<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વિશ્વનું સૌથી ધનિક ગણાતું ભુજનું માધાપર ગામ

આપણાં ગૌરવવંતા દેશ ભારતના લોકલાડીલા રાષ્ટ્રપિતા શ્રીમહાત્‍મા ગાંધીજીએ ભારતના ગામડાઓમાં પ્રત્‍યક્ષપણે જઈને, ત્‍યાંના ગ્રામ્‍ય જીવન નો એક ભાગ બનીને, ગ્રામ્‍ય સંસ્‍કૃતિના રંગે રંગાઈને પોતાની જાતેજ ગામડાઓના ગામઠી કલ્‍ચરનો અહેસાસ કરીને દેશને એક એવું સૂત્ર આપેલું કે ‘ભારતનો આત્‍મા તેના ગામડાઓમાંજ વસે છે.'

આજે પાંચ દાયકાઓ એટ્‍લે કે અડધી સદી પછી પણ ગાંધીજીનું આ વિધાન એકદમ સચોટ અને સાચું પુરવાર થયું છે કારણ કે વર્ષ ૨૦૧૯ની વસ્‍તી ગણતરી મુજબ દેશની આશરે ૭૦ ટકા કરતાં પણ વધારે વસ્‍તી હજુ પણ ગ્રામીણ વિસ્‍તારોમાંજ વસવાટ કરે છે.

આપણું ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે જેને વિશ્વસ્‍તરે ‘ધ કન્‍ટ્રી ઓફ વિલેજીસ' અર્થાત ગામડાઓનો દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એક સર્વે મુજબ વિશ્વભરમાં સૌથી વધુ સાત લાખ કરતાં પણ વધારે ગામડાઓ આપણાં ગૌરવવંતા દેશ ભારતમાં સમાયેલા છે.

ભારત તેના ૨૮ રાજયો અને ૮ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં કુલ મળીને  સાત લાખ કરતાં પણ વધારે ગામડાઓ ધરાવે છે જેમાંથી દેશના સૌથી મોટા ગણાતા ઉતર પ્રદેશ રાજયમાંજ પ્રયાગરાજ ખાતે ઊભા કરાયેલા કુંભ મેળાના એક હંગામી જિલ્લા ઉપરાંત આખા રાજયના કુલ ૭૫ જિલ્લાઓના ૩૫૧ તાલુકાઓમાં એક લાખ કરતાં પણ વધારે ગામડાઓ આવેલા છે.

દેશની આઝાદી પછી શહેરીકરણના ફૂંકાયેલા પવનના તેજ વાયરા અને સતા શાસનમાં થયેલા ધરખમ પરિવર્તન પછી પણ ભારતની કુલ વસ્‍તીની પોણા ભાગની પ્રજા હજુ પણ ગ્રામીણ વિસ્‍તારોમાંજ રહે છે. દેશની પ્રગતિના પાયાના પથ્‍થરો સમાન કિશાનો ખેતીવાડી કરવા માટે આજના આધુનિક યુગમાં પણ ગામડાઓમાંજ વસવાટ કરતા હોય આપણાં રાષ્ટ્રપિતા શ્રીમહાત્‍મા ગાંધીજીએ તેમને સંબોધીનેજ વિશ્વને એવું વિધાન આપેલું કે ભારતનો આત્‍મા તેના ગામડાઓમાંજ વસે છે.

ગામડુ એટ્‍લે કે માનવોની સમુદાયનો એક એવા વિસ્‍તારમાં વસવાટ કે જે શહેર કરતાં નાનો હોય છે અને જેની વસ્‍તી સામાન્‍ય રીતે થોડાક સો લોકોથી માંડીને થોડા હજાર લોકો સુધીની હોય છે.

સામાન્‍ય રીતે ભારતના કોઈપણ ગામડાની તસવીર જયારે પણ આપણાં દિમાગમાં ઊભરી આવે ત્‍યારે ગ્રામીણ વાતાવરણની એક આછેરી ઝલક આપોઆપ આપણી નજર સમક્ષ તરી આવે જેમાં હરિયાળીની ચાદર ઓઢેલા લીલાછમ ખેતરો, ખળ ખળ વહેતી નદીઓ, દૂર દૂર દેખાતા ડુંગરો, ગામના ચોરે કે પાદરે વડલા કે પીપળના ઝાડ નીચે બેઠેલા ગ્રામજનો, ગ્રામ્‍ય જીવનની તદન નિરાળી અને એકદમ સાદગીભરી જીવનશૈલી, ગાર માટીના લીપણથી બનાવાયેલા નળિયાવાળા કાચા મકાનો અને દરેક ઘરોના આંગણાઓમાં બંધાયેલા ગાય, ભેંસ, પાડો, આખલો, બકરો, બકરી, ઘેંટાઓ જેવા પાલતુ પશુઓ, ધૂળમાં આમથી તેમ આળોટતા અને શેરીઓમાં આમથી તેમ ભટકતા કુતરાઓ, પનઘટ પર પાણી ભરતી પનિહારીઓ, તળાવ કિનારે આવેલા મંદિરો, ઝાડ પર બેસીને કલરવ કરતાં પંખીઓ, ખડબચડા ધૂળિયા રસ્‍તાઓ, વારંવાર ગુલ થતો અસરગ્રસ્‍ત વીજળી પુરવઠો, મધ્‍યમ તેમજ ઓછી આવક ધરાવતા અને જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ કરવા છતાં પણ આનંદમાં રહેતા ગ્રામજનો એ સૌ કોઈ આપણને ગામની યાદ આવતાની સાથેજ આપણી નજર સમક્ષ તરી આવે છે.

પરંતુ, આ એકવીસમી સદીના ભારતમાં આપણાં દિલો દિમાગમાં રહેલી ગ્રામ્‍ય જીવનની તસવીરને ધરમૂળથી બદલી નાખે તેવા ગુજરાતના એક ગામે આંતર રાષ્ટ્રીય સ્‍તરે ભારતનું નામ રોશન કરીને દેશભરના ગામડાઓને વિચારતા કરી મૂકવા સાથે દુનિયાભરના લોકોના મોઢામાં આંગળા નખાવી દીધા છે.

બેંકોમાં ફિક્‍સ ડિપોઝિટની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ધનાઢય અને એશિયા ના તમામ ગામડાઓમાં બધાયથી જુદું, અનોખુ અને સૌથી વધુ ધનિક ગામ તરીકે નામના પામી ચૂકેલા આ ગામનું નામ છે માધાપર જે આપણાં ગૌરવવંતા દેશ ભારતના ગરવી ગુજરાત રાજયના કચ્‍છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક સુંદર મજાનું મોટા ગજાનું મસ મોટું ગામ છે જેના આંખોએ ઉડીને વળગે તેવા વૈભવ અને સમૃદ્ધિએ ગામડાની વ્‍યાખ્‍યાને ધરમૂળથી બદલવા સાથે તેને પુનઃવ્‍યાખ્‍યાયિત કરવાની ફરજ પાડી છે.        માધાપર ગામના ઇતિહાસ પર એક નજર કરીએ તો આ ગામનું નામ માધાપર કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમુદાયના સર્વેસર્વા શ્રી માધા કાનજી સોલંકીના નામ પરથી રાખવામાં આવ્‍યું છે કે જેઓ વર્ષ ૧૪૭૩ થી સાલ ૧૪૭૪ના સમયગાળા દરમ્‍યાન ધાણેટી ગામેથી હિજરત કરીને ત્‍યાંથી ૨૩ કિલોમીટર દૂર પોતાના સમુદાયના વસવાટ માટે ત્‍યાંજ પોતાના નામ પરથી આખું માધાપર ગામ વસાવી દીધેલું. 

કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમુદાય એ ભારતમાં ગુજરાતનો એક લઘુમતી હિન્‍દુ ક્ષત્રિય સમુદાય છે કે જેઓ ચણતર, કલાત્‍મક કોતરણી, શિલ્‍પકામ તેમજ મકાન અને બાંધકામના કાર્યો સાથે સંકળાયેલા વિવિધ કળાઓમાં પારંગત એવા નિપૂર્ણ કારીગરોનો સમુદાય છે. તેઓ કચ્‍છના મેસ્ત્રી અથવા તો મિસ્ત્રી તરીકે પણ ઓળખાય છે કે જેઓ બ્રિટિશરાજ વખતના ભારતમાં ઠેકેદાર, ફોરમેન, સુપરવાઇઝર અને બાંધકામના કામોના નિષ્‍ણાંત  કારીગરો હતા જેઓ સદીઓથી કડિયા, કડિયા ક્ષત્રિય અને કુમાર જ્ઞાતિ જેવા કેટલાક અન્‍ય નામોથી પણ ઓળખાતા રહ્યા છે.

આ યોદ્ધા સમુદાય મૂળ રાજસ્‍થાનના કોટા જિલ્લાનો હોવાનું માનવામાં આવે છે જેમણે સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને ત્‍યાંના અનેક વિસ્‍તારોમાં ૩૬ ગામો સ્‍થાપીને છેક કચ્‍છ સુધી પહોંચી ગયા અને લગભગ ૧૧૭૭-૭૮ એ.ડી.માં તેમનો એક મોટો સમૂહ પટેલ ગંગા મારુના નેતૃત્‍વ હેઠળ સૌરાષ્ટ્રથી કચ્‍છના ધાણેટી ગામમાં સ્‍થાયી થયા અને ત્‍યારબાદ તેમણે ધાણેટી છોડીને કચ્‍છમાં અંજાર, સિનુગ્રા, ખાંભરા, નાગલપર, ખેડોઈ, માધાપર, હાજાપર, કુકમા, ગલપાદર, જામબુડી, લોવડી, રેવડી, રેનાગોર, મેઘપર, ચંદીયા અને કુંભારીયા જેવા અઢાર ગામો સ્‍થાપ્‍યા જેમાંનું એક ગામ માધાપર પણ છે.

વખત જતા સમય સાથે તાલ મિલાવીને કચ્‍છના ગુર્જર ક્ષત્રિઓ પોતાનામાં જબરું પરીવર્તન લાવ્‍યા જેમણે પોતાનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે પોતાના યોદ્ધા તરીકેના લડાયક વ્‍યવસાયને તિલાંજલી આપીને વેપારી તરીકેના નવા વ્‍યવસાયને અપનાવ્‍યો અને પોતાની જાતને એક યોદ્ધાઓમાંથી બિલ્‍ડરના રૂપાંતરિત કરી નાખી અને ત્‍યારબાદ તેમણે માત્ર કચ્‍છમાં જ નહીં પરંતુ સમગ્ર બ્રિટિશ ભારતમાં ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, મંદિરો અને સ્‍થપતિઓનું નિર્માણ કરીને એક બિલ્‍ડર તરીકેની પોતાની એક આખી અલગજ ઓળખ બનાવી લીધી.  

આજના માધાપર ગામમાં ધર્મ અને જ્ઞાતીના ભેદભાવ વગર દરેક જ્ઞાતીના અને વર્ણના લોકો રહે છે તેમ છતા પટેલ જ્ઞાતિના લોકોની બહુમતીને કારણે તેને પટેલોનું ઘર કહેવામાં આવે છે જેમનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમજ પશુપાલન વિગેરે છે.

વર્ષ ૨૦૧૧માં માધાપર ગામની વસ્‍તી માત્ર ૧૭૦૦૦ લોકોની હતી જે હાલ ચાલુ સાલ ૨૦૨૫માં વધીને ૩૨૦૦૦ સુધી પહોંચી ગઈ છે.

આઝાદી પહેલાની સાલ ૧૯૩૫થી માઈગ્રેટ થઈને અહીના લોકો દુનિયાભરના અલગ અલગ દેશો જેવા કે યુકે, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા, ન્‍યુઝીલેન્‍ડ તેમજ મધ્‍ય આફ્રિકામાં અને પૂર્વ આફ્રિકાના કેનીયા ખાતે કામ અર્થે ગયેલા જયાં તેમણે નાના મોટા વેપાર ધંધા કરીને આગળ જતા બાંધકામ વ્‍યવસાયોમાં જંપલાવીને કન્‍સ્‍ટ્રક્‍શન લાઇનમાં પોતાનું એકચક્રી શાસન સ્‍થાપી દીધેલું. વિદેશ ગયેલા દરેક લોકોની એવી એકજ ભાવના હતી કે વિદેશમાંથી પૈસા કમાઈને આપણાં ગામમાં લઈ આવવા. તેમની માતૃભૂમિ પ્રત્‍યેયની આવી સદભાવનાને કારણેજ ગામમાં આવેલી બેન્‍કો સૌથી સમૃદ્ધ બેન્‍કોમાંની એક બની ગઈ છે જેમાં માત્ર આજ ગામની ૭૦૦૦ કરોડ કરતાં પણ વધારેની થાપણો આવેલી છે.

ભુજનું માધાપર એક નાનકડું ગામ હોવા છતાં પણ ત્‍યાં તમામ નાની મોટી અને નામી બેન્‍કો આવેલી છે જેમાં એસ.બી.આઈ., પી.એન.બી., બેન્‍ક ઓફ ઈન્‍ડિયા, બેન્‍ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્‍ક, બેન્‍ક ઓફ બરોડા, યુનિયન બેન્‍ક જેવી સરકારી બેન્‍કો તેમજ આઈ.સી.આઇ.સી.આઈ., કોટક મહેન્‍દ્ર બેન્‍ક, એક્‍સિસ બેન્‍ક, એચ.ડી.એફ.સી. બેન્‍ક જેવી પ્રાઈવેટ બેન્‍કો થઈને કુલ ૧૭ બેન્‍કો આવેલી છે તેમ છતાં, વધુ બેંકો અહીં તેમની શાખાઓ ખોલવામાં રસ ધરાવે છે.

માધાપર ગામની સમૃદ્ધિ પાછળનું કારણ તેના NRI (બિન-નિવાસી ભારતીય) પરિવારો છે જે દર વર્ષે સ્‍થાનિક બેંકો અને પોસ્‍ટ ઓફિસમાં કરોડો રૂપિયા જમા કરાવે છે. ગામમાં આવેલા લગભગ ૨૦,૦૦૦ ઘરોમાંથી  સરેરાસ ૧૨૦૦ જેટલા પરિવારો વિદેશમાં રહે છે જેમાંના મોટાભાગે આફ્રિકન દેશોમાં રહે છે. ગુજરાતે ભારતને કેટલાક ટોચના ઉદ્યોગપતિઓ આપવા સાથે તેની સમૃદ્ધિ માત્ર શહેરો પૂરતી મર્યાદિત નહીં રાખીને તેના ગામડાઓ સુધી પણ વિસ્‍તારી છે જેના પરિણામે આજે માધાપર ગામની દરેક બેંકોમાં ઓછામાં ઓછા રૂ.૧૦૦ કરોડ કરતાં પણ વધારેની થાપણો ગામના લોકોએ જમા કરાવેલી છે જે તેમના ધનવાન હોવાની એક નાની અમથી આછેરી ઝલક આપે છે.

માધાપર ગામના લોકોને આ પ્રકારની ધન, દોલત, એશો, આરામની જિંદગી અને બેશુમાર સંપત્તિ કઈ આકસ્‍મિક રીતે કે રાતોરાત નથી મળી. તેમની ઘણા વર્ષોની મહેનત, બચત, સમજદારી અને બુદ્ધિપૂર્વકના કરેલા નાણાકીય રોકાણોનું આ પરિણામ છે. માધાપર ગામના લોકોમાં ખાસ કરીને પટેલ સમુદાયે સખત મહેનત કરીને સતત તેમની કમાણીનો એક ભાગ બચાવીને તેને તેમના ગામોની સ્‍થાનિક બેંકોમાં રોકાણ કરીને તેમની સંપત્તિમાં ખુબજ વધારો કર્યો છે. ગામમાં મોટાભાગના લોકો પાસે ફિક્‍સ્‍ડ ડિપોઝિટમાં સરેરાસ લગભગ ૨૨ લાખ રૂપિયાની બચત છે જે એક  આヘર્યજનક વાત છે પરંતુ તેનું કારણ એ છે કે ગામડાના લોકો પૈસા બચાવવા અને કાળજીપૂર્વક ખર્ચ કરવામાં ખૂબ જ સારા છે. તેઓ આર્થિક રીતે સ્‍વતંત્ર અને સુરક્ષિત રહેવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, જે તેમને વર્ષોથી ઘણી બચત કરવામાં મદદ કરે છે.

ગામમાં છૂટથી આવતા પૈસાના વાવાઝોડાથી તેની મૂળભૂત જરૂરિયાતોમાં સુધારો થયો છે અને ઘણા ગ્રામીણ ગામડાઓથી વિપરીત માધાપરમાં ખુબજ સારા રસ્‍તાઓ, સ્‍વચ્‍છ પાણી, ઉદ્યાનો અને યોગ્‍ય સ્‍વચ્‍છતા છે. અહિયાં શાળાઓ, મંદિરો અને જાહેર વિસ્‍તારો પણ છે જે ત્‍યાં રહેતા લોકો માટે જીવન સરળ બનાવે છે.  ગામડાઓ સાથે રહેલા વૈશ્વિક જોડાણો ગ્રામીણ વિસ્‍તારોને કેવી રીતે સુધરવામાં મદદરૂપ થાય છે તે માધાપર દર્શાવે છે કે તે એક નાનકડું ગામ હોવા છતાં પણ વિશ્વ સાથે જોડાયેલા રહીને સુધારો અને વિકાસ કરી શકે છે. જયાં મોટા શહેરો તેમની સંપત્તિ માટે જાણીતા છે ત્‍યાં માધાપર ગામ એવું સાબિત કરે છે કે જો લોકો સખત મહેનત કરીને પૈસા બચાવે અને વિદેશમાં રહેતા લોકો સાથે સંપર્કમાં રહે તો ગ્રામીણ વિસ્‍તારો પણ સારું પ્રદર્શન કરી શકે છે. માધાપર ગામે તેના વિદેશી સમુદાયની મદદથી માધાપરને એક ખુબજ મજબૂત અર્થતંત્ર બનાવ્‍યું છે જે દર્શાવે છે કે સંપત્તિ ફક્‍ત મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી. સમુદાયનું એટલું મહત્‍વ છે કે તે માધાપરને ખાસ બનાવે છે અને તે એ છે કે લોકો કેટલા નજીક છે. ઘણા દૂર રહેતા હોવા છતાં તેમનો આત્‍મા હજુયે ગામમાંજ વસે છે અને આથી તેઓ હજુ પણ ગામની કાળજી રાખે છે. તેઓ ગામની બેંકોમાં ફક્‍ત પૈસાજ નથી રોકતા પરંતુ ગામની સારી રીતે કાળજી પણ રાખે છે. સમુદાયની આ ભાવનાએ ગામને વિકાસ અને સારું પ્રદર્શન કરવામાં મદદ કરી છે.

 માધાપર ગામની એક રાષ્ટ્રીયકૃત બેંકના સ્‍થાનિક શાખા મેનેજર એવું જણાવે છે કે ગામમાંથી કમાવવા માટે વિદેશ ગયેલા અને ત્‍યાંજ સ્‍થાહી થયેલા એન.આર.આઈ.ઓ દ્વારા ગામલોકો મારફત બેંકોમાં મૂકવામાં આવેલી નાની મોટી થાપણોએજ ત્‍યાંની બેન્‍કોને તેમજ આ ગામને સમૃદ્ધ બનાવ્‍યું છે જેમાં આલીશાન દેખાતા બંગલાઓ, અતિ આધુનિક બનાવાયેલી જાહેર તેમજ ખાનગી શાળાઓ, એકદમ સ્‍વચ્‍છ દેખાતા રસ્‍તાઓ, ચોખ્‍ખું પાણી, નયનરમ્‍ય તળાવો અને મન મોહી લે તેવા મંદિરો જેવી તમામ મૂળભૂત સુવિધાઓ આ ગામમાં ઉપલબ્‍ધ છે.

માધાપર ગામમાં છોકરાઓની પ્રથમ સરકારી શાળા વર્ષ ૧૮૮૪ અને છોકરીઓની પ્રથમ કન્‍યા શાળા સાલ ૧૯૦૦માં શરૂ થયેલી તેમજ પ્રથમ ઉ.મા.શાળા માધાપર સરસ્‍વતી વિદ્યાલય વર્ષ ૧૯૬૮માં શરૂ થયેલી 

માધાપર ગામમાં બે મોટા તળાવો આવેલા છે જે બે સગા ભાઈઓએ બનાવેલા છે.  આ બંને તળાવોમાં એકનું નામ જગાસાગર છે જે વર્ષ ૧૯૦૦ની આસપાસ મિષાી રેલ્‍વે કોન્‍ટ્રાક્‍ટર જગમલ ભીમા રાઠોડ દ્વારા તેમના નામ પરથી બનાવવામાં આવેલું અને કચ્‍છ રાજયના છેલ્લા શાસક મેઘરાજજીના નામ પરથી બનાવવામાં આવેલું બીજું તળાવ સુરલભીટ મંદિર પાસે આવેલું પગથિયાંવાળું કૃત્રિમ તળાવ છે જે કરશન ભીમા રાઠોડ દ્વારા બનાવાયેલું છે જેને કરશન ભીમજી તળાવ પણ કહેવાય છે.

માધાપર ગામની અંદર જુના ઠાકોરજી મંદિર, શિવ મંદિર અને દોઢસો વર્ષ જૂનું બારલા મંદિરનું આવેલું છે તો ગામની બહાર પાદરે આવેલી ટેકરીની ટોચ પર સુંદર મજાનું સુરલભિત મંદિર આવેલું છે તેમજ વર્ષ ૧૯૪૯માં સ્‍વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનાવવામાં આવ્‍યું હતું.

ભારત સરકારે માધાપર ગામના મુખ્‍ય દરવાજા પર વીરાંગના સ્‍મારક બનાવેલું છે જે યુદ્ધ સ્‍મારક માધાપર ગામની એ ૩૦૦ બહાદુર અને શૂરવીર મહિલાઓને સમર્પિત છે જેમણે વર્ષ ૧૯૭૧ના ભારત પાકિસ્‍તાનના યુદ્ધ વખતે દેશ કાજે પોતાની જાત સમર્પિત કરી દીધેલી.  રાત્રિના ઘોર અંધકારમાં પાકિસ્‍તાની લડાકુ વિમાનોએ ભુજ એરપોર્ટ ના રનવે પર એક પછી એક એમ કુલ ૬૨ બોમ્‍બોનો ભારી બોમ્‍બમારો કરીને કચ્‍છના ભુજ ખાતે આવેલા આર્મી હેડક્‍વાર્ટરના ભુજ રનવેને ભારી નુકશાન પહોચાડેલું જેના કારણે ભુજમાં આર્મી બેઝ પર બનેલી આખી એરસ્‍ટ્રીપ નાશ પામેલી. આવા વખતે માધાપર ગામની ૩૦૦ થી વધુ મહિલાઓએ દિવસ રાત જોયા વગર સ્‍વૈચ્‍છિક રીતે સેવા આપીને દેશની વાયુસેના માટે ભુજના આર્મી બેઝની બોમ્‍બ મારામાં નાશ પામેલી આખી હવાઈ પટ્ટીને માત્ર ૭૨ કલાકની અંદરજ પુનઃનિર્માણ કરી આપેલી અને ભારતે એ યુદ્ધ જીત્‍યા પછી ત્‍યારના તત્‍કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીએ તે દેશપ્રેમી વીરાંગના મહિલાઓનું સન્‍માન કર્યું હતું. 

આજે જયારે પણ તમે ભુજ પહોંચશો ત્‍યારે તમને માધાપર ગામના મુખ્‍ય દરવાજાની સામે આ ભવ્‍ય વીરાંગના સ્‍મારક દેખાશે જે તમોને માધાપર ગામની તે બહાદુર મહિલાઓની યાદ અપાવશે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશભક્‍તિનું એક મહાન ઉદાહરણ સ્‍થાપિત કર્યું હતું.  

      

 

કમલ જારોલી

એડવોકેટ અને નોટરી,

રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(2:48 PM IST)