<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ક્રેડીટ કાર્ડની એપ્‍લીકેશન અપડેટ કરવા લીંક મોકલી સંજય વડગામાના ખાતામાંથી બારોબાર ૮૪ હજાર ઉપાડી લેવાયા !

સાયબર ફ્રોડના વધુ એક કિસ્‍સા અંગે ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો ગુનો

રાજકોટ, તા., ર૯: રોજબરોજ સામાન્‍ય બની ગયેલા સાયબર ક્રાઇમના ગુન્‍હાઓને ડામવા દેશભરની પોલીસ ઉણી ઉતરી રહી છે ત્‍યારે રાજકોટમાં થયેલી વધુ એક આવી છેતરપિંડી અંગે ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે. ફરીયાદી સંજય મહેશભાઇ વડગામાના બેંક ખાતામાંથી પલકવારમાં  ૮૪, પ૫૮ રૂા. મુંબઇ અને દિલ્‍હીના બે ખાતામાં ટ્રાન્‍સફર થઇ ગયા હતા.

સદભાવના રેસીડેન્‍સી શેરી નં. ૧, બ્‍લોક નં. ૧૧માં રહેતા સંજય મહેશભાઇ વડગામા (ઉ.વ.૩૬) એ  પોતાની ફરીયાદમાં જણાવ્‍યું છે કે, હું ઉપરના સરનામે રહુ છું અને ફર્નિચર કમ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી પાસે રત્‍નાકર બેંક લી. (આરબીએલ) જેની હેડ ઓફીસ લગભગ મુંબઇમાં આવેલી છે. તેનું ક્રેડીટ કાર્ડ છે. આ કાર્ડની લીમીટ ર લાખ રૂપીયા સુધીની છે. જેટલા રૂપીયાનો ક્રેડીટ કાર્ડમાંથી ઉપયોગ કરૂં તેટલા રૂપીયા મારે ફરી નિયત સમયે બેંકમાં ભરી દેવાના હોય છે.

ગઇ તા. ૧ર-ર-ર૦રપ ના રોજ સાંતે સાતેક વાગ્‍યે હું આહીર ચોકમાં આવેલ પ્રમુખ ડીલકક્ષ નામની પાનની દુકાને બેઠો હતો ત્‍યારે મારા મોબાઇલ નંબર ૯૯૦૪૩  ર૩૬૦પ ઉપર મોબાઇલ નં. ૯૮૩પ૮ ૭૧૦૬૬ ઉપરથી ફોન આવ્‍યો હતો અને ‘હું  આરબીએલ ક્રેડીટ કાર્ડમાંથી બોલુ છું, તમારી આરબીએલની એપ્‍લીકેશન ફોનમાં અપડેટ કરવાની છ, તમને વોટસએપમાં APK લીંક ફાઇલ મોકલી છે' તેમ જણાવતા મેં તુરંત વોટસએપ ચેક કરતા આવેલી લીંક ખોલતાની સાથે જ મારા બેંક એકાઉન્‍ટમાંથી ૮ર,૯૧૧ તથા રૂા. ૧,૬૪૭ ડેબીટ થઇ ગયાનો ટેકસ્‍ટ મેસેજ આવ્‍યો હતો.

મેં ત્‍યાર બાદ તુરંત મારા મોબાઇલમાં ડાઉન કરાયેલી બેંકની એપ્‍લીકેશન ઉપર ખાતાની વિગત જોતાની સાથે જ એમેઝોન મુંબઇમાં ૮ર,૯૧૧ તથા મોબીવીક સીસ્‍ટમ લી. ગુડગાંવ  ઇન્‍ડીયામાં ૧૦૬૪૭.ર૦ રૂા. જમા થઇ ગયાનું જણાતા મેં બીજા દિવસે તા.૧૩ મીના આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. પરંતુ મારો વિસ્‍તાર ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં આવતો હોવાથી ત્‍યાં ફરીયાદ લીધી ન હતી. જેથી મારા મોબાઇલમાંથી સાયબર ફ્રોડના ટો ફ્રી નં. ૧૯૩૦ ઉપર ફોન કરી ફરીયાદ નોંધાવી હતી.

બાદમાં ગઇકાલે ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં આ બારામાં ફરીયાદ નોંધાવી છે. વધુ તપાસ પીએસઆઇ એસ.એમ.મકવાણા ચલાવી રહયા છે.

(3:57 PM IST)