<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

જિલ્લા પંચાયતને મંદી અને મોંઘવારી નડી : ડાયરી છપાવવાનું માંડી વાળ્‍યુ

સ્‍વભંડોળમાં જોગવાઇ નહિ અને જાહેરાત ઉઘરાવવામાં પારાવાર પરેશાની

રાજકોટ, તા. ૬ : જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષ ડાયરી પ્રસિધ્‍ધ કરવામાં આવે છે. પંચાયતના શાસકોએ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ર૦ર૬ સુધીના સમયગાળાની ડાયરી પ્રસિધ્‍ધ કરવાનું નકકી કરી પ્રાથમિક તૈયારી શરૂ કરેલ પણ જુન મહિનો ચાલુ થઇ ગયો છતાં ડાયરીનું હજુ ઠેકાણું નથી આર્થિક વ્‍યવસ્‍થાના અભાવે ડાયરી છપાવવાનું માંડી વાળ્‍યાનું જાણવા મળેલ છે પંચાયતના વર્તમાન પદાધિકારીઓને કાર્યકાળના અંતિમ વર્ષમાં મંદી અને મોંઘવારી નડી ગઇ છે.

અમુક જિલ્લા પંચાયતો સ્‍વભંડોળમાં જોગવાઇ કરીને ડાયરી છપાવે છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્રએ ઓડીટ વખતે પ્રશ્‍ન ઉભો થવાની સંભાવના દર્શાવી ડાયરી પંચાયતના ખર્ચે પ્રસિધ્‍ધ કરાવવાની કાર્યવાહીને બ્રેક લગાવેલ. પદાધિકારીઓને ત્‍યારપછી જિલ્લા પંચાયતના કામ સાથે સંકળાયેલ કોન્‍ટ્રાકટ એજન્‍સીઓ પાસેથી વિધિવત જાહેરાત લઇ ડાયરી તૈયાર કરવાની પરંપરા શરૂ કરેલ આશરે રૂા. ર૦૦ની પડતર કિંમતની રપ૦૦ ડાયરીઓ તૈયાર કરાવવામાં રૂા. પ લાખ જેટલી જરૂર પડી. આ વખતે જાહેરાત આપનારાઓએ નકારાત્‍મક પ્રતિસાદ આપતા ઉપયોગી ડાયરી પ્રસિધ્‍ધ કરવાનો મેળ પડેલ નથી. મ્‍યુનિસિપલ કોર્પોરેશન લાખોના ખર્ચે કેલેન્‍ડર પ્રસિધ્‍ધ કરે છે પણ જિલ્લા પંચાયતમાં અમુક અધિકારીઓના અસહકાર ભર્યા વલણ અને મોટાભાગના ચૂંટાયેલા સભ્‍યોની નિરસતાના કારણે નવા નાણાકીય વર્ષની ડાયરી તૈયાર કરાવી શકાયેલ ન હોવાનું બહાર આવેલ છે. પંચાયતને મંદી અને મોંઘવારીએ અસર કરી છે.

(4:08 PM IST)