તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
જેટકો દ્વારા ૨૩૮ કરોડના ખર્ચે નવા સાત સબસ્ટેશનો બનાવાયાઃ ૫૦ હજાર ગ્રાહકોને સીધો વીજ પુરવઠો
કાલે ભુપેન્દ્રભાઇના હસ્તે લોકાપર્ણઃ ૬૬ કે.વી.નું એક સબ સ્ટેશન કોપર સેન્ડ બનાવાયું

રાજકોટ તા.૫: રાજકોટ જિલ્લાના શહેરી, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કળષિ વિસ્તારોને અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું રૂપિયા ૨૩૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આવતીકાલે આ સબ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ નવા સબસ્ટેશનો થકી જિલ્લાના ૫૦ હજારથી વધુ પરિવારો, વાણિજ્ય તથા ઔદ્યોગિક એકમો, ખેડૂતો અવિરત ગુણવત્તાયુક્ત વીજપૂરવઠાથી લાભાન્વિત થશે.
રાજ્ય ઊર્જા પરિવહન નિગમ દ્વારા રાજકોટમાં રૂ. ૨૫.૦૭ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના ભક્તિનગર સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. ૪૦ એમ.વી.એ.ની ક્ષમતાવાળા આ સબસ્ટેશનના કાર્યરત થવાથી રાજકોટ શહેરી વિસ્તારના ભક્તિનગર સબસ્ટેશનની આજુબાજુના આશરે ૯૧૩૬ ગ્રાહકોને ફાયદો થયો છે.
રાજકોટ તાલુકામાં રૂ. ૫૨.૫૫ કરોડના ખર્ચે નવું ૬૬ કે.વી. કોપરસેન્ડ સબસ્ટેશન બનાવાયું છે. જેના લીધે રાજકોટ શહેરી વિસ્તારના આ સબસ્ટેશનની આજુબાજુના આશરે ૧૧,૨૩૫ ગ્રાહકોને ફાયદો થયો છે. તાલુકામાં રૂ. ૩૨.૩૫ કરોડ ૬૬ કે.વી.ના કેસરી સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. જેના લીધે આજુબાજુના આશરે ૭૨૮૩ ગ્રાહકોને ફાયદો થયો છે. ઉપરાંત રૂ. ૩૮.૦૧ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી. મેરીગોલ્ડ સબ સ્ટેશનથી આ વિસ્તારના આશરે ૧૪૦૨૩ ગ્રાહકોને ફાયદો થયો છે. જ્યારે રૂ. ૬૩.૮૯ કરોડના ખર્ચે બનેલા ૬૬ કે.વી.ના મિત્તલ પાર્ક સબ સ્ટેશનથી આજુબાજુના આશરે ૪૯૫૬ ગ્રાહકોને ફાયદો થયો છે.
ગોંડલ તાલુકાના રીબડામાં રૂ. ૧૬.૦૯ કરોડના ખર્ચે ૬૬ કે.વી. રીબડા સબ સ્ટેશન બનાવાયું છે. જેના થકી ગોંડલ તાલુકાના રીબડા, વેરાવળ તથા પીપળીયા ગામ વિસ્તારના આશરે ૪૫૦૦ ગ્રાહકોને ફાયદો થયો છે.
કોટડા સાંગાણીના લોઠડામાં રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે બનાવાયેલા સબ સ્ટેશનથી આજુબાજુના આશરે ૯૬૬ ગ્રાહકોને ફાયદો થયો છે.
(10:30 AM IST)










