News of Friday, 6th June 2025
આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
પકડાયેલ વૃશાંત ધનેશા સામે અગાઉ ૯ અને નિશીત ચોકસી સામે ૩ ગુન્હાઓ નોંધાયા છેઃ દાગીના વેચી મોજશોખ કરતો'તો

રાજકોટ તા. ૬ :.. આટકોટ પાસે ગોંડલ ચોકડી પાસે મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટના બે શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં. પકડાયેલ બન્ને શખ્સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.
પ્રાપ્ય વિગતો મુજબ આટકોટ પાસે ગોંડલ ચોકડી પાસે ગત તા. ર૮ નાં રોજ બાઇક ઉપર પતિ સાથે જઇ રહેલી મહિલાના ગળામાંથી બે શખ્સો ચેઇનની ચીલઝડપ કરી નાસી છૂટયા હતાં. આ બનાવમાં આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. હિમકરસિંહની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વી. વી. ઓડેદરા તથા પીએસઆઇ એચ. સી. ગોહીલે તપાસ હાથ ધરી ચીલઝડપ કરનાર વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ ધનેશા રે. નાણાવટી ચોક રાજરાજેશ્વર સોસાયટી રાજકોટ તથા નિશીત હિતેષભાઇ ચોકસી રે. ગોપાલ ચોક ગુરૂજીનગર ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટને રોકડા રૂા. ૧,ર૬,૪૦૦ બે બાઇક કિ. ૧.ર૦ લાખ, બે મોબાઇલ તથા સીમકાર્ડ મળી કુલ ર.૭૬, ૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
પકડાયેલ વૃશાંત સામે અગાઉ અમરેલીના સાવરકુંડલામાં-૪, જામનગર, રાજકોટ, જુનાગઢ તથા જેતપુર સીટીમાં એક મળી કુલ ૯ ગુન્હાઓ અને નિશીત ચોકસી સામે રાજકોટ, જુનાગઢ અને જેતપુરમાં ૩ ગુન્હાઓ નોંધાયા છે. બન્ને ચીલઝડપ કરી સોનાના દાગીના વેંચી નાંખી મોજશોખ કરતા હતાં. પકડાયેલ બન્નેને આટકોટ પોલીસના હવાલે કરાયા છે.
(3:41 PM IST)










