<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

નવાગામ પાસે ‘હિટ એન્‍ડ રન'માં યુપીના યુવાનનું, કુવાડવા પાસે ટેમ્‍પોની ઠોકરે ઉધમપુરના યુવાનનું મોત

ઉત્તરપ્રદેશનો અભિષેક રસ્‍તો ઓળંગતો હતો ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયોઃ સારવારમાં દમ તોડયોઃ ઉધમપુરના કેવલસીંગનું ઘટના સ્‍થળે જ મોતઃ કુવાડવા પોલીસે બંને વાહનચાલકો સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૯: કુવાડવા રોડ પર નવાગામ પાસે ઓડીના શો રૂમ નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં નવાગામમાં રહેતાં મુળ યુપીના યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. બીજા બનાવમાં કુવાડવા જીઆઇડીસી જીત પંપ સામે ટેમ્‍પો ફોર્સ ગાડી જીજે૧૮જી-૮૬૪૧ની ઠોકરે ચડી જતાં ઉધમપુરના યુવાનનું મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રાતે દસેક વાગ્‍યે નવગામ ઓડીના શો રૂમ પાસે એક યુવાન રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અજાણ્‍યા યુવાન પાસેથી મળેલા આધાર કાર્ડ, ફોન નંબર સહિતને આધારે હોસ્‍પિટલ સ્‍ટાફે ફોન કરતાં તેના કુટુંબી અજીત ચોૈહાણનો સંપર્ક થયો હતો. તેને વ્‍હોટ્‍સએપથી ફોટો મોકલવામાં આવતાં આ ઘાયલ અને બેભાન યુવાન અભિષેક બનવારીલાલ ચોૈહાણ (ઉ.વ.૩૫) હોવાનું ખુલ્‍યું હતું.

જો કે સારવાર દરમિયાન અભિષેક ચોૈહાણનું મોત થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, શક્‍તિસિંહ સહિતે કુવાડવા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. એન. એમ. શિરોડીયા સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકના કુટુંબી ભાઇ ઉત્તરપ્રદેશ શીવપુર મખધુમપુરના સાવંતકુમાર લલનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને નવાગામમાં કેટલાક વર્ષથી રહી ઇમિટેશનની મજૂરી કરતો હતો. રાતે કોઇ કામ માટે રસ્‍તો ઓળંગતી વખતે અકસ્‍માતમાં મોત થયું હતું.

જીવલેણ વાહન અકસ્‍માતનો બીજો બનાવ રાજકોટ અમદાવાદ હાઇવે પર જીઆઇડીસી પૂલ પાસે બન્‍યો હતો. જેમાં ટેમ્‍પો ફોર્સ ગાડી ન. જીજે૧૮જી-૮૬૪૧ની ઠોકરે ચડી જતાં કેવલસીંગ પંજાબસીંગ (ઉ.વ.૨૫)નું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના એએસઆઇ કે. વી. જાડેજાએ મૃતકના વતનના હાલ કુવાડવા જીઆઇડીસી વઢવાણી કોલ્‍ડ સ્‍ટોરેજ ખાતે રહી ત્‍યાં મજૂરી કરતાં ભીમસીંગ ડોઢાની ફયિરાદ પરથી ટેમ્‍પો ફોર્સ ગાડીના ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. મૃતક યુવાન ઉધમપુરથી ત્રીસેક કી.મી. દૂર આવેલા પંજર ગામનો વતની હતો અને કોલ્‍ડ સ્‍ટોરેજમાં ત્રણેક મહિના પહેલા કામ કરવા આવ્‍યો હતો. તે રાતે રસ્‍તો ઓળંગતી વખતે આ બનાવ બન્‍યો હતો.

(2:36 PM IST)