<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

રાજકોટ બસપોર્ટની જીપીએસ સીસ્‍ટમ છ મહીનાથી ઠપ્‍પ : મુસાફર હિતરક્ષક સમિતિની તંત્રને રાવ

પરબમાં પાણી અભાવ, પંખા બંધ હાલતમાં, વોશરૂમ માટે નાણાંની ઉઘરાણી અંગે પણ ધ્‍યાન દોરાયુ

રાજકોટ તા. ૨૯ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્‍તીભાઈ હિરપરા, હબીબભાઈ કટારીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, જિલ્લા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા,  કૈલાસબેન વાઘેલાની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટ એ સૌરાષ્‍ટ્રનું પાટનગર સમાન શહેર છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે. એસટી બસ પોર્ટ પર ચીકકાર મેદની જોવા મળી રહી છે. આવી સ્‍થિતિ વચ્‍ચે બસપોર્ટની જીપીએસ સીસ્‍ટમ બંધ હાલતમાં હોય તે કેમ ચાલે?

રાજ્‍ય સરકાર દ્વારા ૧ ઓગસ્‍ટ ૨૩ ના ૨૫% જેવો તોતિંગ ભાડા વધારા બાદ ગત માસથી વધારાના ૧૦% ભાડા વધારાયા બાદ રાજ્‍ય સરકારને અંદાજિત વાર્ષિક ૧૫૦૦ કરોડ રૂપિયાની મબલક આવક થઈ છે. એસટીનો ભાડા વધારો એ માટે કરવામાં આવ્‍યો હતો કે મુસાફરોને આધુનિક ઇન્‍સફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે સારી સુવિધા મળે.પણ સામે હકીકત સાવ જુદી છે.

રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રિના સમયે જીપીએસ સિસ્‍ટમ શોભાનો ગાંઠિયો બની જાય છે. રાત્રે ૯ થી સવારના ૫ સુધી કોઈ કારણસર સિસ્‍ટમ સદંતર બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા છ માસથી આવુ ચાલી રહ્યુ છે.

આ અંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ફરિયાદપોથી (પરિશિષ્ટ અ) મુજબ તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ફરિયાદ નં. ૧૪૩૫૩૬થી ફરિયાદ કરેલ છે. તેમ છતા ડેપો મેનેજર ધ્‍યાન આપતા નથી. આ અંગે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ થી રાજ્‍યના મુખ્‍યમંત્રી, વાહન વ્‍યવહાર મંત્રી અને એસટીના એમ.ડી.ને જીપીએસ સિસ્‍ટમ શરૂ કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે અન્‍વયે તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી એસટીની વડી કચેરીના ઇડીપી મેનેજરે વિભાગીય નિયામક શ્રી રાજકોટને જીપીએસ સિસ્‍ટમ શરૂ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.  તેમ છતાં રાત્રીના સમયની જીપીએસ સિસ્‍ટમ હજુ સુધી ચાલુ કરાઇ નથી. એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તાત્‍કાલિક-જરૂરી સ્‍મળતિપત્ર સાથે પુનઃ તા. ૧૨ મે ૨૦૨૫ ના રાજ્‍યના મુખ્‍યમંત્રી, વાહન વ્‍યવહાર મંત્રી, એસટીના એમડી ને અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

     મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતના પગલે એસ.ટી.ની વડી કચેરી દ્વારા તાત્‍કાલિક/અગત્‍યનું તા. ૨૭/૦૫/૨૦૨૫ થી રાજકોટના વિભાગીય નિયામક શ્રી જે બી કરોતરાને અને સમભાવ મીડિયા લિ. ને જીપીએસ સિસ્‍ટમ અંગે તાત્‍કાલિક સમસ્‍યાનું નિરાકરણ કરી ઉકેલ લાવવા આદેશ કરેલ છે.

બસપોર્ટના પરબમાં પાણી અભાવ, પંખા બંધ હાલતમાં, દારૂની ખાલી બાટલીઓ મળી આવવી, મન પડે ત્‍યારે રૂટ કેન્‍સલ કરી નાખવા, યુરીનલમાં બેફામ ભ્રષ્ટાચાર, વોશરૂમના દાદાગીરીથી નાણાં પડાવવા સહીતની બાબતો અંગે પણ એસ.ટી. હિતરક્ષક સમિતિએ તંત્રવાહકોનું ધ્‍યાન દોરેલ હોવાનું સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે.

(2:21 PM IST)