તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
સગીર પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે પાલક પિતાને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા
રાજકોટમાં બનેલ કલંકિત ઘટનામાં પોકસો કોર્ટનો મહત્વનો ચૂકાદોઃ પીડીતાની માતાએ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરતા સાવકા પિતાએ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી પુત્રી ઉપર નજર : બગાડી હવસનો શિકાર બનાવીઃ સરકારી વકીલે રજૂ કરેલ પુરાવાને ધ્યાને લઈને કોર્ટે પાલક પિતાને જીવે ત્યાં સુધીની સજા ફટકારીઃ ભોગ બનનારને સાત લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટેનો આદેશ

રાજકોટ, તા.૬: સમાજને કલંકિત કરતી ઘટનામા રાજકોટમા સગીર પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે પાલક પિતા એવા આરોપી હાર્દિક રમેશભાઇ જોષી ને જીવે ત્યાં સુધી એટલે કે જીવનના છેલ્લા અંતિમ શ્વાસ સુધીની સજા પોકસો કોર્ટે ફટકારી છે.
રાજકોટના શહેરી વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતાના પ્રથમ પત્ની થકી ભોગ બનનાર પુત્રીનો જન્મ થયેલો ત્યારબાદ બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા બંને એ અલગ થઈ જવાનું નક્કી કરતા બંને પતિ પત્નીએ એકબીજા સાથે છૂટાછેડા લઈ લીધેલા ત્યારબાદ છુટાછેડા ના લખાણમાં એવી શરત નક્કી થયેલી કે ભોગ બનનાર દીકરી તેની કુદરતી માતા સાથે રહેશે ત્યારબાદ આ કામના ભોગ બનનારના માતાએ હાલના આરોપી હાર્દિક રમેશભાઈ જોશી સાથે બીજા મેરેજ કરેલા અને ભોગ બનનાર પુત્રીને પોતાની સાથે રહેવા માટે લઈ ગયેલાઆ ભોગબનનાર જ્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે સમયથી તેના સાવકા પિતા આ કામના આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર ઘરે કોઈ ન હોય ત્યારે તેની સાથે માર મારીને ધમકી આપીને દુષ્કળત્ય આચરેલું ભોગ બનનાર પુત્રી પોતાના સાવકા પિતા દ્વારા કરવામાં આવતા આવા દુષ્કળત્ય થી ડરી ગયેલ હોય જેથી તેણીએ તેના કુદરતી પિતા ને તેના ફઈ મારફત આ બાબતની જાણ કરેલી અને તેના પિતાએ દીકરી પાસેથી સમગ્ર હકીકત મેળવીને આ કામના આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી હતી.
સદરહુ ગુનામાં પોલીસે આરોપીની અટક કરી જેલ હવાલે કરેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે ૧૨ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તથા ભોગબનનાર ફરિયાદી ડોક્ટર અને પંચ તેમજ તપાસનીશ અધિકારી સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલી તમામ સાહેદો અને દસ્તાવેજી પુરાવા તેમજ ભોગ બનનારના કપડાં ઉપર અને fsl રિપોર્ટથી સદરહુ આરોપી સામે પુરાવો વધુ મજબૂત થયેલો. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આરોપી સામેના કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ થયેલ હોય અને મદદનીશ સરકારી વકીલ આબિદ સોસનની દલીલને ધ્યાને લેતા આ કામના આરોપીને સ્પેશિયલ પોકસો જજ શ્રી વી એ રાણા એ આ કામના આરોપી પાલક પિતા હાર્દિક જોશીને પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી ની કેદ ની સજા અને ભોગબનનારને વિક્ટિમ વળતર યોજનામાંથી સાત લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલો સદરહુ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હતા.
(2:30 PM IST)










