News of Friday, 23rd May 2025
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પતિના બાઇકમાં બેઠલા વીણાબેન પટેલના ગળામાંથી માળાની ચિલઝડપ
વૃધ્ધા જેઠના ઘરે જતા હતાં ત્યારે બાઇક પર આવેલો શખ્સ ૧ લાખની સોનાની માળા ખેંચીને પરસાણા ચોક તરફ પુરપાટ ભાગી ગયોઃ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

રાજકોટ તા. ૨૩: શહેરમાં ચીલઝડપનો વધુ એક બનાવ બન્યો છે. તાજેતરમાં એલસીબી ઝોન-૨ ટીમે ચીલઝડપકાર ત્રિપુટીને પકડી લીધી અને ચાર ભેદ ઉકેલ્યા હતાં. ત્યાં વધુ એક આવો બનાવ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બન્યો છે. જેમાં વૃધ્ધાના ગળામાંથી રૂા. ૧ લાખની સોનાની માળા ખેંચી જવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ મવડી સ્મશાન સામે કણકોટ રોડ ડ્રીમસીટી પાસે ક્રિસ્ટલ હેવન ફલેટ નં. ડી-૧૦૦૨માં રહેતાં વીણાબેન દિનેશભાઇ પટેલ (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાએ આ બારામાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વીણાબેને જણાવ્યું હતું કે પરિવાર સાથે રહુછ ું. મારો દિકરો કેયુર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજ ખાતે રહે છે. દિકરી બેંગ્લોર નોકરી કરે છે. હું અને પતિ નિવૃત જીવન જીવીએ છીએ. ૨૨મીએ ગુરૂવારે સાંજે સવા પાંચેક વાગ્યે હું અને મારા પતિ અમારા ઘરેથી મારા જેઠ વિનોદભાઇ કે જેઓ કટારીયા શો રૂમ પાછળ તુલસી હાઇટ્સમાં રહે છે તેમના ઘરે બેસવા જવા નીકળ્યા હતાં.
હું મારા પતિના મોટરસાઇકલ પાછળ બેઠી હતી. અમે સ્પીડવેલ પાર્ટી પ્લોટના બીજા ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે અચાનક પાછળથી એક બાઇક આવ્યું હતું અને તેણે અમારી બાજુમાં બાઇક ચલવી મારા ગળા પર ઝોંટ મારી બે તોલાની સોનાની માળા ખેંચી લીધી હતી અને તે પરસાણા ચોક તરફ ઝડપથી ભાગી ગયો હતો. મારા પતિએ બાઇક ઉભુ રાખી દઇ મારા દિકરાને ફોન કર્યો હતો અને બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. જે માળા ખેંચાઇ ગઇ તે પંદર વર્ષ જુની હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. ભોજભાઇ મોભે ગુનો નોંધતા ડી. સ્ટાફની ટીમે અને એલસીબીએ ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. ટ્રાફિકથી ધમધમતાં રોડ પર સમી સાંજે ચિલઝડપ કરી સમડીએ પોલીસને પડકાર ફેંક્યો હતો.
(1:51 PM IST)










