હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેધર એનાલિસ્ટ વિશાલ પાનસૂરિયાનું આજનું વરસાદ અપડેટ : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી : લો પ્રેશર સિસ્ટમ મુંબઈ તરફ ફંટાયું : કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ

રાજકોટ, ૨૩ મે, ૨૦૨૫: રાજ્યમાં કમોસમી વરસાદના માહોલ વચ્ચે વેધર એનાલિસ્ટ વિશાલ પાનસૂરિયા દ્વારા ૨૩ મે, ૨૦૨૫ માટેનું વરસાદ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આજે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા યથાવત રહેશે. જોકે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા ઓછી છે અને જો પડે તો પણ સીમિત વિસ્તારમાં જ વરસાદ જોવા મળી શકે છે.
પાનસૂરિયાએ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત પર હાલ કોઈ વાવાઝોડાનો ખતરો નથી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાવાઝોડાની અફવાઓ પર ધ્યાન ન આપવા તેમણે લોકોને અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, લો પ્રેશર સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થયા વિના જ મુંબઈ નજીક મહારાષ્ટ્ર તરફ આગળ વધી ગઈ છે. આથી, ગુજરાતમાં વાવાઝોડાનો ભય સંપૂર્ણપણે ટળી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૨ મેની સવારથી ૨૩ મેની સવાર સુધીમાં રાજ્યના ૫૫ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૨.૬૦ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે પણ વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.










