<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

વાવડીમાં મિત્રના કુટુંબી ભાઇના મકાન ભાડાના ડખ્‍ખામાં વાલકેશ્વર સોસાયટીના નિર્દોષ વિપુલ મકવાણાની હત્‍યા

મિત્ર શકીલને તેના કુટુંબી ભાઇ અવેશનો ફોન આવતાં તેની સાથે વિપુલભાઇ મકવાણા પણ ગયો હતોઃ અવેશના મકાન માલિક સહિતે ધોકા-પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતાર્યોઃ તાલુકા પોલીસે ભગીરથસિંહ વાઘેલા સહિત પાંચને સકંજામાં લીધાઃ ભગવતીપરાના અવેશ શાહમદારે લવેમેરેજ કર્યા હોઇ પરિવારથી અલગ વાવડી ભગીરથસિંહ વાઘેલાના ખોડલ પેલેસના રૂમમાં રહેતો હતોઃ અવેશને પરિવારજનો સાથે મનદુઃખ હોઇ માતા, બહેન સહિતના વાત કરવા આવતાં તેણે કુટુંબી ભાઇ શકીલને બોલાવ્‍યો હતોઃ શકીલ સાથે મિત્ર વિપુલ પણ ગયો હતોઃ બધા વાત કરતાં હતાં ત્‍યારે રૂા. ૨૫૦૦ ભાડુ લેવા આવેલા મકાન માલિક ભગીરથસિંહના પત્‍નિને અવેશની પત્‍નિ સાથે ચડભડ થયા બાદ તેણીએ પતિ સહિતને બોલાવ્‍યા અને વાત વણસી : હત્‍યાનો ભોગ બનનાર વિપુલભાઇના છુટાછેડા થઇ ગયા હતાં: વિધવા માતા અને ૧૬ વર્ષના પુત્રનો આધારસ્‍તંભ હતોઃ બે ભાઇ અને એક બહેનમા નાનો હતોઃ મકવાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. જેમાં પીપળીયા હોલ પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહેતાં અને ટ્રક કલીનર તરીકે કામ કરતાં વિપુલભાઇ જેન્‍તીભાઇ મકવાણા-લુહાર (ઉ.વ.૪૦) નામના નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે. પોતાના ટ્રકચાલક મિત્ર શકીલ શાહમદારના કુટુંબી ભાઇ અવેશ કે જે વાવડી ખોડલ પેલેસમાં ભાડેથી રહે છે તેની પત્‍નિને ખોડલ પેલેસના માલિક ભગીરથસિંહ વાઘેલાની પત્‍નિ સાથે રૂપિયા ૨૫૦૦ના મકાન ભાડા બાબતે ચડભડ થતાં બાદમાં ભગીરથસિંહ સહિત પાંચ જણા અવેશના રૂમ પર ધોકા-પાઇપ સાથે ધસી ગયા હતાં. પરંતુ તેણે રૂમ બંધ કરી દેતાં પાંચેય નીચે પાર્કિંગમાં આવ્‍યા હતાં અને અહિ શકીલ તથા તેની સાથેના મિત્ર વિપુલભાઇ પર આડેધડ ધોકા-પાઇપના ઘા ઝીંક્‍યા હતાં. જેમાં નિર્દોષ વિપુલભાઇનો ભોગ લેવાઇ ગયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસે હત્‍યાનો ભોગ બનનાર વિપુલભાઇ મકવાણાના મિત્ર કાલાવડ રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે લક્ષમણ ટાઉનશીપ કે-વીંગ બ્‍લોક નં. ૬૦૭માં રહેતાં શકીલ મહોમ્‍મદશા શાહમદાર (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી વાવડી ખોડલ પેલેસ પાસે રહેતાં ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અને ચાર અજાણ્‍યા સામે હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. વિપુલભાઇનું સારવારમાં મોત થતાં હત્‍યાની કલમનો ઉમેરો કરી પાંચેયને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.

શકીલ શાહમદારે જણાવ્‍યું છે કે હું મારા માતા, પિતા, નાની બહેન, મોટા ભાઇ તથા પત્‍નિઅને બાળકો સાથે રહુ છું અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું.  મારાથી મોટો ભાઇ શાહનવાઝ મારાથી અલગ રહે છે. ગુરૂવારે બપોરે અઢી વાગ્‍યે મને મારા કાકાના દિકરા અવેશ યાસીનભાઇ શાહમદારનો ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તું જલ્‍દી મારા ઘરે આવ, મારે ભગવતીપરામાં મામા પપ્‍પણાના ઘરે જવું છે. જેથી હું અને મારો મિત્ર વિપુલભાઇ જેન્‍તીભાઇ મકવાણા (ઉ.વ.૪૦) કે જે પીપળીયા હોલ પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહે છે તે બંને મોટર સાઇકલ હંકારી માલીયાસણ ચોકડીથી વાવડીમાં રહેતાં અવેશના ખોડલ પેલેસ ખાતેના ભાડાનામકાને ગયા હતાં.

હું અને વિપુલ બંને ચોથા માળે અવેશના રૂમમાં બેઠા હતાં ત્‍યારે અવેશના મમ્‍મી શહેનાઝબેન અને તેના બહેન શાઝમીન તથા નઝમીન પણ હતાં. આ લોકો અવેશ સાથે સમાધાનની વાત માટે આવ્‍યા હતાં. અવેશે ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હોઇ ત્‍યારથી તેના પરિવારના લોકો તેની સાથે સંબંધ રાખતા નહોતાં. જે બાબતે અમારે સમાધાનની વાત ચાલતી હતી. આ વખતે ખોડલ પેલેસવાળા ભગી વાઘેલાના પત્‍નિ કે જેનું નામ મને આવડતું નથી તેણીએ આવી અવેશ પાસે મકાનનું ભાડુ  રૂપિયા ૨૫૦૦ માંગ્‍યું હતું. ભાડા બાબતે તેણીએ અવેશની પત્‍નિ સાથે માથાકુટ કરી હતી અને બાદમાં તેણી જતી રહી હતી.

આ પછી તેણીએ પોતાના પતિ ભગી ઉર્ફ ભગીરથસિંહ વાઘેલાને ફોન કરીને બોલાવેલ. આ વખતે હું અને મારો મિત્ર વિપુલભાઇ ખોડલ પેલેસના પાર્કિંગના પગથીયા પાસે ઉભા હતા. તે વખતે ભગી અને બીજા બે જણાએ એક્‍ટીવામાં ધોકા-પાઇપ સાથે આવ્‍યા હતાં. બાદમાં તેણે ફોન કરતાં વધુ બે શખ્‍સ આવ્‍યા હતાં. આ પછી પાંચેય જણા અવેશના રૂમ ખાતે ગયા હતાં. જ્‍યાં અવેશે દરવાજો બધ કરી દેતાં આ પાંચેય નીચે આવ્‍યા હતાં અને ભગી વાઘેલાએ મારી પાસે આવી ‘તારે શું છે?' કહી ગાળો દીધી હતી. મેં તેને સમજાવેલ કે જે હોય તે શાંતીથી પતાવો, ખાલી ભાડાની મેટર છે ભાડુ તમને આપી દઇશું. તેમ કહેતાં ભગીએ આજે તો તમને બંનેને પતાવી દેવા છે કહી મને માથામાં પાઇપનો ઘા મારી દીધો હતો. બીજા બે જણા પાઇપ, ધોકાથી મારા મિત્ર વિપુલભાઇ પર તૂટી પડયા હતાં. તેમજ બીજા બે જણાએ ઢીકાપાટુ માર્યા હતાં. વિપુલભાઇને માથામાં લાગી જતાં તે પડી ગયેલ અને લોહી નીકળવા માંડયા હતાં. હું ભાગીને દૂર જતો રહ્યો હતો અને ફોન કરી મારા પત્‍નિને બોલાવ્‍યા હતાં.

થોડીવારમાં મારા પત્‍નિ, મારા પિતા રિક્ષા લઇને આવતાં મને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયેલ, જ્‍યાં મને માથામાં ટાંકા લીધા હતાં. બાદમાં મારો પિત્રાઇ ભાઇ અવેશ મારા મિત્ર વિપુલભાઇને રિક્ષામાં સિવિલ હોસ્‍પિટલે લાવતાં તેને વધુ ઇજા થઇ હોઇ દાખલ કર્યો હતો. તેને માથામાં અગિયાર ટાંકા આવ્‍યા હતાં અને તે બેભાન હતો. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી. વી. સરવૈયા, એમ. એચ. મહારાજ, હરપાલસિંહ જાડેજા, કોૈશેન્‍દ્રસિંહ સહિતે શકિલ શાહમદારની ફરિયાદ પરથી ગેરકાયદે મંડળી રચી હુલ્લડ કરી હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કરવાનો ગુનો ભગીરથસિંહ વાઘેલા સહિત પાંચ સામે નોંધ્‍યો હતો. સારવાર દરમિયાન મોડી રાતે વિપુલભાઇ મકવાણાએ દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો.

હત્‍યાનો ભોગ બનનાર વિપુલભાઇ મકવાણા-લુહાર બે ભાઇ અને એક બહેનમાં   હતો. તેમજ તે મિત્ર શકીલ સાથે ટ્રકમાં ક્‍લીનર તરીકે કામ કરતો હતો. તેના સાત વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં અને સંતાનમાં એક સોળ વર્ષનો દિકરો છે. તે વૃધ્‍ધ માતા અને દિકરાનો આધારસ્‍તંભ હતો. હત્‍યાની આ ઘટનાથી મકવાણા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મિત્ર શકીલના કુટુંબી ભાઇને થયેલા મકાન ભાડાના ઝઘડામાં નિર્દોષ એવા વિપુલભાઇ મકવાણાનો ભોગ લેવાઇ જતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તાલુકા પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી. (૧૪.૫)

(2:47 PM IST)