<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સ્‍કૂલ સંચાલકોની વ્‍યાપારી વૃત્તિનો કોંગ્રેસનો વિરોધ યથાવત

કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્‍યમંત્રીને રજૂઆત માટેનો સમય માંગ્‍યોઃ પોલીસ કમિશ્‍નરને પત્રઃ રાજકોટના શિક્ષણ માફિયાઓને ખુલ્લા પાડવા જરૂરી

રાજકોટ, તા. પઃ રાજકોટની ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને કમાવાનુ સાધન સમજીને યુનિફોર્મ, પાઠયપુસ્‍તકો, સ્‍કૂલ બેગ-શૂઝ જેવી બાબતો ચોક્કસ સ્‍થળો પરથી લેવા માટેની ફરજ પાડવાની ફરિયાદો સામે આવતા કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરીને આવી તમામ સ્‍કૂલો પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જેના પગલે ડીઇઓ તરફથી ૨૫ સ્‍કૂલોને નોટિસો ફટકારવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દાને લઈ કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓની આક્રમક વિરોધને પગલે રાજ્‍યભરમા ચર્ચાનો વિષય બન્‍યો હતો અને વાત  શિક્ષણમંત્રી સુધી પહોચી હતી. ગઈકાલે જ રાજકોટ સ્‍વરનિર્ભર શાળા સંચાલક મંડળે એક વાલીજોગ ખુલાસો જાહેર કરતા જણાવ્‍યુ હતું કે વાલીઓ પોતાના બાળકની તમામ શૈક્ષણિક વસ્‍તુઓ પોતાને અનુકૂળ જગ્‍યાએથી ખરીદી શકશે.

આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રાજકોટની મુલાકાતે મુખ્‍યમંત્રી આવનાર હોય જેથી તેઓને રૂબરૂ મળીને આ મુદે રજૂઆત કરવા પોલીસ કમિશનરને પત્ર લખી સમય માગ્‍યો છે. રોહિતસિંહે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લખેલા પત્રમા જણાવ્‍યુ હતુ કે હાલના સમયમાં રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પાઠ્‍યપુસ્‍તકો, યુનિફોર્મ તથા અન્‍ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે જે રાજ્‍ય સરકારના નીતિનિયમો તથા માર્ગદર્શિકા વિરુદ્ધ છે. આ વ્‍યાપારી પ્રવળતિઓથી વાલીઓ પર આર્થિક બોજ ઊભો કરે છે અને શિક્ષણ વ્‍યવસ્‍થાની નૈતિકતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

અમે મુખ્‍યમંત્રીને શાંતિપૂર્વક રજૂઆત કરી રાજકોટના શિક્ષણ માફિયાઓની વ્‍યાપારી પ્રવળતિઓ પર લગામ આવે તેવી માગણી કરવાના છે. જો અમને સમય આપવામા આવશે તો ચોક્કસપણે રાજકોટના વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય સરકાર લેશે તેવુ અંતમા રોહિતસિંહ રાજપૂતે જણાવ્‍યું હતુ.

(4:03 PM IST)