<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

બેડી ગામમાં સ્‍કોર્પિયો ધીમે હંકારવાનું કહેતાં અનાજની ઘંટીવાળા વિશાલનું અપહરણઃ પોપટપરામાં લાવી ધોલધપાટ

ટાઇમપાસ કરવા તેરપત્તી રમતા હતાં ત્‍યારે બંબાટ સ્‍પીડથી સ્‍કોર્પિયો આવીઃ પોલીસ આવી તેમ સમજી બધા ભાગ્‍યાઃ વિશાલ ઉભો રહેતાં અને તેણે ગાડીવાળાને ધીમે હંકારવાનું કહેતાં ડખ્‍ખોઃ રાજકોટના પિયુષ સહિત ત્રણને શોધતી કુવાડવા પોલીસ

રાજકોટ તા.  ૭: મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં રહેતો અને ઘર સાથે જ અનાજ દળવાની ઘંટી ચલાવતો યુવાન વિશાલ પોતાના કાકાના દિકરા અને બીજા ચારેક યુવાનો સાથે રાતે ટાઇમ પાસ કરવા ઘર નજીક ખુલ્લી જગ્‍યામાં તેરપત્તી રમતો હતો ત્‍યારે ફુલ સ્‍પીડથી સ્‍કોર્પિયો ગાડી આવતાં અને ઉભી રહી જતાં પોલીસ આવ્‍યાનું સમજી બધા ભાગી જતાં અને વિશાલ ત્‍યાં જ ઉભો રહી જતાં તેણે ચાલક રાજકોટના શખ્‍સને આ રીતે સ્‍પીડથી સાંકડી શેરીમાં ગાડી ન ચલાવાય તેમ કહેતાં આ શખ્‍સ અને બીજા બે જણાએ તેને બળજબરીથી ગાડીમાં નાંખી અપહરણ કરી પોપટપરામાં લાવી બેફામ માર મારતાં દેકારો થતાં ત્રણેય તેને મુકીને ભાગી જતાં તેણે સારવાર લીધા બાદ પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે બેડી ગામ સરકારી સ્‍કૂલ પાસે રહેતાં અને ઘર સાથે જ શ્રી નામથી અનાજ દળવાની મીલ ચલાવી ગુજરાન ચલાવતાં વિશાલભાઇ ગોવિંદભાઇ દાળોદરા-કોળી (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી જીજે૩૬એએલ-૫૫૧૦ નંબરની સ્‍કોર્પિયોના ચાલક રાજકોટના પિયુષ તથા તેની સાથેના બે અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણ કરી મારકુટ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિશાલભાઇએ જણાવ્‍યું હતું કે હું શુક્રવારે રાતે હું મારા ઘર પાસે ચામુંડા સોસાયટીમાં આવેલી ખુલ્લી જગ્‍યામા઼ મારા કાના દિકરા વનરાજભાઇ કેશુભાઇ દાળોદરા તથા મારા મિત્રો વિનોદભાઇ જયંતિભાઇ ઉકેડીયા તથા બીજા મળી છ જણા ટાઇમ પાસ માટે તેરપત્તીની રમત રમવા બેઠા હતાં. આશરે પોણા એકાદ વાગ્‍યે એક સ્‍કોર્પીયો ફુલ સ્‍પીડથી આવી હતી અને અમે રમતા હતાં ત્‍યાં આવી ઉભી રહી ગઇ હતી. પોલીસ આવી તેવુ સમજી બધા ભાગવા માંડયા હતાં. હું ત્‍યાંજ ઉભો રહી ગયો હતો. આ વખતે સ્‍કોર્પિયોમાંથી એક શખ્‍સ ઉતર્યો હતો. તે રાજકોટનો પિયુષ હોવાનું તેણે કહ્યું હતું. તેની સાથે બીજો એક શખ્‍સ પણ ઉતર્યો હતો.

મારી પાસે આવીને કહેલુ કે શેરીમાં જગ્‍યા નથી, ગાડી પાર્ક કરવી છે. આથી મેં પિયુષને કહેલુ કે તમારે ભલે ગાડી પાર્ક કરવી હોય પણ આ રીતે નાની સાંકડી શેરીમાં સ્‍પીડથી ગાડી ન ચલાવાય, કોઇને લાગી જાય. આ વાત પિયુષને ન ગમતાં તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને બળજબરીથી ખેંચીને ગાડીમાં વચ્‍ચેની સીટમાં નાખી દીધો હતો. અંદર અન્‍ય એક શખ્‍સ અગાઉથી બેઠેલો હતો. હું કંઇ સમજુ એ પહેલા પિયુષે ગાડી ચાલુ કરી સ્‍પીડથી હંકારી હાઇવે પર લઇ લીધી હતી. આ વખતે મારા કાકાનો દિકરો વનરાજ જોઇ જતાં તેણે મારા ફોનમાં ફોન કરી ક્‍યાં લઇ જાય છે? તેમ પુછતાં મેં જામનગર બાયપાસ તરફ લઇ જાય છે તેમ કહેતાં વનરાજે પિયુષ સાથે વાત કરાવવાનું કહેતાં મેં તેને ફોન આપતાં તેણે ફોન કટ કરી નાખ્‍યો હતો.

આ પછી ગાડી પોપટપરા તરફ જવાના રસ્‍તે લઇ જવાઇ હતી. જ્‍યાં ત્રેપન ક્‍વાર્ટર નજીક કાર ઉભી રાખી વચ્‍ચેની સીટમાં બેઠોલ બે જણાએ મને નીચે ઉતાર્યો હતો. બાદમાં પિયુષે મારી પાસે આવી ઝઘડો કરી ગાળો દઇ ઝપાઝપી કરી હતી અને નાક પર તથા મોઢાના ભાગે ઢીકા માર્યા હતાં. આ ઉપરાંત લાકડાના ધોકાથી પણ મને ફટકાર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ત્‍યાંથી ભાગી ગયા હતાં. એ દરમિયાન મારા કાકાના દિકરા વનરાજે પોપટપરામાં રહેતાં અમારા કુટુંબી ભરતભાઇ દાળોદરાના દિકરા નવઘણને જાણ કરતાં તે આવી ગયેલ અને મને હોસ્‍પિટલે ખસેડયો હતનો. સારવાર બાદ મને રજા અપાતાં પોલીસને જાણ કરી હતી. કુવાડવા પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્‍સ. લક્ષમણભાઇ એસ. મહાજને ગુનો નોંધતા પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયા સહિતે તપાસ  હાથ ધરી છે.

(4:07 PM IST)