News of Thursday, 29th May 2025
બનાસકાંઠાથી રાજકોટ આવેલા મેફેડ્રોન ડ્રગ્સ સાથે કેરીયર ઝડપાયો : ભાભોરના ઇમરાન ઘાંચીની શોધખોળ
SAY NO TO DRUGS મિશન હેઠળ એસઓજીએ ઝડપી લીધેલા ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ભાટી એસટી બસ મારફત માત્ર ર૦૦૦ મળવાની લાલચે ડ્રગ્સની ડિલીવરી આપવા આવેલા પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટુકડીએ દબોચી લીધો

રાજકોટ, તા., ર૯ : રાજકોટ શહેરને નશામુક્ત બનાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નેતળત્વ હેઠળ ચાલી રહેલા "SAY NO TO DRUGS" અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક ગુપ્ત બાતમીના આધારે લાખો રૂપિયાના મેફેડ્રોન (MD ડ્રગ્સ)ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂા.૧,૦૦,૭૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે નશાના કારોબાર કરનારાઓ માટે લાલબત્તી સમાન છે.
મળેલી બાતમી અંતર્ગત વોચ દરમિયાન, શંકાસ્પદ હિલચાલ કરતા ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો બાબુભાઈ ભાટી (ઉંમર ૨૪, ધંધો-વાણંદકામ, રહે. સણવા ગામ, તા. ભાભર, જિ. બનાસકાંઠા) નામના ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની અંગઝડતી કરતા, તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી ે માદક પદાર્થ મેફેડ્રોન (MD ડ્રગ્સ): ૯.૫૬ ગ્રામ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂા.૮૫,૫૦૦/- થાય છે. તે મુદામાલ તરીકે કબ્જે કર્યુ છે. સાથે સેમસંગ કંપનીનો એક ટચ સ્ક્રીન મોબાઈલ ફોનઃ કિંમત રૂા.૫,૦૦૦/- રોકડા રૂપિયાઃ રૂા.૧૧૦/-.સહીત ૧,૦૦,૭૧૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી ધર્મેન્દ્ર ભાટી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલના અધિકારી એફ.આઇ. કાદરી દ્વારા ઝડપાયેલ માદક પદાર્થનું પ્રાથમીક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોલીસની પુછપરછમાં ઝડપાયેલા ધર્મેન્દ્ર ઉર્ફ નરેન્દ્ર ભાટીએ કબુલાત આપી છે કે આ ડ્રગ્સ માત્ર ર૦૦૦ રૂા. મળવાની લાલચે ડીલીવર કરવા આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો ભાભરના ઇમરાન દાઉદ ઘાંચીએ મોકલ્યાનું બહાર આવ્યું છે.
રાજકોટ પોલીસ દ્વારા નશાના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહીથી યુવા પેઢીને નશાના ભરડામાંથી બચાવવામાં મદદ મળશે.
રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. SOG શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે રાજકોટના કનક રોડ બસ સ્ટેન્ડ પાછળ, જય અંબે ટી સ્ટોલ સામેના જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. જેને સફળતા મળી હતી.
(2:02 PM IST)










