ કરે છે
વૃધ્ધ માતા-પિતાએ કંધોતર ગુમાવતાં ગમગીની
ઞ્જહત્યાનો ભોગ બનેલા હરેશભાઇ સાવલીયા ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમના અન્ય ભાઇઓના નામ પરષોત્તમભાઇ, ચંદુભાઇ અને બહેનોના નામ પ્રભાબેન તથા મુક્તાબેન છે. તેમના પિતા અને માતા પણ હયાત છે. હરેશભાઇના પત્નિનું નામ વિલાસબેન છે. સંતાનમાં બે પુત્ર નિકુંજભાઇ અને જેનીશભાઇ છે. જેમાં નિકુંજભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે જ્યારે જેનીશભાઇ ઇમિટેશનનું કામ કરે છે. બંને દિકરા પરણેલા છે. વૃધ્ધ માતા-પિતાએ કંધોતર ગુમાવતાં ગમગીની વ્યાપી ગઇ છે. હરેશભાઇ સાવલીયા ગામના કોઇપણ ધાર્મિક સામાજીક કાર્યમાં સતત અગ્રેસર રહેતાં હતાં.(૧૪.૬)
મજુર સાથે તેનો પરિવાર રહેતો હતોઃ થોડા દિવસો પહેલા બધા વતન જતાં રહ્યા હતાં
ઞ્જહત્યાની ઘટનામાં પોલીસે હાલ ગાયબ થઇ ગયેલા મજૂરને શોધવા ટીમો દોડાવી છે. રાજસ્થાન તરફના મજૂરની સાથે અગાઉ તેની પત્નિ સહિતનો પરિવાર રહેતો હતો. જો કે થોડા સમય પહેલા બીજા પરિવારજનો વતન જતાં રહ્યા હતાં અને મજુર અહિ એકલો રોકાયો હતો. શંકાસ્પદ મજૂર હાથમાં આવ્યે વધુ વિગતો બહાર આવશે.
(2:29 PM IST)










