તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ભારમલ રેસ્ટોરન્ટનો મેનેજર સવા બે લાખથી વધુ રકમનો ગોટાળો કરી ફરાર !
રેસ્ટોરન્ટના માલીકની પિતરાઇ ભાઇના પુત્ર સામે પોલીસ ફરીયાદ

રાજકોટ, તા., પઃ સદર બજારમાં આવેલા જાણીતા નોનવેજ રેસ્ટોરન્ટ ભારમલના માલીક રાજ કુતુબભાઇ લાકડાવાલાએ પોતાના જ રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પિતરાઇ ભાઇ મુર્તજા હુસેનભાઇ લોખંડવાલા (રહે. સૈફી મહોલ્લા, નાની બજાર, મોરબી) સામે રોકડ રકમ, મોબાઇલ ફોન, હોન્ડા બાઇક અને ડ્રાયફુટ તેમજ કરીયાણાનો સામાન આશરે ર,૩૯,૯૪૫ ની કિંમતનો અંગત ઉપયોગમાં વાપરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આશરે ૪-પ માસ પહેલા સદર બજારમાં આવેલ મારી માલીકીના ભારમલ રેસ્ટોરન્ટમાં મારા ફૈબાના દિકરાનો દિકરો મુર્તજા હુસેન લોખંડવાલા તેના પિતાજી એટલે કે મારા પિતરાઇ ભાઇ હુસેન સૈફુદીનભાઇ લોખંડવાલા સાથે મારી પાસે આવેલ અને મુર્તજાને થોડા દિવસ અમારે ત્યાં નોકરીએ રાખી વેપાર શિખવવા વિનંતી કરતા મેં તેને રેસ્ટોરન્ટના મેનેજર તરીકેનું દેખભાળનું તમામ કામ સોંપ્યું હતું. મારી ગેરહાજરીમાં રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર બેસી મુર્તજા કાઉન્ટરનો હિસાબ તેમજ રેસ્ટોરન્ટ માટેની ખરીદ-વેચાણનો હિસાબ સંભાળતો હતો. ગઇ તા.ર૦-પ-ર૦રપના અન્ય કામોમાં રોકાયેલો હોવાથી હું પાંચ દિવસ મારા રેસ્ટોરન્ટ પર ગયો નહોતો. તા. ર૬મીના સવારે મેં મારા મોબાઇલ ફોનમાં કનેકટ રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતા સવારે ૧૧ વાગ્યા સુધી રેસ્ટોરન્ટ નહિ ખુલતા મુર્તજાને ફોન કર્યો હતો. પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. તેના પિતાને ફોન કરી પુછતા તેઓ પણ તેના વિશે કાંઇ જાણતા ન હતા. જેથી હું ર૬ મીના બપોરે પોણા બાર વાગ્યે અમારી રેસ્ટોરન્ટ ઉપર પહોંચ્યો હતો અને રેસ્ટોરન્ટના રૂમમાં અમારા રેસ્ટોરન્ટની, સ્ટોર રૂમ,ની અને કાઉન્ટરની ચાવીઓ સેટી પર પડેલી મળી આવી હતી. રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ રાજેશ ચામર, નૌશાદ આલમ અને લખનસિંગની પુછપરછ કરતા તે લોકો પણ મુર્તજા વિશે કશું જાણતા ન હતા. ત્યાર બાદ મેં સીસીટીવી ચેક કરતા ર૬ મીના વ્હેલી સવારે સાડા ચાર વાગ્યે મુર્તજા રેસ્ટોરન્ટમાંથી નિકળતો નજરે પડયો હતો. મેં બપોરે હિસાબ-કિતાબ ચેક કરતા વેપારના રૂા. આશરે રર,૯૪પ કાઉન્ટરમાં જોવા મળ્યા ન હતા. આ ઉપરાંત વેપારીઓને ચુકવવા રાખેલા ૧,૩૦,૦૦૦ પણ જોવા મળ્યા ન હતા. રેસ્ટોરન્ટનો માોબાઇલ રેડ મી કંપનીનો આશરે ૧૯,૦૦૦ની કિંમતનો ગુમ હતો અને હોન્ડા કંપનીનું બાઇક જીજે ૦૩ ડીજે પ૭૮૬ આશરે ૧૮ હજારની કિંમતનું પણ ગૂમ જણાયું હતું. આ ઉપરાંત સ્ટોર રૂમમાં ડ્રાયફુટ અને કરીયાણાનો સામાન આશરે પ૦ હજારની કિંમતનો જોવા મળ્યો નહોતો. આમ આ બધી મતા ર,૩૯,૯૪પ રૂા.ની અમારી જાણ બહાર મુર્તજાએ અંગત ઉપયોગમાં વાપરી વિશ્વાસઘાત કર્યાનું જણાતા ફરીયાદ નોંધાવી છે. આ બારામાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર કે.કે.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે. (૪.૧૪)
(2:54 PM IST)










