News of Thursday, 29th May 2025
ચોમાસા પહેલા સર્વેશ્વર ચોક વોકળાનું કામ પુર્ણ કરવા મ્યુ. કમિશ્નરની કડક સુચના
યાજ્ઞિક રોડ તથા ગવલીવાડ વોકળાની કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર

રાજકોટ, તા. ર૯ : શહેરના યાજ્ઞિક રોડ પર ના સર્વેશ્વર ચોક વોંકળા અને ગવલીવાડ વોંકળાની ચાલુ કામગીરીનું નિરીક્ષણ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ કર્યુ હતુ. તેઓએ આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્ષ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ તથા અન્ય આનુસાંગિક કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કામગીરીને ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના આશય સાથે આજે તા.૨૯-૦૫-૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક ખાતે જુના વોંકળાને દુર કરી નવા વોંકળા બનાવવાની કામગીરી અને ગવલીવાડ વોંકળામાં જુનું કલ્વર્ટ દુર કરી નવું કલ્વર્ટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે વોંકળાને રીનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ૮૦ મીટર લંબાઈની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને બાકી રહેતી ૩૦ મીટર લંબાઈની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિશ્રીને સુચના આપી હતી. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્ષ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ તથા અન્ય આનુસાંગિક કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી. ગવલીવાડ વોંકળા ખાતે રૂ.૪૦ લાખના ખર્ચે વોંકળા પરનું જુનું ઝર્ઝરિત સ્લેબ કલ્વર્ટ દુર કરી નવું સ્લેબ કલ્વર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલ જુનું કલ્વર્ટ દુર કરવામાં આવેલ છે અને તેનો રબીશ ઉપાડવાની કામગીરી ચાલી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ફીલ્ડ વિઝિટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી.શ્રી અતુલ રાવલ, ડી.ઇ.ઇ. શ્રી એમ.બી.ગાવિત અને એજન્સીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
(3:28 PM IST)










