<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

રાજકોટનો અભૂતપૂર્વ વિકાસ થઇ રહ્યો છેઃ ભૂપેન્‍દ્રભાઇ

સુરતની જેમ રાજકોટને વિકસાવાશેઃ ૩૪૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણઃ ર૧૩ કરોડના ર૮ નવા પ્રોજેકટનું ખાતમુર્હુત ખાસ રિજીયોનલ ઇકોનોમિક પ્‍લાનઃ રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.ને ૭પ લાખની સહાયઃ સફાઇ કામદારોને ૧૦ હજારના ચેકોનું વિતરણ વડાપ્રધાને વાવેલા વિકાસના વટવૃક્ષના મીઠા ફળ મુખ્‍યમંત્રી છેવાડાના માનવી સુધી પહોંચાડયાઃ કુંવરજીભાઇ વીજળી-પાણી-રોડ કનેકટીવીટી મળવાથી સૌરાષ્‍ટ્રભરમાં ઉદ્યોગોનો જબરો વિકાસઃ મુખ્‍યમંત્રીની જાહેરાત મુખ્‍યમંત્રીએ રાજકોટમાં વિકાસની હારમાળા સર્જી દિધીઃ સફળ કાર્યક્રમ

રાજકોટ :.. રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટ આવ્‍યા હતા, શહેરને પપ૭ કરોડના વિકાસકામોની ભેટ આપી છે, તસ્‍વીરમાં ઉદ્‌્‌બોધન કરતા  મુખ્‍યમંત્રી તથા બાજુમાં સ્‍ટેજ ઉપર મહાનુભાવો નજરે પડે છે. અન્‍ય તસ્‍વીરોમાં મુખ્‍યમંત્રીનું સ્‍વાગત, મોમેન્‍ટો ક્ષણ, ઇ-લોકાર્પણ વિગેરે જણાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

રાજકોટ તા. ૭ :.. ગુજરાતના વિકાસયાત્રામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરતા, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે રાજકોટ શહેર અને જિલ્લાને રૂ. ૫૫૭.૧૮ કરોડથી વધુના અધતન વિકાસ પ્રકલ્‍પોની ભેટ આપી છે. જેમાં રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોના લોકાર્પણ અને રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ નવા વિકાસ કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ ભવ્‍ય કાર્યક્રમ રાજકોટના પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

નાગરિકોને સંબોધતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લામાં થઈ રહેલા આ વિકાસ કાર્યો નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ (જીવન નિર્વાહની સરળતા) માં નોંધપાત્ર વધારો કરશે. તેમણે છેલ્લા બે દાયકાની રાજકોટની વિકાસયાત્રાને યાદ કરી, જેમાં અટલ સરોવર, એઈમ્‍સ, આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ, અને વિવિધ ફલાયઓવર જેવા પ્રકલ્‍પો દ્વારા શહેરની કાયાપલટ થઈ હોવાનું જણાવ્‍યું.

મુખ્‍યમંત્રીએ રાજકોટના ભાવિ વિકાસના આયોજન અંગે મહત્‍વની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાત સરકારે સુરતની જેમ રાજ્‍યમાં છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે, જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. આ માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિક પ્‍લાન બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ MSME, એન્‍જિનિયરિંગ, સોના-ચાંદી, જ્‍વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઊભરી આવ્‍યું છે અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આવા ઉદ્યોગોને વિશ્વ કક્ષાનું માર્કેટ મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજના ૩૫૨મા રાજ્‍યાભિષેક દિવસનો ઉલ્લેખ કરતા મુખ્‍યમંત્રીએ શિવાજી મહારાજે સ્‍થાપેલ સુશાસનના મોડેલને યાદ કર્યું. તેમણે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને ર્ંનાગરિક દેવો ભવર્ઃંની ભાવના સાથે છેલ્લા ૧૧ વર્ષના સુશાસનમાં નાનામાં નાના માણસને વિકાસના લાભો પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્‍થાપિત કર્યું છે. આ જ માર્ગે આજે રાજકોટને રૂ. ૫૫૭.૧૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે, જેમાં રૂ. ૨૩૮ કરોડના વિકાસ કાર્યો ઊર્જાક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમણે જ્‍યોતિગ્રામ યોજના, ખેતી માટે ફીડરોનું વિભાજન, અને પૂરતી વીજળી પુરવઠા માટે નરેન્‍દ્રભાઈના સંતુલિત અભિગમની પ્રશંસા કરી.:

મુખ્‍યમંત્રીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સર્વે મુજબ રાજ્‍યમાં ૩.૪૦ લાખ પરિવારોએ સોલાર રૂફટોપ લગાવ્‍યા છે, જેમાંથી લોકોએ ૫૮ ટકા વીજળી ઘર વપરાશમાં ઉપયોગમાં લીધી અને ૪૨ ટકા વીજળી સરકારને વેચીને કમાણી કરી છે. તેમણે વધુમાં વધુ લોકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી. ખેડૂતોને પણ સોલાર યોજનાનો લાભ મળે છે અને રાજ્‍યના ૯૮ ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.

આ  પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ મુખ્‍યમંત્રી તરીકે વાવેલા વિકાસના વટવળક્ષના મીઠા ફળ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચાડ્‍યા છે. તેમણે  વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને ચરિતાર્થ કરતા કલા અને રમતગમત ક્ષેત્રના વિકાસને પણ બિરદાવ્‍યો. જસદણમાં ૮ કરોડના ખર્ચે ઇન્‍ડોર-આઉટડોર રમત સંકુલ બન્‍યું છે, જે ૨૦૩૦માં કોમનવેલ્‍થ ગેમ્‍સ અને ૨૦૩૬માં ઓલિમ્‍પિક રમતો માટે ગુજરાતની યજમાનીને ઉત્‍કળષ્ટ સાબિત કરશે. સૌની યોજના થકી સૌરાષ્‍ટ્રમાં પાણીની અછત ભૂતકાળ બની ગઈ છે, અને આજે લોકાર્પિત થતી મોવિયા, મચ્‍છુ-૧ અને પડધરી યોજનાઓ દ્વારા રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં ૧૩૨ ગામ-નગરોના આશરે ૩.૭૦ લાખથી વધુ લોકોને પ્રતિ વ્‍યક્‍તિ સો લીટર પાણી નિયમિત મળશે.

આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત અનેક પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  મુખ્‍યમંત્રીના હસ્‍તે રાજકોટ એન્‍જિનિયરિંગ એસોસિએશનને રૂ. ૭૫ લાખની સહાય, સ્‍વામિત્‍વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ અને નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ સફાઈ કામદારોને પ્રોત્‍સાહન રૂપે રૂ. ૧૦ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ બાદ મુખ્‍યમંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી અને રેસકોર્સ ખાતે નવનિર્મિત આર્ટ ગેલેરીને ખુલ્લી મૂકી પ્રદર્શિત કલાકળતિઓ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયાએ રાજકોટ જિલ્લાને માત્ર છ માસના સમયગાળામાં રૂ. ૧૬૨૩ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ મુખ્‍યમંત્રીશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

રાજકોટ જિલ્લા ક્‍લેક્‍ટર શ્રી પ્રભવ જોશીએ સ્‍વાગત પ્રવચન સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સુશાસન' અને ‘જનકલ્‍યાણ' એ ગુજરાત સરકારની શાસન ણાલીના કેન્‍દ્રમાં છે. આજે મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રાજકોટ જિલ્લા તથા મહાનગરના નાગરિકોને સરકારના વિવિધ નવ વિભાગોના આશરે રૂપિયા ૫૨૫ કરોડના ૪૧ વિકાસ પ્રકલ્‍પોની ભેટ મળી છે. આ તકે કલેકટરશ્રીએ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પિત થવા જઈ રહેલા જસદણના તાલુકા કક્ષાના સ્‍પોર્ટસ સંકુલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રમત-ગમતને વિશેષ પ્રોત્‍સાહન આપવાની રાજ્‍ય સરકારની નીતિને સાર્થક કરતાં, જસદણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત એકર જમીન પર રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે અદ્યતન સ્‍પોર્ટ્‍સ સંકુલ નિર્માણ પામ્‍યું છે.

આ અવસરે સાંસદો સર્વ  પરશોત્તમભાઈ રૂપાલા,  રામભાઈ મોકરિયા,  કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, મુખ્‍યમંત્રીશ્રીના સચિવ  વિક્રાંત પાંડે, મ્‍યુનિસપિલ કમિશનર  તુષાર સુમેરા, ધારાસભ્‍યો સર્વ  ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબહેન શાહ, ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા,  જીતુભાઈ સોમાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબહેન જાદવ, દંડક શ્રી મનીષ રાડિયા, અગ્રણી ડો. ભરત બોઘરા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, અગ્રણી  માધવ દવે,  મુકેશ દોશી, શ્રીમતી બીનાબહેન આચાર્ય,  પ્રકાશભાઈ સોની, નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી, પાણી પુરવઠાના મુખ્‍ય ઈજનેરશ્રી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ બાદ મુખ્‍યમંત્રીશ્રીએ રાજકોટના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. ત્‍યારબાદ રેસકોર્સ ખાતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત આર્ટ ગેલેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકી પ્રદર્શિત કલાત્‍મક કળતિઓ રસપૂર્વક નિહાળી હતી. (પ-૧૯)

(2:39 PM IST)