તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
ભ્રષ્ટાચારને કોંગ્રેસ મુદો બનાવશેઃ રાજકોટ સહિતની જિલ્લા પંચાયતોમાં મનરેગાના કામોની તપાસ કરશે
કામની માહિતી મેળવવા વિપક્ષી નેતાને સૂચનાઃ ટીમ કામના સ્થળ પર જશે

રાજકોટ, તા. ૩૦: દાહોદ જિલ્લામાં સરકારની મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના (મનરેગા) યોજના અંતર્ગત કૌભાંડ થયાનું અને તેમાં પંચાયત મંત્રી બચુભાઇ ખાબડના બે પુત્રોની સંડોવણી હોવાનું બહાર આવતા કોંગ્રેસે આ મુદો ઉપાડયો છે. આગામી દિવસોમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ તપાસ કરી સરકાર સામે લડત ચલાવવા માંગે છે. મોટાભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસે પોતાના પક્ષના નેતાઓને મનરેગાના કામની માહિતી મેળવવાનું જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાએ પ્રદેશની સુચના મુજબ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રના મનરેગાના કામોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યુ છે. તેમણે સતાવાર માહિતી માટે અધિકારીઓને પત્ર લખવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી એકત્ર થયા બાદ જે તે કામના કોન્ટ્રાકટરની હાજરીમાં કોંગ્રેસની ટીમ સ્થળ પર કામની તપાસ કરશે તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગ્રામીણ ક્ષેત્રે ઓછામાં ઓછા ૧૦૦ દિવસની રોજગારી આપવાની આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસ આ મુદે રાજયવ્યાપી લડત ચલાવવા માંગે છે. તેના ભાગરૂપે રાજકોટ સહિતની જિલ્લા પંચાયતોમાંથી કામ બાબતે વિગતવાર માહિતી ભેગી કરવામાં આવશે.
(3:44 PM IST)










