તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
‘કરીયાવર ઓછો લાવી છો તારા બાપે કાંઇ આપ્યુ નથી' કહી પાયલબેનને પતિ-સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામ ગોવિંદનગરમાં પીયરે આવેલી પરિણીતાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. ૩૦: ગાંધીગ્રામ ગોવિંદનગરમાં પીયરમાં રહેતી પરિણીતાને દીકરીના જન્મ બાદ હીરધવા રોડ પર ભવનાથ સોસાયટીમાં રહેતો પતિ, સાસુ, સસરા કરિયાવર બાબતે મેણાટોણા મારી મારકુટ કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામ ગોવિંદનગરમાં માતા પિતા સાથે રહેતી પાયલ અમીતગીરી ગૌસ્વામી (ઉ.વ. ર૬) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હરીધવા રોડ પર ભવનાથ સોસાયટી શેરી નં. ર માં રહેતો પતિ અમીતગીરી ભુપતગીરી ગૌસ્વામી, સસરા ભુપતગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી અને સાસુ રક્ષાબેન ગૌસ્વામી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાયલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પાંચ વર્ષ પહેલા અમીતગીરી ભુપતગીરી ગૌસ્વામી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ હું પતિ, સાસુ સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદથી સાસુ-સસરાએ નાની નાની વાતમાં શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થતા મારા પતિ મારી સાથે ઝઘડો કરતો હતો. મને એમ કે સમય જતા બધુ સારૂ થઇ જશે પરંતુ આ લોકો નાની નાની વાતમાં હેરાન પરેશાન કરતા હતા અને મારકુટ પણ કરતા હતા અને સાસુ-સસરા કહેતા કે ‘તુ કરીયાવર ઓછો લાવી છો તારા બાપે કાંઇ આપેલ નથી' તેવા મેણાટોણા મારતા હોઇ અને મારા માતાપિતા વિશે પણ જેમ તેમ બોલતા હતા. પતિને એક વર્ષ પહેલા સુરત એલ.એન.ટી. કંપનીમાં નોકરી મળતા તેની સાથે હું સાતેક મહિના રહી હતી. ત્યાં પણ પતિ મારી સાથે જૂની વાતને લઇ ઝઘડો કરી મારકુટ કરતો હતો. ગત ફેબ્રુઆરી માસમાં મારા કાકાના દીકરીના લગ્ન હતાં. ત્યારે મારી સાથે ઝઘડો કર્યા બાદ મને સુરતથી મારા માવતરે મને મુકી ગયો ત્યારે મને કહેલ કે ‘આ માથાકુટ વિશે કોઇને કહેતી નહીં. કહીશ તો જયારે પાછી આવીશ ત્યારે જાનથી મારી નાખીશ અને તારા માતા-પિતાને પણ મારી નાખીશ' તેમ ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે હેડ કોન્સ. ભવદીપસિંહ ગોહીલે તપાસ હાથ ધરી છે.
(1:50 PM IST)










