<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રાજકોટ એસટી ડેપો ઉપર ૯ પ્‍લેટફોર્મ પર પંખા જ નથીઃ છે તેમાંથી પ૦ ટકા પંખાઓ બંધ

કાળઝાળ ગરમીમાં મુસાફરોમાં ઉકળાટઃ એસટી મુસાફર હિત રક્ષક સમીતીની ફરીયાદ

રાજકોટ, તા., ૫ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, મયુરભાઈ શાહ, હબીબભાઈ કટારીયા ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર ભરમાંથી બસોની આવન જાવન રહે છે. હજારો મુસાફરો ની અવર જવર વચ્‍ચે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર પ્‍લેટફોર્મ નંબર ૧,૫,૯,૧૧,૧૫, ૧૯,૨૦,૨૧ અને ૨૨ પ્‍લેટફોર્મ પર પંખાઓ છે જ નહીં જે અંગે ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ તારીખ ૧૧/૪/૨૦૨૫ ફરિયાદ નંબર ૦૧૬૮૩૦ થી ફરિયાદ કરવામાં આવી હતી ત્‍યારબાદ પણ તારીખ ૨૩/૪/૨૫ અને તારીખ ૩૦/૪/૨૫ સિનિયર ડેપો મેનેજર રાજકોટને સાઈડમાં પંખા મૂકવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. હાલ જે મોટા ચાર પંખાઓ છે. એ પંખાઓને મન પડે ત્‍યારે ચાલુ કરવામાં આવે છે. અને મન પડે ત્‍યારે કલાકો સુધી બંધ કરી દેવામાં આવે છે જે પગલે કાળઝાળ ગરમીમાં પંખાઓના અભાવે મુસાફરોને ફરજિયાત ગરમીમાં શેકાવું પડે હાલ જે પંખા છે તે પંખામાંના ગઇકાલે અડધો અડધ પંખા બપોરના ત્રણ કલાકે બંધ હતા. ચાલુ પંખા ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાંથી સુપરવાઇઝર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને મુસાફરોને પંખાની હયાત સુવિધા ઝુંટવી લેવામાં આવી રહી છે અને તેમ છતાં ફરજ પરના સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલર પોતાની ફરજમાં બેદરકારી અને લાપરવાહી દાખવતા હોવાને પગલે પંખાઓ શરૂ કરવામાં આવતા નથી. આ અંગે ડીવીઝનલ નિયામકને ઉપરોકત આગેવાનો દ્વારા ફરીયાદ કરાઇ છે.

(4:01 PM IST)