તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
શાપર-વેરાવળમાં કુતરાઓએ ફાડી ખાતા બાળકનું મોત : જુઓ વિડિયો
પાંચ જેટલા ડાઘીયા કુતરાઓએ ૭ વર્ષના આયુષને ઘેરીને આખા શરીરે બટકા ભર્યાઃ ચીસો સાંભળી પરિવાર સહિતનો લોકો દોડી જઇ બાળકને લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં મોત થતા પરિવારમાં આક્રંદ

માસુમ બાળકનો મૃતદેહ બાજુમાં તેનો ફાઇલ ફોટો નજરે પડે છે.
રાજકોટ તા. ૩૧: રાજયભરમાં રખડતા ઢોર અને હડકાયા કુતરાઓના ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે શાપર-વેરાવળમાં રહેતા શ્રમીક પરિવારના સાત વર્ષના બાળકને કુતરાઓએ ઘેરી લેતા ગંભીર ઇજા થતા બાળકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ મૂળ બીહારના પટનાના અને જાન્યુઆરી મહિનામાંજ શાપર-વેરાવળમાં આનંદ ગેઇટમાં આવેલા કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા અજીતકુમાર યાદવ ગઇકાલે કામ અર્થે વતન જવા નીકળ્યા હતા.
સાંજના સમયે પત્ની ઘરમાં હતી અને તેનો સાત વર્ષનો પુત્ર આયુષ જાદવ ઘર પાસે રમતો હતો. ત્યારે અચાનક શેરીમાં પાંચ જેટલા ડાઘીયા કુતરાઓએ બાળકને ઘેરી લઇ હુમલો કરી આખા શરીરે બટકા ભરી લીધા હતા. માથાથી પગ સુધીનું શરીર ફાડી ખાતા બાળક લોહી લુહાણ થઇ ગયો હતો. બાળકની ચીસો સાંભળી તેની માતા તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરત જ બાળકને છોડાવી ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી પિતા અમદાવાદથી પરત રાજકોટ આવી ગયા હતા. મૃતક આયુષ બે ભાઇમાં નાનો હતો તે એલકેજીમાં ભણતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા શાપર પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. માસુમ બાળકના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. (૭.૧૯)

(10:53 AM IST)










