News of Saturday, 24th May 2025
વાવડી આગમન સીટીમાં બે દિવસથી બંધ ફલેટમાંથી દુર્ગંધ આવતાં દરવાજો તોડતાં વૃધ્ધની લાશ મળી
વર્ષો પહેલા છુટાછેડા થઇ ગયા હતાં: ૬૫ વર્ષના રમેશભાઇ સંચાણીયા એકલા રહેતાં હતાં: મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૨૪: શહેરના ગોંડલ રોડ પર વાવડીમાં પરીન ફર્નિચર પાસે આવેલા આગમન સીટી એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફલેટ નં. ૫૦૪માં એકલા રહેતાં વૃધ્ધની તેમના ફલેટમાંથી લાશ મળી આવતાં રહેવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ આગમન સીટીમાં રહેતાં રમેશભાઇ નાથાભાઇ સંચાણીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ એકલા જ રહેતાં હતાં. દરરોજ તે ફલેટ બહાર બેસવા માટે આવતાં હતાં. પરંતુ બે દિવસથી તેઓ બહાર ન આવતાં પડોશીને શંકા ઉપજતાં અને દરવાજામાંથી થોડી દૂર્ગંધ પણ આવતી હોઇ સોસાયટીના પ્રમુખને જાણ કરતાં તેમણે અને બીજા રહેવાસીઓએ દરવાજો ખુબ ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઇ જવાબ ન મળતાં દરવાજો તોડીને જોતાં રમેશભાઇ બેભાન મળી આવ્યા હતાં.
૧૦૮ને જાણ થતાં તેના તબિબ જ્યોત્સનાબેન પરમારે તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી એએઅસાઇ ફતેહસિંહ સોલંકીએ આ બનાવની જાણ કરતાં તાલુકા પીએસઆઇ એમ.સી. પારગી, કિરીટભાઇ રામાવત, જયસુખભાઇ વાઘેલા, રઝાકભાઇ દલ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પીઆઇ ડી. એમ. હરિપરાની સુચનાથી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃત્યુ પામનાર રમેશભાઇ સંચાણીયા અહિ એકલા જ રહેતાં હતાં. વર્ષો પહેલા તેમના છુટાછેડા થઇ ગયા હતાં. તેમના એક ભાભી મુંબઇ તરફ રહેતાં હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ ફોરેનિસક પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું તારણ નીકળ્યું હતું.
(2:46 PM IST)










