<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

એટીએમમાં પાસવર્ડ સેટ કરવાનું બહાનુ કરી ઓટીપી મેળવી ગઠીયાએ વૃધ્‍ધ હર્ષકાંતભાઇ દેસાણીના રૂા. ર.પ૦ લાખ ઉપાડી લીધા

દોઢસૌ ફુટ રોડ બાલાજી હોલ પાસે બનાવઃ વૃધ્‍ધે માલવિયાનગર પોલીસમાં અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા. ૪: દોઢસૌ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ ચાર રસ્‍તા પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયેલા વૃધ્‍ધને એટીએમ કાર્ડમાં પાસવર્ડ સેટ કરવાનુ કહી ઓટીપી મેળવી લઇ  અજાણ્‍યા શખ્‍સે વૃધ્‍ધના ખાતામાંથી રૂા. ર.પ૦ લાખ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસૌ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે રોયલ એલીગન્‍સ-બી-પ૦૩ માં રહેતા વૃધ્‍ધ હર્ષકાંતભાઇ શીવરામભાઇ દેસાણી (ઉ.વ. ૬૩) એ માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. વૃધ્‍ધે ફરીયાદમાં જણાવ્‍યું છે કે ગત તા. ૯-પ ના રોજ રાત્રે હું દોઢસૌ ફુટ રોડ બાલાજી હોલ સામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો ત્‍યારે એટીએમમાં ૩-૪ વ્‍યકિતઓ હાજર હતા મેં મારૂ એટીએમ કાર્ડ એટીએમ મશીનમાં નાખી રૂપિયા ઉપાડવાનો પ્રયત્‍ન કર્યો પરંતુ રૂપિયા ઉપડયા ન હતા આ સમયે મારી બાજુમાં ઉભેલા એક અજાણ્‍યા શખ્‍સ (ઉ.વ. આશરે રપ) એ મને કહેલ કે તમારા એટીએમનો પાસવર્ડ ખોટો છે જેથી બીજો પાસવર્ડ સેટ કરવો પડશે અને તમારા મોબાઇલ ફોનમાં ઓટીપી આવશે જે ઓટીપી આપશો એટલે નવો પાસવર્ડ બનાવી હું તમને રૂપિયા ઉપાડી આપુ તેમ કહેતા મેં તેને એટીએમ કાર્ડ આપતા તેણે એટીએમ મશીનમાં નાંખી પ્રોસેસ કરતા મારા મોબાઇલમાં ઓટીપી આવતા જે મેં આ અજાણ્‍યા શખ્‍સને ઓટીપી આપેલ બાદ તેણે પ્રોસેસ કરતા રૂપિયા ઉપડેલ નહી બાદ આ શખ્‍સે એટીએમ કાર્ડ મને પરત આપી દીધુ હતું. ત્‍યારબાદ તા. ૧૩-પ ના  રોજ ગોંડલ રોડ ઉપર બેંકમાં પાસબુકમાં એન્‍ટ્રી કરાવતા જાણવા મળેલ કે કટકે કટકે મારા ખાતામાંથી રૂા. ર.પ૦ લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્‍યુ હતું. આથી અજાણયા શખ્‍સે એટીએમમાં પાસવર્ડ સેટ કરવાનુ બહાનુ કરી ઓટીપી મેળવી મારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ખબર પડી હતી. આ અંગે માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

(3:54 PM IST)