તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
રાઇડસના SOPના નિયમો પહેલા હળવા કરોઃ બાકી મેળાના ફોર્મ નહી ઉપાડાયઃ ગુજરાત એમ્યુઝમેન એસો.નો CMને પત્ર
હરરાજીમાં ભાગ નહિ લેવાયઃ કલેકટર દ્વારા આયોજીત મેળામાં વિવાદ શરૂ... જીલ્લા વહિવટી તંત્રના કડક SOPથી સંચાલકોમાં રોષઃ ફાઉન્ડેશન ભરવા સહિતના નિયમો અવ્યવહારૂ

રાજકોટ તા. પ :.. રાજકોટમાં આયોજિત થનારા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાને લઈને આયોજકો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદનું મૂળ લોકમેળામાં રાઈડ્સ સ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલી કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) છે, જેનો રાઈડ્સ સંચાલકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંચાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો SOPનું કડક પાલન કરાવવામાં આવશે તો તેઓ મેળામાં ભાગ લેવા માટે ફોર્મ પણ નહીં ઉપાડે.
SOPના કયા નિયમોથી સંચાલકોને વાંધો?
રાઈડ્સ સંચાલકોના મુખ્ય વાંધા લ્બ્ભ્માં નિર્ધારિત કેટલાક નવા નિયમો પર છે. તેમાં સૌથી મોટો વાંધો ફાઉન્ડેશન ભરી રાઈડ્સ ફિટ કરવાના નિયમ પર છે. સંચાલકો દલીલ કરી રહ્યા છે કે, મોટી અને ઊંચી રાઈડ્સના ફાઉન્ડેશન બનાવવામાં ૧૫ થી ૨૦ દિવસ લાગે છે. આટલા દિવસ અગાઉ તેમને મેળા માટે ગ્રાઉન્ડ મળી શકતું નથી, અને ખાનગી ગ્રાઉન્ડમાં આવા ફાઉન્ડેશન બનાવવા પણ દેવામાં આવતા નથી. તેઓ સૂચવે છે કે જૂની પદ્ધતિ મુજબ વુડન બ્લોકથી ફાઉન્ડેશન રાખવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં વુડન બ્લોક ફાઉન્ડેશનવાળી રાઈડ્સમાં કોઈ ખામી કે અકસ્માત થયો નથી.
અન્ય વાંધાજનક નિયમોમાં નીચે મુજબનો સમાવેશ થાય છેઃ ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્રઃ નાના શહેરો કે ધાર્મિક સ્થળોએ ચાર્ટર્ડ એન્જિનિયર ઉપલબ્ધ હોતા નથી, અને આવા પ્રમાણપત્રની જરૂર પણ નથી. સંચાલકો દાવો કરે છે કે તેના બદલે રાઈડ્સ ધારક પાસેથી લેખિત બાંહેધરી લઈને મંજૂરી આપવી જોઈએ.
રાઈડ્સ બનાવતી કંપનીના બિલ અને ડ્રોઈંગઃ મોટાભાગની રાઈડ્સ એસેમ્બલ્ડ હોય છે, તેથી કંપનીના બિલ કે ડ્રોઈંગ ઉપલબ્ધ હોતા નથી. આ કિસ્સામાં રાઈડ્સ ધારક કે આયોજકની લેખિત બાંહેધરી લઈને મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે. ઘણી રાઈડ્સ ૧૨ થી ૧૫ વર્ષ જૂની છે અને GST લાગુ થતા પહેલાની છે, જેના કારણે GSTવાળા બિલ ઉપલબ્ધ નથી. રાઈડ્સ ચલાવવાની કોઈ વિશેષ શાળા કે સંસ્થા ન હોવાથી પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ છે. રાઈડ્સના માલિક કે આયોજક પાસેથી ચલાવનારનું ઙ્કમાણપત્ર મેળવીને તેને માન્ય રાખવાની વિનંતી કરવામાં આવી છે.
રાઈડ્સની આયુષ્ય મર્યાદા
સંચાલકોનું કહેવું છે કે ટેમ્પરરી મેળામાં રાઈડ્સના ખોલ-ફિટિંગ સમયે રિપેરિંગ અને કલરકામ થતું જ હોય છે, અને કોઈ સ્પેર પાર્ટ્સ ખરાબ થાય તો તેને તરત બદલવામાં આવે છે. આ રીતે જાળવણી કરવાથી રાઈડ્સ ૨૫ થી ૩૦ વર્ષ સુધી ચાલી શકે છે.
રાજકોટના લોકમેળામાં જ કડક SOPનું પાલન શા માટે?
રાઈડ્સ સંચાલકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે, સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન મેળામાં લ્બ્ભ્ના નિયમો અલગ છે અથવા તેનું કડક પાલન કરાવવામાં આવતું નથી, તો પછી રાજકોટના લોકમેળામાં જ આટલું કડક લ્બ્ભ્નું પાલન શા માટે કરાવવામાં આવી રહ્યું છે? તેઓ તેને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી રહ્યા છે. ભૂતકાળમાં રાજકોટ શહેરમાં બનેલા ટી.આર.પી. ગેમ ઝોનના અકસ્માતને કારણે હંગામી મેળાના આયોજન માટે અત્યંત કડક પ્રક્રિયા અને દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે, જે રાઈડ્સ ધારકો કે આયોજકો માટે અશકય જેવા છે.
જૂની પદ્ધતિ યથાવત
રાખવાની માગ
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવાયું છે કે, હંગામી (ટેમ્પરરી) મેળામાં જૂની પદ્ધતિ કે નિયમોનુસાર રાઈડ્સ ઊભી કરવામાં આવે ત્યારે કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) દ્વારા રૂબરૂ રાઈડ્સની ચકાસણી કરી પછી ફિટનેસ ઙ્કમાણપત્ર આપવામાં આવતું હતું. તેઓ આ પદ્ધતિ-નિયમો યથાવત રાખી યોગ્ય કરવા નમ્ર વિનંતી કરી રહ્યા છે. એસોસિએશને એવી પણ રજૂઆત કરી છે કે, રાઈડ્સ ધારકો અને આયોજકો મોટે ભાગે ૮૦ થી ૯૦ ટકા અભણ અથવા નિરક્ષર હોય છે, અને તેઓ ઉપરોક્ત પ્રક્રિયા પૂરી કરી શકતા નથી કે દસ્તાવેજો રજૂ કરી શકતા નથી.
રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને ચાલી રહેલા આ વિવાદનો ઉકેલ કયારે આવશે અને રાઈડ્સ સંચાલકો મેળામાં ભાગ લેશે કે કેમ, તે જોવું રહ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે સમાધાન થાય તે જરૂરી છે, જેથી રાજકોટના લાખો લોકો આ વર્ષે પણ પરંપરાગત લોકમેળાનો આનંદ માણી શકે.
(4:02 PM IST)










