News of Thursday, 29th May 2025
ક્રિષ્ના પાર્કમાં બહેનના ઘરે આવતા સારૂં ન લાગતા સીમરનને પતિ ઇરશાદે છરી ઝીંકી દીધી
પતિ શંકા કુશંકા કરી અવારનવાર મારકુટ કરતા પરિણીતા બહેનના ઘરે જતી રહી હતીઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૯: સાધુ વાસવાણી રોડ પર સુપર ગોલ્ડન માર્કેટની સામે ક્રિષ્ના પાર્કમાં બહેનના ઘરે આવતા તે બાબતે સારૂં ન લાગતા પરિણીતાને તેના પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર સુપર ગોલ્ડન માર્કેટની સામે ક્રીષ્ના પાર્ક શેરી નં. ર માં રહેતા હીનાબેન રોહીતભાઇ ચાવડા (ઉ.વ.૩૪) એ યુનિવર્સિટી પોલીસમાં ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. ૧૧૬૦માં રહેતો બનેવી ઇરશાદ ફીરોઝભાઇ કુરેશી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. હીનાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. મારી બહેન સીમરન ઉર્ફે મેઘાએ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતા ઇરશાદ કુરેશી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મારી બહેનને તેનો પતિ ઇરશાદ શંકા કુશંકા કરી અવાર નવાર મારકુટ કરી શારીરીક માનસીક ત્રાસ આપતો હોઇ તેથી ગઇકાલે બપોરે બહેન સીમરન ઉર્ફે મેઘાને તેના પતિ ઇરશાદે માથાકુટ કરી માર મારતા સીમરને ફોન કરી મને ફોન કરી તેડી જવાનું કહેતા હું મારી બહેન અને તેના બે પુત્રને લઇને મારા ઘરે આવી ગઇ હતી. બાદ સાંજે તેનો પતિ ઇરશાદ મારા ઘરે આવી બોલાચાલી કરી મને તથા બહેનને ગાળો આપી બહેન સીમરન ઉર્ફે હીનાને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા તેને છાતીના ભાગે જમણી બાજુ ઇજા કરી હતી દેકારો બોલતા ઇરશાદ ભાગી ગયો હતો. બાદ બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે ઇરશાદ કુરેશી વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. બી. એસ. ચૌહાણે તપાસ હાથ ધરી છે.
(2:43 PM IST)










