<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજકોટ એસ.ટી. ડેપો પર કલાકો સુધી પાણીના પરબો બંધઃ કોન્‍ટ્રાકટરની બેદરકારીઃ વિભાગીય નિયામકને ફરીયાદ

ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિએ મુખ્‍યમંત્રી અને એમ.ડી.ને પણ પત્ર પાઠવ્‍યો

રાજકોટ તા. ૩: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્‍તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એ સૌરાષ્‍ટ્રનું પાટનગર સમાન શહેર છે. અહીંથી ગુજરાત ના તમામ શહેરોમાં બસો આવતી જતી રહે છે રોજ ૧૨૦૦ થી વધુ બસો ની અવર-જવર વચ્‍ચે અંદાજે ૭૦ હજાર મુસાફરો નિયમિત એસ.ટી બસ પોર્ટ પર આવતા જતા રહે છે. હાલ વેકેશન હોય ત્‍યારે મુસાફરોની હકડેઠઠ મેદની પણ જોવા મળી રહી છે. ગઈકાલે ૧૭૫ કરોડના ખર્ચે બનાવેલા અત્‍યાધુનિક એસ.ટી બસ પોર્ટ પર બપોરના ૧-૩૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી પીવાના પાણીના તમામ પરબો બંધ કરી દેવામાં આવ્‍યા હતા. જે પગલે ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા બસ પોર્ટ પર રૂબરૂ દોડી જઇ ફરજ પરના સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ એટીઆઈ જયંતીભાઈ સોલંકી ને પરબ પાસે લઈ જઈ પાણીના સર્જાયેલા ધાંધિયા બતાવવામાં આવેલ અગાઉ પણ મેઇન્‍ટેનન્‍સના બહાના હેઠળ કલાકો સુધી પાણીના પરબો બંધ કરી દેવાના કરતૂતો દ્વારા કરવામાં આવ્‍યા છે તે અંગે સમિતિ દ્વારા વખતો વખત લેખિત મૌખિક અને મેસેજ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. અગાઉ પાણીના પરબો બંધ રહેતા સમિતિ દ્વારા સિનિયર ડેપો મેનેજર ઘનશ્‍યામભાઈ ચગ ને કરાયેલી લેખિત રજૂઆતોનો કોઇ જવાબ મળ્‍યો નથી.

 ગઈકાલે જ્‍યારે પાણીના પરબો બંધ હતા ત્‍યારે એક પણ પરબ પર પાણીનું પરબ બંધ છે એ પ્રકારના બોર્ડ લગાવ્‍યા ન્‍હોતા. પાણીનું એક ટીપું આવતું ન્‍હોતું મુસાફરો પાણીના પરબ પાસે જઈ ભોઠા પડતા હતા આ રીતે એસ.ટી તંત્ર મુસાફરોની ક્રૂર મશ્‍કરી કરવાનું બંધ કરે  સમિતિ દ્વારા અગાઉ લેખિત આપેલ છે કે જો પાણીનું પરબ બંધ રાખવામાં આવે તો તે પરબ પર પીવાના પાણીની નાંદ અથવા પાણીના કેરબા મુકવા અને તંત્ર મૂકવા ન માગતું હોય તો સમિતિ દ્વારા દાતાઓના મદદથી પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવશે એવું લેખિત આપવા છતાં ડેપો મેનેજર દ્વારા એ રજૂઆત ને પણ કચરાપેટીમાં પધરાવતા વધુ એક વખત પાણીના પરબો બંધ રહેતા અને  મુસાફરોને મળતી અસુવિધા બદલ બસ પોર્ટ કાયમ માટે વિવાદ માં આવેલ છે.

 ગઈકાલે હજારો મુસાફરોને જ્‍યારે પાણી માટે આમ તેમ ભટકવું પડ્‍યું અને પીવાના પાણી માટે વલખાં  મારવા પડ્‍યા જે પગલે સિનિયર ડેપો મેનેજર રાજકોટ અને કોન્‍ટ્રાક્‍ટરને ખામીયુક્‍ત સેવા બદલ એસટી બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી કસુરવાન જણાયે પેનલ્‍ટી કરી કડક પગલાં ભરવા રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્‍ય એસટીના એમડી રાજકોટ વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે

(2:32 PM IST)