<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

રાજકોટના વાવડી રોડ પર મોગલ હોટલ સામે હત્યા : ગણતરીની કલાકોમાં આરોપી પોલીસના સકંજામાં

અવેશ તેમજ ભગીરથસિંહના ઝઘડામાં નિર્દોષ વિપુલ મકવાણા ની હત્યા થઈ હોવાનું સામે આવ્યું

રાજકોટના વાવડી રોડ પર મોગલ હોટલ સામે 6 જૂનના રોજ બપોરના સમયે ભગીરથ સિંહ વાઘેલા તેમજ તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા  વિપુલ મકવાણા નામના વ્યક્તિને લોખંડના પાઇપ-લાકડાના ધોકા સહિતના હથિયારો વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેના કારણે સારવાર અર્થે વિપુલ મકવાણા તેમજ તેના  મિત્ર શકીલ શાહમદારને પણ ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિપુલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. 

સમગ્ર બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે તાલુકા પોલીસ દ્વારા હાલ ભગીરથસિંહ વાઘેલા તેમજ તેની સાથે રહેલા અજાણ્યા ચાર વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં શકીલ શાહમદારના પિતરાઈ ભાઈ અવેશ પાસેથી ભાડાના પૈસા બાબતે આરોપીઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી રહી હતી. જે સંદર્ભે શકીલ અને તેનો મિત્ર વિપુલ ત્યાં પહોંચતા બંને ઉપર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 

રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યાના ગુનામાં આવેલા પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા ભગીરથસિંહ વાઘેલા, અર્જુનસિંહ સરવૈયા, સુરેશ સીસા તેમજ કરણસિંહ સરવૈયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. શકીલ શાહમદાર પોતાના પિતરાઈ ભાઈ અવેશના ઘરે જતો હતો. ત્યારે પોતાની સાથે પોતાના મિત્ર વિપુલ મકવાણાને પણ લઈ ગયો હતો. ત્યારે અવેશ તેમજ ભગીરથસિંહના ઝઘડામાં નિર્દોષ વિપુલ મકવાણા ની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું

(7:35 PM IST)