તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં ૨૦ ગામોના ૩૪૦૦ પરિવારોને પ્રોપર્ટીકાર્ડનું વિનામુલ્યે વિતરણ
લોધિકા ગામના ૪૪૭, કાગદડી ગામના ૩૦૦ પરિવારોને ‘સ્વામિત્વ' પ્રોપર્ટી કાર્ડ અપાશે

રાજકોટ, તા.૫: રાજકોટના આંગણે પધારી રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહેલા લોકાર્પણ - ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લાના આઠ તાલુકાના ૨૦ ગામોના ૩૪૦૦થી વધુ પરિવારોને ‘સ્વામિત્વ યોજના' હેઠળ તૈયાર થયેલા પ્રોપર્ટી કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાશે. જેમાં લોધિકા ગામમાં સૌથી વધુ ૪૪૭ અને કાગદડી ગામના ૩૦૦ પરિવારોને ‘સ્વામિત્વ'ના પ્રોપર્ટીકાર્ડ મળશે. જેનાથી નાગરિકોને પોતાની માલિકીના મકાનનું ટાઇટલ ક્લીયર થયેલું મળશે. તેઓ આ મકાન પર કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકશે, કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી શકશે તેમજ આ મિલકત અન્યને તબદીલ પણ કરી શકશે.
ઉપલેટા તાલુકાના પાંચ ગામોમાં ૭૭૨, કોટડા સાંગાણી તાલુકાના ત્રણ ગામોમાં ૫૮૬, જામકંડોરણા તાલુકાના બે ગામોમાં ૨૬૯, જસદણ તાલુકાના બે ગામમાં ૩૧૦, પડધરીના હરિપર ગામમાં ૪૪, લોધિકા તાલુકાના ત્રણ ગામમાં ૬૪૩, રાજકોટના કાગદડી ગામમાં ૩૦૦, જેતપુરના ત્રણ ગામમાં ૪૭૯ પરિવારોને સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ અપાશે.
મહત્વનું છે કે, સૌથી વધુ લોધિકા ગામમાં ૪૪૭, જ્યારે રાજકોટ તાલુકાના કાગદડી ગામમાં ૩૦૦ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. જેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતીક વિતરણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રોપર્ટીકાર્ડ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરી દ્વારા તૈયાર કરાયા છે.
(12:03 PM IST)










