News of Thursday, 29th May 2025
પુનીતનગરમાં કોમર્શિયલ તથા મોરબી રોડ ઉપર બે દુકાનોના ગેરકાયદે બાંધકામનો કડુસલો
મનપાના બુલડોઝરની વોર્ડ નં. ૪ અને ૧૬માં ધણધણાટી

રાજકોટ, તા. ર૯ : શહેરમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવાની ઝુંબેશ હેઠળ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૪ અને ૧૬ માં બે દુકાનો તથા ફર્સ્ટ અને સેકનડ ફલોરના આર.સી.સી. બાંધકામ તથા ત્રીજા માળના પતરાના શેડનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા લોકોની ફરિયાદો અને અગાઉ નોટીસ અપાયેલ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં. ૧૬માં પુનિત સોસાયટી મેઈન રોડ ઉપર સંજના ફર્નિચરની બાજુમાં ટીપી રોડ ઉપર દબાણરૂપ ગેરકાયદેસર ગોડાઉનનું ત્રણ માળનું બાંધકામ તોડી પાડી રોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સીટી ઈજનેર એમ.આર. શ્રીવાસ્તવના નિર્દેશન હેઠળ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પૂર્વઝોનમાં આવેલ વોર્ડ નં. ૧૬માં પુનિત સોસાસાયટી મેઈન રોડ સંજના ફર્નિચરની બાજુમાં આવેલ ગેરકાયદેસર ગોડાઉનનું બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં ફસ્ટ ફ્લોર પર આરસીસીનું બાંધકામ તેમજ સેકન્ડ ફ્લોર પર છતનું અને થર્ડ ફ્લોર પર બનાવેલ પતરાના શેડ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
અહીં ઘણા સમયથી અનઅધિકળત રીતે વાણીજ્ય હેતુનું બાંધકામ કરેલ હોય આ અંગે ફરિયાદો પણ આવેલ જેના કારણે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ટીપી વિભાગે ૨૬૦-૨ની નોટીસ આપેલ છતાં પોતાની જાતે બાંધકામ દૂર ન કરતા ટાઉન પ્લાનીંગ વિભાગે નોટીસની મુદત પૂર્ણ થતાં જ શેડ તોડવાની કામગીરી હાથ ધરી હતી.
વોર્ડ નં. ૧૬માં પુનિત નગર મેઈન રોડ ઉપર ગોડાઉનના ડિમોલેશનની કામગીરી હાથ ધરી ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કામમાં ટાઉન પ્લાનીંગ શાખા પૂર્વઝોનનો તમામ સ્ટાફ તેમજ રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો.
વોર્ડ નં. ૪ માં
બે દુકાનોનું ડીમોલીશન
મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા સીટી એન્જીનીયર, એમ.આર. શ્રીવાસ્તવના નિર્દેશન હેઠળ આજરોજ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.૪ માં આવેલ રાધા-મીરાં મેઈન રોડ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ પર અન-અધિકળત બાંધકામ દુર કરવામાટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
શહેરના વોર્ડ નં.૪ માં આવેલ રાધા-મીરાં મેઈન રોડ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ પર કરવામાં આવેલ અન-અધિકળત વાણિજ્ય હેતુનું દુકાન નંગ-૨ (સુપર માર્કેટ) બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(3:52 PM IST)










