તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
લોકમેળો ન્યુ રેસકોર્સમાં થાય તે અમારી પહેલી પ્રાયોરીટીઃ કરોડોની ગ્રાંટ માંગી છેઃ મંજૂર થાય પછી કાર્યવાહી
જો ગ્રાંટ મંજૂર થાય-ટેન્ડર બહાર પડે, ટેન્ડર અપાય અને મેદાન સમથળ કરાય ત્યાંતો તહેવારો વીતી જાય તેવો ઘાટ :હાલ તો જૂનું રેસકોર્સ પકડીને તંત્ર ચાલી રહ્યું છેઃ મેળાના નવા સ્થળ અંગે અનેક વિરોધ

રાજકોટ તા. પઃ રાજકોટના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને આવતા સોમવારથી લોકમેળા અંગેનો ફોર્મ વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકમેળા અંગેની વહેલી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, તંત્રને પહેલી પ્રાયોરીટી ન્યુ રેસકોર્સ ખાતે લોકમેળો યોજાય તેવી છે, જો કે હજુ સુધી મેળો કયાં યોજાશે તે નકકી થયું નથી. હાલ રાજય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી છે ગ્રાન્ટ આવ્યા બાદ જ મેળો કયાં યોજવો પણ નકકી કરવામાં આવશે.
મેળાના આયોજનમાં વધુ એક મોટો અવરોધ સરકારી ગ્રાન્ટનો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હજી સુધી રાજય સરકાર દ્વારા લોકમેળા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટ આપવામાં આવે ત્યારબાદની પ્રક્રિયાઓમાં જ એકથી દોઢ મહિનો નીકળી જાય છે અને ત્યાં જ મેળાનો સમય આવી જાય છે, કલેકટર તંત્ર દ્વારા કરોડોની ગ્રાંટ મંગાઇ છે.
મહત્વની વાત એ છે કે, રાજકોટના ધારાસભ્યો અને જિલ્લા કલેકટર આ વખતે લોકમેળો ન્યૂ રેસકોર્સમાં જ યોજાય તે માટે પહેલી પ્રાયોરિટી તંત્રની રહેશે. તેવા મતના છે, જો રાજય સરકાર વહેલી ગ્રાન્ટ આપશે તો પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે, પરંતુ ગ્રાન્ટ આવે તો પણ ન્યુ રેસકોર્સમાં મેળો યોજાવાની શકયતા બહુ ઓછી છે, કારણ કે મેદાન સમથળ માટે ટેન્ડર બહાર પડે, મંજૂર થાય, અને બાદમાં સમથળની કાર્યવાહી શરૂ થાય અને તે પુરૂ થાય ત્યાં સુધીમાં તો જન્માષ્ટમી પણ પૂરી થઇ જાય.
(2:49 PM IST)










