તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ગુજરાત ગેસ કંપનીનો કન્ટ્રોલ રૂમનો નંબર શોભાના ગાંઠિયા સમાન છેઃ જવાબદારો કોઇ ફોન ઉપાડતા નથીઃ કલેકટરને રાવ
શહેર કોંગ્રેસ પ્રમુખનો તાકિદનો પત્રઃ કોર્પોરેશન-ગુજરાત ગેસ વચ્ચે સંકલનનો અભાવઃ જવાબદારો સામે કડક પગલા લ્યો

રાજકોટ, તા. ૩: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણીએ કલેકટરને એક તાદિકનો પત્ર પાઠવી શહેરમાં ગેસ લીકેજ થી લોકોને થયેલ પરેશાની અંગે પગલા ભરવા માંગણી કરી હતી.
પત્રમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેર માં ગઈકાલે ભીલવાસ, જલારામ મંદિર નજીક ગવલીવાડ પાસે ગુજરાત ગેસ કંપની (GSPC) લાઈનમાં ભંગાણ થતાં ગળહિણીઓના બપોરના ચૂલા ઠપ્પ થયા હતા. મહાનગરપાલિકા અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સંકલનના અભાવે અને કઈ જગ્યાએ ગેસની લાઈનો પસાર થાય છે તે ખબર ન હોવાને પગલે અગાઉ પણ પુજારા પ્લોટ ખાતે વોકળામાં પ્રિમોન્સૂન કામગીરી વખતે જેસીબી દ્વારા ગુજરાત ગેસની લાઈનને ડેમેજ થતાં કલાકો સુધી આ વિસ્તારમાં પણ ગેસની લાઈનો બંધ થઈ હતી અને જેને પગલે લોકોને બપોરના ભોજન સમયે લાઈનો બંધ થતાં આજુબાજુના રેસ્ટોરન્ટ તેમજ લોજમાં પણ તત્કાલીન સમયે ભોજન ખલાસ થઈ જતા પરેશાની ભોગવવી પડી હતી એ ઉપરથી બોધપાઠ લીધો ન હોવાને પગલે ગઈકાલે વધુ એક વખત વોકળામાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું જે પગલે આ વિસ્તારના મોટી ટાંકી ચોક, રેસકોર્સ, શ્રોફ રોડ, જલારામ મંદિર ની આસપાસના વિસ્તારોમાં ગેસ પુરવઠો બંધ થયો હતો જે પગલે અફડા તફડી બોલી ગઈ હતી. અને બપોરના ભોજન ના સમયે જ ગેસની લાઈનો બંધ થતા લોકોને ઉપવાસ કરવાનો વારો આવ્યો હતો.
ગુજરાત ગેસ કંપની દ્વારા કંટ્રોલ રૂમ નો નંબર જે ૯૦૯૯૨ ૨૨૯૨૨ જે તે શોભાનો ગાંઠિયો બની જાય છે. આવા સમયે ફોન લાગતો નથી અને સતત વ્યસ્ત આવે છે તો લાખો કસ્ટમર છે ત્યારે ફરિયાદના નિરાકરણ માટે એક અધિકારીની નિમણૂક થવી જોઈએ અને એ અધિકારીનો ફોન નંબર ગ્રાહકોને જાણ થાય તે માટે જાહેર કરવો જોઈએ અને કંટ્રોલ રૂમમાં પણ વધુ એક ફોનની સુવિધા ગ્રાહકો માટે ઉભી કરવી જોઈએ ગઈકાલની ઘટના બાબતે કયારે ફરિયાદ મળી છે અને ફરિયાદ કેટલા સમયમાં નિકાલ કરવામાં આવી છે તેની તટસ્થ તપાસ કરી જો ફરિયાદનું નિરાકરણ કરવામાં ઘોર બેદરકારી દાખવામાં આવી હોય તો જવાબદારો સામે પગલાં ભરવા અને હાલ રાજકોટ શહેરમાં વોકળા માં જે સ્થળે ગુજરાત ગેસની લાઈનો પસાર થાય છે તે સ્થળે ભય સૂચક બોર્ડ લગાવવું જેથી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કરવામાં આવતી કામગીરીને પણ ખબર પડે કે અહીંથી ગેસની લાઈન નીકળે છે.(
(4:30 PM IST)










