<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજકોટના શહેરી વિકાસના ૨૦ વર્ષ: એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ અને લાઇટ હાઉસ પ્રોજેક્ટથી રંગીલું રાજકોટ બન્યું વિકાસનું પ્રતીક

ગાંધીનગર: ગુજરાતના શહેરી વિકાસની યાત્રાએ ૨૦ વર્ષનો સફળ તબક્કો પૂર્ણ કર્યો છે. વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વર્ષ જાહેર કરી શહેરોના આધુનિકીકરણનો પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત બજેટ ૨૦૨૫-૨૬માં વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત સાથે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વર્લ્ડ ક્લાસ માળખાગત સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે.

 

રાજકોટે છેલ્લા ૨૦ વર્ષમાં માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ₹૧૨૦૦ કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ૭૫૦ બેડ, ટેલિમેડિસિન અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ ધરાવે છે. ₹૧૪૦૦ કરોડના ખર્ચે હિરાસર ખાતે નિર્મિત ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પીક અવર્સમાં ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરે છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ ₹૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ અદ્યતન આવાસો બનાવાયા છે.

 

આ ઉપરાંત, ₹૧૦૦ કરોડના ખર્ચે ઝનાના હોસ્પિટલ, ₹૧૫૦ કરોડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ₹૧૩૬ કરોડના અટલ સરોવર એમ્યુઝમેન્ટ પાર્ક, ₹૧૫૬ કરોડનું આધુનિક બસ પોર્ટ, બીઆરટીએસ કૉરિડોર, ગુજરાતનો પ્રથમ સિંગલ પિયર ફ્લાયઓવર, ₹૨૬ કરોડનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ₹૮૫ કરોડનું રિજ્યોનલ સાયન્સ સેન્ટર રાજકોટની શોભા વધારે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૭૫,૯૪૪ આવાસો પૂર્ણ થયા છે, જે રાજકોટના વિકાસને નવી ઊંચાઈએ લઈ ગયા છે.

 

*રાજકોટની વિકાસયાત્રા: માળખાગત સુવિધાઓનો નવો યુગ*
છેલ્લા ૨૦ વર્ષમાં રાજકોટે માળખાગત વિકાસમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ, હિરાસર ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અને લાઇટ હાઉસ પ્રોજેક્ટ જેવી યોજનાઓએ રાજકોટને વિકાસનું પ્રતીક બનાવ્યું છે.

 

  • *ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ:* ₹૧૨૦૦ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ૭૫૦ બેડની સુવિધા, ટેલિમેડિસિન સેવા, ટ્રોમા, ઇમરજન્સી, રેડિયોલોજી, ગાયનેક અને સર્જરી વિભાગો કાર્યરત છે. હાલ ૨૫૦ બેડની ઇન્ડોર સેવા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ૨૫૦ એમ.બી.બી.એસ., ૩૦ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૨ સુપર સ્પેશિયાલિસ્ટ અને ૪ ફેલોશિપ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

 

  • *હિરાસર ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ:* ₹૧૪૦૦ કરોડના ખર્ચે બનેલું રાજકોટનું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ છે. ૨૩,૦૦૦ ચોરસ મીટરના પેસેન્જર ટર્મિનલમાં પીક અવર્સમાં ૧૨૮૦ મુસાફરોનું સંચાલન થઈ શકે છે. આ ઍરપોર્ટ પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટનો ભાગ છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપરાંત કાર્ગો સુવિધાઓથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લાભ થશે.

 

  • *લાઇટ હાઉસ પ્રોજેક્ટ:* ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલૉજી ચેલેન્જ હેઠળ ₹૧૧૮ કરોડના ખર્ચે રાજકોટમાં ૧૧૪૪ આવાસો બનાવાયા છે. આ આવાસો મોનોલિથિક કોંક્રીટ ટેક્નોલૉજીથી નિર્મિત ૧૩ માળના ૧૧ ટાવરમાં આવેલા છે. દરેક ઘરની કિંમત ₹૧૦.૩૯ લાખ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું યોગદાન અને લાભાર્થીઓનો હિસ્સો સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજકોટમાં ૭૫,૯૪૪ આવાસો પૂર્ણ થયા છે.

 

  • *ઝનાના હોસ્પિટલ:* ₹૧૦૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર-કચ્છની માતા-બાળ સ્વાસ્થ્ય સેવાઓ માટે ૭૦૦ બેડ, પ્રથમ મિલ્ક બેન્ક, એન.આઈ.સી.યુ. અને ટ્રાઇએઝ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

 

  • *સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ:* સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹૧૫૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૩૮ બેડની આ હોસ્પિટલમાં ૮ ઓપરેશન થિયેટર્સ અને ૮ સુપર સ્પેશિયાલિટી વિભાગો કાર્યરત છે.

 

  • *અટલ સરોવર:* ₹૧૩૬ કરોડના ખર્ચે ૩૬ એકરમાં નિર્મિત આ એમ્યુઝમેન્ટ પાર્કમાં ગાર્ડન, ફેરિસ વ્હીલ, બોટિંગ, ટોય ટ્રેન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ છે.

 

  • *બસ પોર્ટ અને બીઆરટીએસ:* ₹૧૫૬ કરોડના ખર્ચે બનેલું આધુનિક બસ પોર્ટ દૈનિક ૧૪૫૦ બસો અને ૧.૧૪ લાખ મુસાફરોને સેવા આપે છે. બીઆરટીએસ કૉરિડોરે શહેરના પશ્ચિમ ભાગમાં પરિવહન સુવિધા વધારી છે.

 

  • *સિંગલ પિયર ફ્લાયઓવર:* ગોંડલ ચોકડી પર ₹૯૦ કરોડના ખર્ચે બનેલો ૧.૨ કિલોમીટર લાંબો ૬ લેનનો સિંગલ પિયર ફ્લાયઓવર ગુજરાતનો પ્રથમ એક થાંભલા પર નિર્મિત બ્રિજ છે.

 

  • *મહાત્મા ગાંધી મ્યુઝિયમ:* ₹૨૬ કરોડના ખર્ચે આલ્ફ્રેડ હાઇસ્કૂલને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાયું છે, જ્યાં ગાંધીજીના જીવન અને આઝાદીના સંઘર્ષને ડિજિટલ ટેક્નોલૉજી દ્વારા રજૂ કરાયું છે.

 

  • *રિજ્યોનલ સાયન્સ સેન્ટર:* ₹૮૫ કરોડના ખર્ચે ૧૦ એકરમાં નિર્મિત આ કેન્દ્રમાં ૬ થીમ આધારિત ગેલેરીઓ વિજ્ઞાનની યાત્રાને જીવંત બનાવે છે.

 

આ તમામ પ્રોજેક્ટ્સે રાજકોટને આધુનિક, સમૃદ્ધ અને વૈશ્વિક શહેર તરીકે સ્થાપિત કર્યું છે, જે ગુજરાતના શહેરી વિકાસનું ઉજ્જવળ ઉદાહરણ છે.

*સંકલન: માહિતી ખાતું, રાજકોટ*

(12:23 PM IST)