News of Friday, 6th June 2025
ઇશ્વરીયા પાર્ક પાસે કચેરીમાંથી ભૂકંપ માપવાનું યંત્ર ચોરનાર રણજીત પકડાયો
ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલ્યોઃ સહદેવસિંહ, મશરીભાઇ, પ્રદિપભાઇ અને મુકેશભાઇની બાતમી

રાજકોટ તા. ૬: માધાપર ઇશ્વરીયા પાર્ક ખાતે આવેલા ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતેથી ભૂકંપ માપવાનું સિસ્મોગ્રાફર મશીન ચોરાઇ ગયું હતું. આ ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી જામનગર રોડ મનહરપુર-૧ ગામના ઢાળ પર રહેતાં રણજીત અરજણભાઇ જાખેલીયાને પકડી લીધો છે.
ચોરીઓના ગુના ઉકેલી કાઢવા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીએ સુચના આપી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સહદેવસિંહ અને મશરીભાઇ તથા કોન્સ. પ્રદિપભાઇ અને મુકેશભાઇને મળેલી બાતમી પરથી રણજીતને માધાપર ચોકડીએથી પકડી લઇ યંત્ર કબ્જે કર્યુ હતું.
ઝડપાયેલો શખ્સ રણજીત એક્ટીવા પર ભંગારની ફેરી કરે છે. તે કચેરી પાસેથી નીકળ્યો ત્યારે ખબર પડી હતી કે અહિ મોટે ભાગે કોઇ હોતું નથી. આથી તક જોઇ ભૂકંપ માપવાનું મશીન ચોરી ગયો હતો. તેમાંથી કોપર વાયર કાઢી વેંચવાનો ઇરાદો હતો. આ શખસ અગાઉ ૨૦૧૮માં વાહનચોરીમાં પકડાયો હતો.
(3:47 PM IST)










