News of Wednesday, 4th June 2025
નવા કાયદા ઉપર ચિત્ર, ઓડીયો-વિડીયો સ્પર્ધા
ભારતીય ન્યાય સંહિતા અંગે લોકોમાં જાગૃતી લાવવાનો પ્રયાસ : ડીસીપી પૂજા યાદવ

રાજકોટ, તા., ૪: થોડા મહિનાઓ પહેલા અમલમાં આવેલ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ના નવા કાયદા અંગે લોકોમાં જાગૃતી આવે તે માટે રાજકોટ શહેર પોલીસે ચિત્ર, ઓડીયો અને વિડીયો સ્પર્ધાનું અનોખુ આયોજન કર્યુ છે. લોકોએ પોતાના દ્વારા દોરેલા ચિત્ર અને રેકોર્ડ કરેલા વિડીયો અને ઓડીયો કન્ટેન્ટ [email protected] ઇમેઇલ ઉપર તા. ૧ર જુન સુધીમાં મોકલવાના રહેશે.
આ અંગે અકિલા સાથેની વાતચીતમાં ડીસીપી પુજા યાદવે જણાવ્યું હતું કે, ખાસ કરી યુવાનો અને મહિલાઓમાં જનતાને સીધી રીતે અસરકર્તા બાબતો અંગે કાયદાની શું જોગવાઇઓ છે ? તેની જાણકારી વધે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાના જજ તરીકે સરકારી વકીલ, કાયદાના જાણકાર પ્રોફેસરો નક્કી કરવામાં આવશે. જજીસની આ પેનલ આવેલ સ્પર્ધકોની કન્ટેન્ટનું વિશ્લેષણ કરી શ્રેષ્ઠ ચિત્ર-ઓડીયો-વિડીયોને પ્રથમ-બીજો અને -ત્રીજો ક્રમાંક આપશે. ચિત્ર સ્પર્ધાનું પ્રથમ ઇનામ રૂા. પ૦૦૦, ૩૦૦૦ અને ર૦૦૦, ઓડીયો સ્પર્ધાનું પ્રથમ ઇનામ ૧પ,૦૦૦, ૧૦,૦૦૦, પ,૦૦૦ જયારે વિડીયો સ્પર્ધાનું પ્રથમ ઇનામ ર૦,૦૦૦, ૧પ,૦૦૦ અને ૧૦,૦૦૦ રહેશે. સ્પર્ધાનું પરીણામ તા. ૧પ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ત્યાર બાદ સન્માન પત્ર અને ઇનામની રકમથી નવાજવામાં આવશે. આ ઉપરાંત વિજેતાઓના ચિત્ર, વિડીયો અને ઓડીયો રાજકોટ પોલીસના સોશ્યલ મીડીયા પેજ પર પોષ્ટ કરવામાં આવશે. લોકોમાં કાયદાનું જ્ઞાન વધે અને જાગૃતી આવે તે માટે આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

(3:42 PM IST)










