<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મકાન તુટતુ બચાવવા પૈસા લીધાનો આક્ષેપ કરનારને નરેન્‍દ્ર ડવની કાનુની નોટીસ

કોર્પોરેટર કહે છે મારી પ્રતિષ્‍ઠાને નુકશાન કર્યાનો પ્રયાસ

રાજકોટ, તા. ૩૧: શહેરના વોર્ડ ૧૬ માં પુનીત સોસાયટીના ખરાબામાં થયેલ ગેરકાયદે બાંધકામના ડીમોલેશન મામલે કોર્પોરેટર ઉપર રૂપીયા લેવાનો આક્ષેપ કરવામાં આવતા નગરસેવક નરેન્‍દ્ર ડવ દ્વારા રાજકીય કિન્નાખોરી કરાયાનું અને થયેલ માનહાની સામે કોર્ટમાં દાવો દાખલ કર્યાનું જણાવાયું છે.

નોટીસમાં જણાવ્‍યા મુજબ વોર્ડ નં. ૧૬ માં પુનીત સોસાયટીના ખરાબામાં આશરે ૧પ૦ વાર જગ્‍યામાં કમલેશ ગોસાઇનું તેણે કરેલ બે માળનું બાંધકામનું ડીમોલેશન આરએમસી એ કરેલ તે બાંધકામ ડીમોલેશન કોર્પોરેટર નરેન્‍દ્ર ડવ દ્વારા ન અટકાવાતા રાજકીય કિન્નાખોરી અને કમલેશ ગોસાઇ એ પ્રિન્‍ટ મિડીયામાં ખોટા આક્ષેપ કરેલ અને આ બાબતે રૂા. ૪ લાખ રૂપિયાની માંગણી કરેલ તેવા પાયા વિહોળા આક્ષેપ સામે કોર્પોરેટર નરેન્‍દ્ર ડવ ની થયેલ માનહાની સામે કોર્ટમાં દાવો દાખલ કરાયો છે.

વધુમાં જણાવેલ કે, અમો સંનિષ્‍ઠ કોર્પોરેટર અને લોકોમાં ૧૦૮ કોર્પોરેટર તરીકેની છાપ ધરાવીએ છીએ. અને ૩૦ વર્ષથી રાજકીય કારકીર્દીમાં સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીમાં નાનપણથી કેદારનાથ પ્રભાત શાળા અને હાલમાં સ્‍વાતી પ્રભાત શાળાના આરએસએસના કાર્યકર્તા તરીકે કાર્યરત છીએ. ત્રણ ત્રણ ટર્મથી કોર્પોરેટર છીએ. લોકોના કામ માટે ગમે ત્‍યારે હાજર હોઇએ છીએ.

વોર્ડ નં-૧૬ ની પુનીત સોસાયટી કે જે દસ્‍તાવેજ વાળી છે અને ત્‍યા ની અને મેહુલનગરની ખરાબાની જમીન ઉપર આશરે ૧૫૦ વાર જેટલી રેસીડન્‍ટ વિસ્‍તારમાં બે માળનું  ખરાબામાં બનાવેલ કારખાનુ કમલેશ ગોસાઇ એ ગેરકાયદેસર બનાવેલ છે. તે ડીમોલેશન કરવાની આરએમસી ટી.પી. શાખા દ્વારા ૨૬૦ (૨) ની નોટીસ આપેલ. અને તે ગેરકાયદેસર બાંધકામ તા.૨૭ -૫-૨૦૨૫ મંગળવારે ડીમોલેશન કરવાના હતા.

આ ડીમોલેશન અટકાવવા માટે અમે સોમવારે સાંજે ૮- વાગે ફોન આવેલ. તેમાં તેણે અમોને કહેલ કે આરએમસીનો સ્‍ટાફ કાલે ડીમોલેશન કરવા આવે અધીકારીઓ ત્‍યારે તમે આ ગેરકાયદેસર બાંધકામ પડતુ અટકાવવા માટે સવારે આવી શકશો? ત્‍યારે મે પોતે કોર્પોરેટરે ના પાડેલા કે અમો આ રીતે ના આવી શકીએ.

આથી કમલેશ ગોસાઇ એ વોર્ડ નં.૧૬ ના જ અમારા રાજકીય હીતશત્રુઓની સલાહ થી આ ગેરકાયદેસર બાંધકામમાં થયેલ ડીમોલેશન થી ઉશ્‍કેરાઇ ને અને દ્વેષભાવથી ગઇકાલે પ્રિન્‍ટ મિડીયામાં આક્ષેપો કરાયાનું નોટીસમાં જણાવાયુ છે.

(3:50 PM IST)