<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

કોઠારીયા રીંગ રોડ પર ખોડીયાર ડાયમંડમાં થયેલી ૬૧ લાખના હીરાની ચોરીનો ભેદ ખુલ્‍યો : રીઢા ચોર અજય નાયકાને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ

તા. ૧૦ અને ૧૧ એપ્રિલની રાત્રે કારખાનાનો પાછલો દરવાજો બળપુર્વક ખોલી પ્રવેશેલો અજાણ્‍યો શખ્‍સ કાચા અને તૈયાર હિરાના પેકેટ ચોરી ગયો હતોઃ ટેકનીકલ સર્વેલન્‍સને મળી સફળતા : હીરા વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તપાસ શરૂ કરી દીધી હોઇ વાતાવરણ ગરમ હોઇ તેથી હીરા રાજકોટના અન્‍ય કારખાનામાં સંતાડી દીધા હતાઃ ચોરીના ચાર દિવસ પહેલા કટર કારખનામાં સંતાડી દીધુ હતું : ચોરી કરવા આવ્‍યો ત્‍યારે અને બહાર નીકળ્‍યો ત્‍યારે સીસીટીવીમાં ન દેખાય તેથી ડીવાઇડર પર ચાલીને જતો રહ્યો'તો : તસ્‍કર અજય નાઇકા જેલમાં હતો ત્‍યારે અન્‍ય ગુનેગારો પાસેથી ‘‘ટીપ'' મળી હતી અને જેલમાંથી નીકળી બાદ અંજામ આપ્‍યો

 

રાજકોટ, તા., ર૯ : ગઇ તા. ૧૧ એપ્રિલના ભકિતનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કોઠારીયા રીંગ રોડ પીરવાડીની સામે આવેલા ધરમનગરમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં રાત્રીના સમયે પાછલા દરવાજો બળપુર્વક ખોલી કારખાનાની લોખંડની તિજોરીમાં પડેલા કાચા અને તૈયાર હિરા ૬૦,૮૩,૬પ૦ ની કિંમતના અજાણ્‍યો શખ્‍સ ચોરી ગયાની ફરીયાદ નોંધાઇ હતી. આ ગુન્‍હાનો ભેદ સીસીટીવી સહિતના ટેકનીકલ સર્વેલન્‍સના આધારે ક્રાઇમ બ્રાન્‍ચે ઉકેલી નાખ્‍યો છે. મૂળ સુરતના ઉમરપાડા તાલુકાના રાજનીવાળ ગામનો વતની અને હાલમાં સિવિલ દવાખાનાની સામે, ટીવી કેન્‍દ્ર પાસે, વલસાડમાં રહેતા અજય જગદીશ નાયકા નામના ૩૪ વર્ષીય રીઢા ચોરને ઝડપી લઇ ચોરીનો તમામ મુદ્‌ામાલ કબ્‍જે કર્યો છે.

તા. ૧૦મીની રાતના ૮ થી તા. ૧૧ મીના સવારે ૬ દરમિયાન વિપુલ વિરજીભાઇ ગોંડલીયા (રહે. વિવેકાનંદ નગર, કોઠારીયા મેઇન રોડ)ના પીરવાડી નજીક આવેલા બે મહિનાથી ચાલુ કરેલા ખોડીયાર ડાયમંડ નામના હિરાના જોબવર્કના કારખાનામાંથી ૧૧, ૬પપ નંગ કાચા અને તૈયાર હીરાની ચોરી કારખાનાના પાછલા ભાગેથી પ્રવેશેલા અજાણ્‍યા શખ્‍સે ચોરી કરી હતી. 

આ અંગેની ફરીયાદમાં વિપુલ ગોંડલીયાએ જણાવ્‍યું હતું કે તા. ૧૦ ના સવારે ૭ વાગ્‍યે માૂ કારખાનું ખુલ્‍યું હતું. ત્‍યાર બાદ કારખાનામાં કામ કરતા કારીગરો સમયસર આવી ગયા હતા. સુરતથી દરરોજની જેમ સીવીઇમ્‍પેકટ નામની ચંદુભાઇ ડુંગરાણીની પેઢીમાંથી આંગડીયામાં કાચા હિરા આવ્‍યા હતા. આ હિરાનું પેકેટ આંગડીયા પેઢીનો માણસ આપી ગયો હતો. મારા કારખાનામાં ૧પ ઘંટીઓ ઉપર કાચા હિરાનું પોલીશ કામ ચાલુ કર્યુ હતું. મારા બે મેનેજર અશોકભાઇ રોકડ અને મુકેશભાઇ રાવલ તથા સુપરવાઇઝર હરેશ ગોંડલીયાએ હીરા ચેક કરી તેનું પાર્સલ તૈયાર કરી સાંજે સાતેક વાગ્‍યે આંગડીયા પેઢીના માણસને બોલાવી પરત સુરત મોકલવા આપ્‍યું હતું. ૭ વાગ્‍યે બધા કારીગરો ધીમે ધીમે કારખાનેથી ગયા બાદ મેં રાત્રે ૮ વાગ્‍યે મારૂ કારખાનુ બંધ કરી દીધું હતું. સવારે જયારે ૬ વાગ્‍યે હું કારખાને આવ્‍યો ત્‍યારે તાળુ ખોલી ઉપર ગયો હતો અને ઓફીસનો સેકશન દરવાજો તુટેલો જોયો હતો. સાથે સાથે અંદર પડેલી લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્‍યાએ લોખંડની ડ્રીલથી કાણુ પડેલું નજરે પડયું હતું. તીજોરી ખોલી અંદર તપાસ કરતા તૈયાર હીરા ર૬૧૭ જે તા. ૮ મીના જોબવર્ક માટે સુરતથી આવ્‍યા હતા અને કાચા હિરા ૯,૦૩૮  પણ સુરતની આવ્‍યા હતા જે સ્‍ટોકમાં પડયા હતા તે મળી ૬૦,૮૩,૬૫૦ની કિંમતના હિરાના પેકેટ ગુમ જણાયા હતા. સાથોસાથ ઓફીસમાં રહેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ગુમ જણાવ્‍યું હતું. જે અંગેંપોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

  ઉપરોકત ફરીયાદ બાબતે ક્રામઇ બ્રાન્ને ચોરી થઇ એ કારખાનાની આસપાસના રસ્‍તાઓ અને ખાનગી સીસીટીવી ફુટેજો મેળવી તસ્‍કરની ઓળખ મેળવવામા સફળતા મેળવી હતી. સીસીટીવી ઉપરાંત આઇસીઆઇએસ પોર્ટલ, ઇ-પ્રિઝન પોર્ટલ, ઇ-ગુજકોપ સહીતના ટેકનીકલ સોર્સીસથી એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂપાપરા, પોલીસ કોન્‍સ્‍ટેબલ તુલસીભાઇ ચુડાસમા અને સંજય ખાખરીયાને મળેલી હકિકતના આધારે એક શંકાસ્‍પદ ઈસમને સુરતથી રાઉન્‍ડ અપ કરી વિશિષ્‍ટ ઢબની પુછપરછ કરતા તેને રાજકોટમાં ચોરી કર્યાનું કબુલી લીધું હતું. જેની પાસેથી ચોરીનો મુદામાલ સહિત ૬૧,૦૯,૪પ૦નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. ર૦૧પ ની સાલથી આજ દિવસ સુધીમાં શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન, ભકિતનગર પોલીસ સ્‍ટેશન, એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન, તાલુકા પોલીસ સ્‍ટેશન, માલવીયાનગર પોલીસ સ્‍ટેશન, આજી ડેમ પોલીસ સ્‍ટેશન, ગાંધીગામ-યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન, ચકલાસી ખેડા પોલીસ સ્‍ટેશન સહિત૧૯ ગુન્‍હાઓ નોંધાઇ ચુકયા છે. ઝડપાયેલા રીઢા ચોર અજય નાયકાને ર૦ર૪ માં આજી ડેમ પોલીસે પાસામાં પણ ધમેલ્‍યો હતો. ત્‍યાંથી છુટી તેણે ખોડીયાર ડાયમન્‍ડની ચોરીને અંજામ આપ્‍યો હતો. ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, ડીવાયએસપી બી.બી.બસીયા, પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીઆઇ એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ એમ.કે.મોવલીયા, એ.એન.પરમાર, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ, વિજયરાજસિંહ જાડેજા, સંજય દાફડા, જયદેવસિંહ પરમાર, સુભાષ ઘોઘારી, સંજય રૂપાપરા, ક્રિપાલસિંહ ઝાલા, સંજય ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા અને પ્રતીક રાઠોડની સંયુકત ટીમે આ સફળ કામગીરી કરી હતી. (૪.૧૪)

(3:09 PM IST)