<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

એકલા રહેતાં ૭૦ વર્ષના બરકતભાઇ લાખાણીની ક્રુર હત્‍યા કરી સોનાની ૮ વીંટી, લક્કી, ઘડીયાળની લૂંટ

રાજકોટમાં ચોવીસ કલાકમાં બીજી હત્‍યા : કોઠારીયા રોડ વાલકેશ્વર સોસાયટી રોડની શ્રીનગર સોસાયટીમાં ઘટનાથી ખળભળાટ : હત્‍યારાએ ગળા, પેટ, વાંસાના ભાગે છરીના ઘા ઝીંક્‍યાઃ આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવા ટીમો કામે લાગી : હત્‍યાનો ભોગ બનનાર બરકતભાઇ લાખાણી પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા નંબરે હતાં: પત્‍નિ હયાત નથીઃ દિકરો ઇકબાલ પરિવાર સાથે આફ્રિકા રહે છે : દિકરા ઇકબાલે આફ્રિકાથી પિતાને ફોન જોડયો, રિસીવ ન થતાં પિત્રાઇને જાણ કરીઃ તે તપાસ કરવા બરકતભાઇના ઘરે જતાં હત્‍યાની જાણ થઇઃ દૂધ સાગર રોડ પર રહેતાં મૃતકના નાના ભાઇ રમજાનભાઇ લાખાણીની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

જ્‍યાં હત્‍યા લૂંટની ઘટના બની તે શ્રીનગર સોસાયટીમાં આવેલુ ઘર, ઘટના સ્‍થળે ડીસીપી જગદીશ બાગરવા, પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા અને ટીમ તથા એકઠા થયેલા લોકો, હત્‍યાનો ભોગ બનેલા બરકતભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી (ઉ.વ.૭૦)નો નિષ્‍પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૭: શહેરમાં ચોવીસ કલાકમાં હત્‍યાની બીજી ઘટના બની છે. જેમાં કોઠારીયા રોડ વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર આવેલી શ્રીનગર સોસાયટી શેરી નં. ૩માં એકલા રહેતાં વૃધ્‍ધ બરકતભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી (ઉ.વ.૭૦)ની ઘરમાં ઘુસી ગળા, પેટ, વાંસામાં છરીના ઘા ઝીંકી ક્રુર હત્‍યા નિપજાવી તેમણે બંને હાથમાં પહેરેલી સોનાની આઠ વીંટીઓ, સોનાની લક્કી અને ઘડીયાળની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. લૂ઼ટ વીથ મર્ડરની આ ઘટનાનો ભેદ ઉકેલાવ ઉચ્‍ચ અધિકારીઓની રાહબરી હેઠળ ભક્‍તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૧ની ટીમો કામે લાગી છે. સીસીટીવી ફૂટેજને આધારે ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે. ભેદ ઉકેલાય જાય તેવી આશા પોલીસે દાખવી છે.

હત્‍યાની આ ઘટનામાં ભક્‍તિનગર પોલીસે હત્‍યાનો ભોગ બનેલા બરકતભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી (ઉ.વ.૭૦)ના નાના ભાઇ દૂધ સાગર રોડ પર દૂધની ડેરી  સામે અર્શ એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રમજાનભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી-ખોજા (ઉ.વ.૬૭)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે હત્‍યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હત્‍યા સ્‍થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા કવાયત આદરી હતી.

રમજાનભાઇએ જણાવ્‍યું હતું કે હું અગાઉ થોરાળાની બકાલા માર્કેટમાં ફ્રુટ વેંચતો હતો, હાલ નિવૃત છું. અમે પાંચ ભાઇઓ અને ત્રણ બહેનો છીએ. જેમાં મોટા ભાઇ પ્‍યારઅલી લાલપુર રહેતાં હતાં. જે હાલ હયાત નથી. તેનાથી નાના હાકમભાઇ રાણાવા રહેતાં હતાં તે પણ અવસાન પામ્‍યા છે. તેનાથી નાના કરીમભાઇ પણ અવસાન પામ્‍યા છે. તેનાથી નાના બરકતભાઇ લાખાણી વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર આવેલા શ્રીનગર શેરી નં. ૩માં એકલા રહેતાં હતાં. તેમના પત્‍નિ ઝરીનાબેન વર્ષો પહેલા અવસાન પામ્‍યા છે. મારા ભાઇ બરકતભાઇનો દિકરો ઇકબાલ લાખાણી તેના પરિવાર સાથે આફ્રીકાના લુમ્‍બાસામાં રહે છે. સોૈથી નાનો હું છું. અમારે ત્રણ બહેનો છે જેમાં એક ઝરીનાબેન બીજા રોશનબેન હયાત નથી. નાના રશીદાબેન રાજકોટમાં જ રહે છે.

શુક્રવારે રાતે સાડાઆઠ પોણા નવેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે ભત્રીજા રાજેશ પ્‍યારઅલી લાખાણીનો ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે બરકતકાકા તેમના ઘરે પડી ગયા છે અને સિરીયસ જેવુ લાગે છે જેથી આપણે જવું પડશે. આથી હું મારા ઘરેથી નીકળી સીધો શ્રીનગર-૩માં મારા મોટા ભાઇ બરકતભાઇના ઘરે ગયો હતો.  જ્‍યાં મારા મોટાભાઇ બરકતભાઇના ‘રોહિત' નામના મકાને ગયો હતો. ત્‍યાં આસપાસના અને અમારા સમાજના અનેક લોકો ભેગા થયા હતાં. હું ઘરની અંદર જતાં મારા ભાઇ હોલમાં સોફાની બાજુમાં લોહીલુહાણ પડયા હતાં. ત્‍યાં નીચે ઘણુ લોહી હતું. મારા ભાઇ બરકતભાઇને ગળાના ભાગે તથા પેટમાં જમણી બાજુ અને વાંસામાં ડાબી બાજુ છરી જેવા તિક્ષ્ણ હથીયારના ઘા માર્યા હોય તેવું દેખાયુ હતું.

મેં વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે મારા ભાઇ બરકતભાઇ હમેંશા તેના બંને હાથની આઠ આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરતા હતાં, તેમજ ઘડીયાળ અને લક્કી પણ પહેરી રાખતા હતાં. આ તમામ ચીજવસ્‍તુઓ ગાયબ હતી. તેઓ એકલા જ રહેતાં હોઇ કોઇએ તેના ઘરમાં કોઇપણ સમયે ઘુસી જઇ તેમની હત્‍યા કરી નાખી હતી. તેમ વધુમાં રમજાનભાઇએ જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતના સ્‍ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોનાની વિંટીઓ, ઘડીયાળ, લક્કી ગાયબ હોઇ લૂંટના ઇરાદે હત્‍યા થયાનું ખુલતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવ તેમજ ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા સહિતના પણ પહોંચ્‍યા હતાં.

એલસીબી ઝોન-૧ની ટીમે પણ પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્‍યાં ઘટના બની ત્‍યાં સીસીટીવી કેમેરા નથી. નજીકમાં એક સ્‍થળે કેમેરા હોઇ તે પોલીસે ચેક કરતાં તેમાં ઘટના સ્‍થળ દેખાતું ન હોઇ અન્‍ય કેમેરા ચેક કરવા ટીમો કામે લાગી હતી. હત્‍યાની આ ઘટનાને પગલે વિસ્‍તારમાં પણ ચકચાર મચી ગઇ હતી. (૧૪.૫)

રેકી કરી હત્‍યા-લૂંટની ઘટનાને અંજામ અપાયાની શક્‍યતા

ભક્‍તિનગર, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ની ટીમો ભેદ ઉકેલવા કામે લાગ્‍યા

રાજકોટઃ હત્‍યાનો ભોગ બનેલા બરકતભાઇ લાખાણી સિત્તેર વર્ષના હતાં અને એકલા જ રહેતાં હતાં. હત્‍યારાએ રેકી કર્યા બાદ તક જોઇ ઘરમાં ઘુસી ઘટનાને અંજામ આપ્‍યાની શક્‍યતા છે. ચોરી-લૂંટના ઇરાદે ઘુસનારે વૃધ્‍ધને સુતેલી હાલતમાં જ પતાવી દીધા બાદ લૂંટ ચલાવી હોઇ શકે અથવા તો વૃધ્‍ધે પ્રતિકાર કરતાં તેમની હત્‍યા કર્યા બાદ સોનાની વીંટીઓ, લક્કી, ઘડીયાળ લૂંટી લીધાની પણ શક્‍યતા નકારી શકાતી નથી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં ભક્‍તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી છે. (૧૪.૫)

(2:20 PM IST)